છાપા પ્રત્યેનો આદર
શિષ્ટ વાંચનનું સિંચન કરનાર, માહિતી સભર વિવિધ સમાચાર આપનાર લોકપ્રિય સાપ્તાહિક 'ગુજરાત સમાચાર'ને હું નિયમીત વાંચુ છું. આવા સુંદર અખબારને હું મારે હાથે પસ્તીમાં પધરાવી શકતો નથી. તેથી હું હર હંમેશ મારૂ 'ગુજરાત સમાચાર' વંચાઇ ગયા પછી સ્થાનિક સર્જરીમાં આપી દઉં છું જેથી ત્યાં આવનારા લોકો પણ તે વાંચી શકે.
- હીરાભાઇ એમ. પટેલ, લુટન
સત્કર્મ આજે જ કરો
સમાચાર પત્ર એ સમાજનું દર્પણ છે. આપણા 'ગુજરાત સમાચાર'માં બધા જ રસ પીરસેલા હોય છે. આથી વાંચવાની ઓર મજા આવે છે. સારા વિચારોને સમાજને આપવા તે પણ મોટી સમાજ સેવા છે. કારણ કે માનવી સારા વિચારોથી જ સારો માનવી બનતો હોય છે. માણસને જો ખરાબ કામ (પાપ કર્મ) કરવાનો વિચાર આવે તો તેને દૂર દૂર સુધી લંબાવતા જવું. પણ સારું કર્મ કરવાનો વિચાર આવે તો તેને તુરંત અમલમાં મૂકવો જોઈએ.
એકવાર એક શેઠજીએ મુનિમને કહ્યું કે આ કામ સારું નથી પણ તેને કર્યા વગર ચાલશે નહીં. મુનિમે કહ્યું - સારું થઈ જશે.
શેઠજીએ કહ્યું ઃ એમ નહીં ક્યારે કરશો મને તેની તારીખ આપો. મુનિમે કહ્યુંઃ ૩૧મી જૂન.
જૂન મહિનો પૂરો થયો. જુલાઈ પણ લગભગ પૂરો થવા આવ્યો ત્યારે શેઠજીએ મુનિમને પૂછ્યું કે પેલું કામ થઈ ગયું.
મુનિમ બોલ્યોઃ ના શેઠજી નથી થયું. શેઠજીએ કહ્યુંઃ કેમ? તમે તો કહેલું કે ૩૧મી જૂને થઈ જશે.
મુનિમ બોલ્યોઃ માફ કરજો શેઠજી. જૂન મહિનો ૩૦ દિવસનો જ હોય છે. જૂનમાં ૩૧મી તારીખ આવતી નથી.
શેઠજીઃ તો જે તારીખ નથી આવતી તે તારીખ કેમ પસંદ કરી?
મુનિમઃ એવા (ખરાબ પાપકર્મો) કામ કરવા માટે તો ૩૧મી જૂન પસંદ કરવી કે જે તારીખ જીવનમાં ક્યારેય આવે નહીં. સારું કામ કરવાનું હોય તુરંત કરવું જોઈએ.
- મહેન્દ્રભાઈ ભટ્ટ, બોલ્ટન
સ્કોટલેન્ડનો જનમત
આજે સ્કોટલેન્ડની આઝાદી માટે સ્કોટીશ નેશનાલીસ્ટ પાર્ટી (એસએનપી) પ્રજાને અતિસુંદર સપના બતાવે છે. સપના જોવા અને તેને સાકાર કરવાં તે તદ્દન અલગ વાત છે. યુનાઈટેડ કિંગ્ડમ માટે અત્યારે એક ભયંકર સમય છે. આજના સગા મિત્રો કાલના વિરોધી દુશ્મન બનશે. આની અસર યુ.કે., યુરોપ અને બાકીના જગત પર પડશે. NATOની મીટીંગમાં યુરોપના દેશોએ જણાવ્યું કે બ્રિટન વગર યુરોપ અધૂરું છે તો સ્કોટલેન્ડની SNPને આ કેમ નથી સમજાતું? જ્યાં યુ.કે. છે ત્યાં અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા છે. યુકે સિંહની ગર્જના છે. વિશ્વની ઘટનાઓને તપાસો અને વિચારો તો તમોને સમજાશે તમારા જીવન પર સંપૂર્ણ યુ.કે. વગર કેવી અસર પડશે? દા.ત. ઈરાક – અફઘાનિસ્તાન - સિરિયા વિગિરે વિગેરે. ISIS જેવા અધર્મીઓને કોણ જવાબ આપશે? વાંચો અને વિચારો ! સ્કોટલેન્ડ અને વેલ્સને સ્વતંત્ર પાર્લામેન્ટ આપી તે જ પ્રથમ ભૂલ હતી. છેલ્લે કહેવું પડશે કે લાઠીનો ભારો સાથે હોય તો શક્તિશાળી બને છે અને લાઠી છૂટી પડે તો તે એકલી સહેલાઈથી તૂટી જાય છે.
