યુ.કે.માં ગુજરાતી તથા અન્ય ભાષાઓની પરીક્ષાઅોને ૨૦૧૬ની સાલમાં નાબુદ કરવાનો નિર્ધાર કર્યો છે. તેની પાછળનું મહત્વનું કારણ વર્ગોની અંદર વિદ્યાર્થીઓનો પુરતી સંખ્યાનો અભાવ છે. શાળાઓને ગુજરાતી ભાષા નિભાવવા માટે જંગી ખર્ચ ઉઠાવવો પડે તે એમની દ્રષ્ટીએ વ્યાજબી નથી. ગુજરાતી ભાષાને બદલે બીજી યુરોપિઅન ભાષાઓ મુખ્યત્વે ફ્રેંચ, જર્મન, સ્પેનીશ શીખવાનો આગ્રહ વિદ્યાર્થીઓ રાખે છે. આ ભાષાની જાણકારીથી તેમની ઉન્નતી થશે, આર્થીક લાભ થશે એવું વિદ્યાર્થીઓનું અને વાલીઓનું માનવું છે.
માતૃભાષા એટલે પોતાનો સંસ્કારવારસો ટકાવી રાખવાનું પ્રવેશદ્વાર. ભાષા જાણતા હોય તો સાહિત્યનુ, કવિતાઓનું , વ્યાખ્યાનોનું, કથાઓનું રસપાન કરવાની મધુરતા કઇંક અલગ જ છે. ગુજરાતી ભાષા શીખવવા માટે ઘણા જ્ઞાતિ હોલમાં વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓના અભાવ લીધે ઘણી જગ્યાઓએ આ વ્યવસ્થા રદ કરવાની સંચાલકોને ફરજ પડતી હોય છે. વાલીઓ એમ માને છે કે ગુજરાતી શીખવાથી તેમના બાળકોને અભ્યાસમાં વિક્ષેપ પડશે.
ગુજરાતી લખવા-વાંચવાનું જ્ઞાન ફક્ત એક કે બે વર્ષમાં પ્રાપ્ત થઇ શકે છે અને આપણો ધ્યેય સિધ્ધ કરવા માટે એટલું પુરતું છે. વાલીઓ તેમના સંતાનોને ગુજરાતી શીખવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. બીજી ભાષા શીખવાથી બાળકો વધારે તેજસ્વી બનશે અને જીવનમાં સર્વે રીતે વિકાસ કરવાની ક્ષમતા ધરાવશે.
નિરંજન વસંત, લંડન.
કર્મયોગ હાઉસનો કરિશ્મા!
'ગુજરાત સમાચાર'ના તા. ૧૮ જુલાઈથી ૨૪ જુલાઈના અંકમાં ‘પહેલું સુખ તે જાતે નર્યા’ મથાળાનો 'જીવંત પંથ'નો લેખ વાંચ્યો. એક નિષ્ણાત ડોક્ટરની સલાહ કરતા પણ અધિકતમ શ્રી સી. બી. સાહેબે આપણને જે સંદેશ આપ્યો તે અદભૂત છે. એમણે કહ્યું તેમ આપણા માટે તન અને મનના સુખની પ્રાથમિકતા અગત્યની છે. આ દેશમાં કેટલાક દર્દીઓ બીનજરૂરી દવા અને સારવાર લઈ રહ્યા છે તેનો નિર્દેશ કર્યો. દવા કરતા હળવા આસનો કરીએ, આપણી રોજની જીવનશૈલી સુધારીએ તો કેટલીયે તકલીફોનું નિવારણ આપણે જ કરી શકીએ એમ સૂચવ્યું. આપણા ડોક્ટર આપણે જ થવાનું છે તે તેમણે પોતાના જીવનના દ્રષ્ટાંતો આપી સિદ્ધ કરી બતાવ્યું.
આપણા જીવનમાંથી કેટલીક કુટેવોને તિલાંજલિ આપીએ તો તંદુરસ્ત રહેવું અઘરું નથી. શ્રી સી.બી.એ નારીજગતને પણ ચિંતામુક્ત કર્યું. એમણે કહ્યું કે આજકાલ થતી કેન્સરની બિમારી પ્રત્યે સાવધાન રહો અને આધુનિક સારવારની પદ્ધતિને અપનાવો. અને છેલ્લે પણ એક અદભૂત વાત કરી. ઈશ્વરે આપણને મોંઘુ મનુષ્યજીવન બક્ષ્યું છે તો કાંઈક કરી જવું. ઈશ્વરે આપેલી શક્તિનો સદુપયોગ કરવો. આ વાંચીને અમને પેલા ભક્તજન નરસિંહ મહેતાની પંક્તિ યાદ આવી કે, ‘હરિના જન તો મુક્તિ ના માગે, માંગે જન્મોજન્મ અવતાર રે.’
શ્રી સી. બી. સાહેબને ધન્યવાદ!
કાંતાબહેન અને પ્રભાકાંત, ઓકવુડ, લંડન
ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવાનું બંધ થવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આપણે આગ લાગી ત્યારે કૂવો ખોદવાની તૈયારી ચાલુ કરી છે. ટૂંકમાં આપણા બાળકોને ગુજરાતી ન શીખવાના થોડાંક કારણો છે જેમ કે, આપણે ઘરમાં ગુજરાતી બોલતાં નથી. ખરેખર તે આપણી ભૂલ છે પણ આપણે ઘરમાં બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો ફ્રેન્ચ, જર્મન, સ્પેનીશ વગેરે ભાષા ભણે છે તેઓ પોતાની ભાષા જ ઘરમાં બોલે છે. ગુજરાતી પણ યુનિ.ના પ્રવેશ માટે, ભાષાંતર માટે ધંધામાં એમ ઘણી જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં વપરાય જ છે.
ગુજરાતી ભાષા મોટેભાગે સામાજિક સંસ્થાઓ ભણાવતી હોય છે પણ અમુક મુખ્ય શાળા પણ ભણાવે છે. શનિ-રવિ ઘણીવાર સામાજિક પ્રવૃત્તિઓ હોય તેથી કે તેઓ બીજી ઈત્તરપ્રવૃત્તિ દા.ત. તબલા, નૃત્ય, પિયાનો જેવી કરતાં હોય તેથી ગુજરાતી શાળામાં આવી શકતા નથી. તો જે મુખ્ય શાળામાં ગુજરાતીનો અભ્યાસ શરૂ કરે તો તેઓને ગુજરાતી શીખવાની તક મળે.
ધાર્મિક, સામાજિક, સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળે-મળે અને આપણી સંસ્કૃતિની ચર્ચા પણ થાય છે.
જે લોકોને નાનપણમાં ગુજરાતી ભણવાનો મોકો નથી મળ્યો તેવા ઘણાં લોકો અત્યારે પણ પુખ્ત વયના હોવા છતાં ગુજરાતી ભણે છે. કેમ? તેમને ખબર છે કે ગુજરાતી ભાષાનું મહત્વ શું છે. દા.ત. કેનન્સ ગુજરાતી શાળામાં બાળકો તો ખરા જ પણ પુખ્ત વયના વિદ્યાર્થીઓ પણ ગુજરાતી શીખે છે.
હવે આપણે એક પગલું આગળ વધીએ કે બ્રેન્ટ, બાર્નેટ, હેરો... વગેરે વિસ્તારોમાં ગુજરાતીઓની વસ્તી વધારે છે ત્યાં શક્ય હોય તો પ્રાથમિક શાળામાંથી ગુજરાતી શીખડાવે તેવો પ્રસ્તાવ મૂકવો જોઈએ. તેમ જ માધ્યમિક અને મહાશાળામાં પણ જ્યારે ધોરણ-૯માં વિષય પસંદ કરવાના હોય ત્યારે આપણે ભાર મૂકીને આગ્રહપૂર્વક ગુજરાતી એક વિષય તરીકે મૂકે તેવી માગણી કરવી જોઈએ. ઘણી નિશાળો જો દસ કે વધારે વિદ્યાર્થી ગુજરાતી શીખવા તૈયાર હોય તો ચાલુ નિશાળમાં પણ શીખડાવવા તૈયાર હોય છે. અમુક ભણવામાં નબળા વિદ્યાર્થીઓ હોય તેઓ સહેલાઈથી ગુજરાતીમાં એ* થી સી સુધીના ગ્રેડ મેળવી શકે છે. કારણ કે શિક્ષકો તેમને કેવી રીતે તૈયાર કરવા તે બરાબર જાણે છે.
આપણે જ આપણા બાળકોમાં આપણી ભાષા-સંસ્કૃતિનું જ્ઞાન જળવાઈ રહે તે માટે કંઈક કરવું પડશે. મેં સાંભળ્યું છે કે એક નિશાળે તે સંસ્કૃત પણ નિશાળમાં ભણાવવાનું ચાલુ કર્યું છે. આશા છે કે તે નિશાળ ગુજરાતી પણ ચાલુ કરે.
હંસા તેલી, કેન્ટન
દહેજનુ દુષણ
જીંદગીમાં મા-બાપે બે વખત અતિ કરૂણ કલ્પાંત કરે છે એક દીકરી જ્યારે ઘર છોડે ત્યારે અને બીજી વખત દીકરાઓ તે મા-બાપને તરછોડે છે ત્યારે. આપણી આંખનું રતન દીકરી પિયરનું સર્વસ્વ છોડી સાસરે વિદાય થાય છે ત્યારે કલાકો સુધી મા-બાપ રડ્યા જ કરે છે. તેમને તો દુનિયા ચાલી ગઈ તેવો અહેસાસ થાય છે. તેમના કાળજાનો કટકો હાથમાંથી છૂટી ગયો હોય તેમ લાગે છે. હિન્દુસ્તાનની ધરતી ઉપર અત્યાર સુધીમાં લાખો દીકરીઓને દહેજના દૂષણના પાપે સાસરે કાં તો જીવતી બાળી નાંખી છે, કાં ગળે ટૂંપો દઈ દીધો છે કાં રીબાઈ રીબાઈને મારી નાખી છે. પહેલાના વખતમાં પરણેલી દીકરીને સાસરિયા મા-બાપ સાથે સંબંધ રાખવા ન દેતા. આમ મા-બાપને દીકરીના અસહ્ય દુઃખની ખબર જ નહોતી પડતી અને છેવટે દિકરી મોતને ભેટતી.
આવી સાચી કરુણ કહાની જોઈ સ્વ. વી. શાંતારામે કરુણ ફિલ્મ ‘દહેજ’ બનાવી હતી. એવું મનાય છે કે ભારતમાં દર એક કલાકે દહેજના પાપે દીકરીને મારી નાંખવામાં આવે છે.
ભારતની સરકારે આ દૂષણને ગંભીરતાથી ધ્યાનમાં લઈ દીકરીના સાસરિયા કે એમાં સંડોવાયેલા તમામને કડકમાં કડક સજા આપવી જોઈએ અને ભારતની કન્યાઓને કમોતથી બચાવવી જોઈએ.
- સુધાબહેન રસિક ભટ્ટ, બેન્સન.
OCI & PIO કાર્ડની ભાંજગડ
સી. બી. પટેલ તેમજ અન્ય સૌ કાર્યકરો આપણા સમાજની ઘણી સેવા કરો છો. વિશેષમાં મારે એ જાણવું છે કે માનનીય વડા પ્રધાને OCI & PIO કાર્ડને એક કરેલ છે તો મારે PIO કાર્ડને કઇ રીતે OCI કાર્ડમાં ટ્રાન્સફર કરવું? આ બાબતનો ક્યાંય ઉલ્લેખ નથી. મને ઈન્ટરનેટનું જ્ઞાન નથી તો આપ આ બાબત તપાસ કરીને પેપરમાં છાપશો તો મારા જેવા ઘણાને ઘણું ઉપયોગી થશે.
- હરિશ મહેતા, વેસ્ટ નોરવુડ.
(નોંધ: વધુ માહિતી માટે જુઅો પાન ૨૭)
ગુજરાતી ભાષાનું કોકટેલ
ગુજરાત ઉપર મોગલો, પોર્ટુગિઝો અને અંગ્રેજોએ વર્ષો સુધી રાજ કર્યું છે.
આજે આપણે ખ્યાલ પણ ન આવે કે આપણી બોલચાલની અને ગુજરાતી લખવાની ભાષામાં કેટલાક અસલ શબ્દો વિદેશી છે. દા.ત. મિસ્ત્રી, કાજુ, ફાલતુ, અટકળ, તિજોરી, નિદાન, વાટાઘાટો, લબાડ, હાફૂસ, પાયરી, બારકસ, બટાકા, કપ્તાન, પગાર, તમાકુ વગેરે શબ્દો અસ્સલમાં પોર્ટુગીઝ છે.
એ રીતે દુકાનકાર, દારૂખાનુ, ગુલાબ જાંબુ, હલવો, ઈલાજ, બંદૂક, રૂમાલ, ખમીસ આ બધા મૂળ ફારસી છે.
અંગ્રેજી અસરવાળા શબ્દોમાં સ્ટેશન, બલ્બ, લાઈટ, બસ, જંગલ સ્વીચ વગેરે ઘણા શબ્દો છે. તેવી રીતે અંગ્રેજી ગુજરાતીના મીક્ષ થયેલા ભેળસેળીયા શબ્દો પણ ઘણાં છે. દા.ત. ટેબલ ખુરશી, આંસુ ગેસ, કપ-રકાબી, લાઠીચાર્જ વગેરે.
વિદેશીઓની હકૂમત જતી રહી પણ તેઓના શબ્દો આજે પણ ચલણમાં છે અને ગુજરાતી ભાષા સાથે ઓતપ્રોત થઈ ગયા છે.
- જગદીશ ગણાત્રા, વેલિંગબરો
0000
ધાર્મિક સ્થળો પાસે જ વાહન પાર્કિંગનું દુષણ
અમે અહીં લેસ્ટરમાં રહીએ છીએ. પણ અમારા ઘરની બાજુમાં આવેલુ એક ધાર્મિક સ્થળ હોવાથી અમારી તકલીફ વધી ગઇ છે. આપણાં જ કેટલાક શ્રધ્ધાળુઅો જેમ તેમ ડબલ યલો લાઈન પર પોતાની કાર પાર્ક કરી દર્શન કરવા જતા રહે છે. આપણે એટલા બધા સ્વાર્થી છીએ કે બીજાનો વિચાર કરતા નથી કે બીજાને કેટલી તકલીફ થશે. અમે અને અન્ય રહીશો ન તો અંદર આવી શકીએ છીએ કે ન તો બહાર જઈ શકીએ. આપણે ગુજરાતી લોકો ક્યારે સુધરશું?
'ગુજરાત સમાચાર' એક જ એવું છાપું છે કે જેનો ઘણો પ્રભાવ પડે છે.
- સ્થાનીક રહીશો, લેસ્ટરમાં
(નોંધ: વ્યાજબી ફરિયાદના કારણે આ પત્ર લખનારા લોકો અને તેમનું સરનામુ છુપાવાયું છે. ધાર્મિક સ્થળના સંચાલકોને વિનંતી કે તેઅો દર્શન કરવા આવતા ભક્તોને આ બાબતે સજાગ કરે અને આપણા જ ભાઇ બહેનોની તકલીફોનો અંત લાવે. - તંત્રી.)
ટપાલમાંથી તારવેલું
* લંડનથી ડો. નગીનભાઇ પટેલ તરફથી ધર્મ અને અંધશ્રધ્ધા વિષે લખાયેલો પત્ર સાંપડ્યો છે. પરંતુ સ્થળ સંકોચના કારણે લઇ શકતા નથી.
* હેરોથી અતુલભાઇ પુરોહિત જણાવે છે કે 'આજકાલ સોનાના ભાવમાં જોરદાર ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં મંદિરો અને લોકોના બેન્ક લોકોરોમાં ધરબાયેલા સોનાના જથ્થાનું મુલ્ય કેટલું બધુ ઘટી ગયું હશે તેનો કોઇએ અંદાજ લગાવ્યો છે ખરો? ખૂબ જ સરસ લેખ વાંચવાની મઝા આવી. ધ્નયવાદ.
* અરજણભાઇ પટેલ, રાયસ્લીપથી જણાવે છે કે 'વડાપ્રધાન ડેવિડ કેમરને બ્રિટીશ વિરોધી મુસ્લિમો સામે જોરધાર પ્રવચન આપી જે ચેતવણી ઉચ્ચારી છે તે કટ્ટરવાદી જેહાદીઅો સામે સરકારના સંભવીત પગલાની આગાહી સમાન છે. આતંકવાદને દુનિયા આખી ધીક્કારે છે ત્યારે કટ્ટરવાદીઅોએ પણ પ્રેમ અને અહિંસાનો માર્ગ સ્વીકારે જ છૂટકો થશે.