- મંદારબહેન આર. પટેલ, હેરોગેટ
આ તો વડીલ નેતાઓને સજા થઇ
શ્રી નરેન્દ્ર મોદીને આટલી ઊંચાઈ સુધી પહોંચવા માટે તેના આત્મબળ + નિર્ણયશક્તિ + હિંમત ને સલામ. તેમના સ્વભાવ પ્રમાણે તેઅો રસ્તામાં આવતા દરેક કાંટાને કાઢી નાખે છે પછી તે પોતાના હોય કે વિરોધી હોય. લાલુ, નીતિશ, મમતા, મનીષ તિવારી, કેટલાક ગર્વનર તેમજ સનદી અધિકારીઓનું રાજકીય અસ્તિત્વ શૂન્ય કરી નાંખવું એ પણ ખરેખર તો પ્રજાહિતમાં જ છે.
પરંતુ પોતાના પક્ષમાં પણ ૭૫ વર્ષ કરતા વધુ વયના નેતાઅોનું સ્થાન પણ સાવ કાઢી નાંખવું વાજબી નથી. કારણ કે તેઅો તો પાયાના પથ્થર સમાન છે. તેમના આશીર્વાદ, સલાહ, સૂચન, નિર્ણય વગેરેને અવગણવા ન જોઈએ. આપણા મા-બાપ આપણા માટે આખી જિંદગી મહેનત કરી મકાન ઊભું કરે અને જ્યારે તે મકાનમાં તેઓ માટે શાંતિથી રહેવાનો સમય આવે ત્યારે જ તેમને ઘરની બહાર કાઢી મૂકીએ તો શું તે વ્યાજબી છે? શ્રી અડવાણીજીની ફેવર ન હોત તો શ્રી મોદીજી આટલી ઊંચાઈ સુધી પહોંચી શક્યા ન હોત. કારણ શ્રી વાજપેયીજી તો મોદી વિરુદ્ધ હતા જ. શ્રી અડવાણીજીથી જાણતા અજાણતા એક બે ભૂલ થઈ હશે તો તે ભૂલ સુધારી પણ લીધી છે. ખરેખર તો માફ કરનાર માણસ જ મહાન ગણાય.
- પરેશ પી. દેસાઈ, લંડન
મન થાય છે
ચાંદની રાતમાં, ચાંદ જેવું રૂપ તમારું,
જોવાનું મન થાય છે. તમો ક્યાં છો? દેખાતા નથી.
તમોને મળવાનું મન થાય છે.
સપનામાં તો અક્સર આવો છો,
આવીને ચાલ્યા જાઓ છો,
દિલમાં તમોને રાખવાનું મન થાય છે.
હું તો રાહ જોતો અહીં બેઠો છું,
તમોને આંખમાં કેદ કરવાનું મન થાય છે
- અમૃતલાલ પી. સોની, વેમ્બલી, લંડન
દીકરી પારસ છે
આજના યુગમાં દીકરી સાપનો ભારો છે તે કહેવતને દીકરીઓએ ખોટી પાડી છે. હાલના યુગમાં જોઈએ તો દીકરા કરતાં દીકરીઓ મા-બાપનું ધ્યાન વધારે રાખે છે અને માવજત પણ કરે છે.
જગતમાં તમને દિકરીઅો સેવા કરતી હોય તેવા અનેક ઉદાહરણો જોવા મળશે. તો પછી કઇ રીતે દીકરીને સાપનો ભારો કહેવાય? પુત્રીઓ મા-બાપને તકલીફ આપે છે? પરંતુ આ બધું જોતાં હજુ પણ આપણે દીકરાને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. મારા મત પ્રમાણે દીકરી દીકરાથી ઊંચું સ્થાન ધરાવે છે. દીકરા-દીકરીની તુલના વિષેની એક પત્રિકા ટૂંકાવીને રજૂ કરૂં છું.
દીકરો વારસ છે તો દીકરી પારસ છે!
દીકરો વંશ છે તો દીકરી અંશ છે!
દીકરો આન છે તો દીકરી શાન છે!
દીકરો તન છે તો દીકરી મન છે!
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!
દીકરો દવા છે તો દીકરી દુઆ છે!
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!
દીકરો એક પરિવારને તારે છે
તો દીકરી દસ પરિવારને તારે છે!
ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુઃખોથી ઘેરાયેલા હો અને મહેસૂસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.
- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો