તમારી વાતના પત્રો

Tuesday 18th August 2015 10:23 EDT
 

અમેરિકાના મૃદુલાબહેનના અવયવોનું દાન

'ગુજરાત સમાચાર'માં થોડા સમય પહેલાં અમેરિકામાં ધર્મજના મૃદુલાબહેનની કરુણ હત્યાના સમાચાર વાંચી અત્યંત દુઃખ થયું. પણ ત્યાર બાદ સમાચાર જાણ્યા કે સારવાર દરમિયાન મરણ થતા તેમના પરિવારજનોએ મૃદુલાબહેનનાં અવયવોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમનું હૃદય, લિવર અને કિડનીનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.

આ ઉમદા નિર્ણયથી પરિવારજનોનું દુઃખ તો દૂર નહીં થાય પણ જરૂરથી હળવું થશે. કારણ કે મૃદુલાબેન મરણ પછી પણ ત્રણ વ્યક્તિના જીવનમાં ‘જીવંત’ રહેશે. આવા કપરા સમયમાં બધા જ પરિવારજનોએ સહમત થઈને અંગદાનનો નિર્ણય લીધો એ દાદ માગી લે તેવો છે. હું તેમના પરિવારને હૃદયપૂર્વક સલામ કરીને ધન્યવાદ આપું છું. કારણ આપણાં સમાજમાં આપણે જીવંત હોઇએ ત્યારે આપણા અવયવોનું દાન કરવાનું ફોર્મ બહુ જ ઓછા લોકો ભરતા હોય છે. અવયવોનું દાન બધા જ દાન કરતાં સૌથી ચઢીયાતું દાન છે.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

આતંકનું સમર્થક પાકિસ્તાન

યુનાઇટેડ આરબ એમિરાતના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈના ક્રિકેટ સ્ટેડીયમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર જ આતંકવાદના સમર્થક દેશ તરીકે તેને એકલું પાડવા દુનિયાના દેશોને અપીલ કરી હતી. મોદીજીએ જણાવ્યું હતું કે 'હવે આતંકવાદને સમર્થન આપતા દેશોને અલગ પાડવાનો સમય આવી પહોંચ્યો છે અને આતંકવાદમાં રાચતા લોકોને સજા થવી જોઈએ.

યુનાઇટેડ આરબ એમિરાતના રાજકુમારે મંદિર બનાવવા માટે જગ્યા આપીને ખૂબજ સુંદર ભેટ આપી છે.

રજનીકાંત શાસ્ત્રી, હેરો

૦૦૦૦૦૦૦

સંથારા પર પ્રતિબંધ

તાજેતરમાં રાજસ્થાનની કોર્ટે જૈનો તપશ્ચર્યાના ભાગરૂપે સંથારો (દેહત્યાગ) કરે છે તેને ગુનો ગણવાનો હુકમ આપ્યો હતો. આ હુકમ સામે જૈન સમુદાયમાં રોષ વ્યાપી ગયો છે. સંથારો અને બાળદીક્ષા જેવી મહત્વની ધાર્મિક બાબતો અંગે સરકારનું ધ્યાન દોરવાની ખરેખર જરૂર છે. પરંતુ સંથારો એ આત્મહત્યા નહિં પણ તે ધાર્મિક વિચારસરણી છે અને તેના પર પ્રતિબંધ મૂકાવાથી ધાર્મિક સ્વતંત્રતા જોખમાય છે. બાળ દીક્ષા પણ આવી જ ધાર્મિક પદ્ધતિ છે.

તાજેતરમાં આરએસએસના સરસંઘચાલકે સુરતમાં આ મુદ્દો ઉઠાવીને સરકારને દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી.

- રાજેન્દ્ર શેઠ, વેમ્બલી.

૦૦૦૦૦૦

બેંગકોકમાં બ્રહ્મા મંદિરને નિશાન બનાવાયું

એક સમય હતો કે જ્યુઇશ લોકોને નિશાન બનાવાતા હતા અને તેમની હત્યાઅો કરી નિકંદન કાઢી નાંખવા હિટલરે કમર કસી હતી. આજે કાંઇક એવો જ ઘાટ હિન્દુઅો માટે રચાયો હોય તેમ લાગી રહ્યું છે. હમણાં બેંગકોકમાં બ્રહ્મા મંદિરને નિશાન બનાવાયું હતું અને પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં ૨૭ લોકોનાં મોત નિપજ્યા હતા અને ૮૦ કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. એરાવાન શ્રાઇન નામથી વિખ્યાત આ મંદિર હિન્દુઓ અને બૌદ્ધોની ધાર્મિક આસ્થાનું પ્રતિક છે. આ મંદિરની અજુબાજુ ઘણા શોપિંગ મોલ અને હોટેલો આવેલી છે. બ્રહ્મા મંદિર ખરાબ આત્માઓને ભગાવતું હોવાની માન્યતા છે. આ મંદિરમાં ભગવાન બ્રહ્માની ચતુર્મુખી પ્રતિમા આવેલી છે. બ્રહ્માજીનું બીજુ વિખ્યાત મંદિર પુષ્કરમાં પણ આવેલું છે. આ સિવાય બ્રહ્માજીના મંદિર બીજે કોઇ સ્થળે હોવાનું જાણમાં નથી.

આ મંદિરની પ્રતિમાની ૨૦૦૬માં પણ તોડફોડ કરવામાં આવી હતી અને બે મહિના પછી અહીં ફાઇન આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી પ્રતિમા મૂકાઇ હતી.

થાઇલેન્ડ પર હિુન્દુ અને બૌધ્ધ ધર્મના લોકોની ખાસી એવી અસર છે અને આવા આતંકવાદી કૃત્યો દ્વારા દેશની શાંતિને હણી ટુરીઝમને નુકશાન પહોંચાડવાની ખેવના આતંકવાદીઅો ધરાવે છે.

રમીલાબેન પટેલ, સ્ટ્રેધામ

અનામત અને પાટીદારો

અનામત મુદ્દે પાટીદારોનું રાજ્યભરમાં આક્રમક વલણ, આવું પગલું અને વર્તન પટેલ કોમ માટે શરમજનક છે. જે દેશના આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ જેઅો 'આયર્ન મેન ઓફ ઈન્ડિયા' અને મહાન નેતા થયા અને આજે આનંદીબહેન પટેલ ગુજરાતના ચીફ મિનિસ્ટર છે તેજ કોમની (પટેલ) પ્રજા કેવી રીતે પછાત કહેવાય? શરમની વાત છે. અનામતનો સાચો અર્થ પ્રજા સમજી જ નથી. હવે સમય આવી ગયો છે અને અનામત પ્રથાને બંધ કરવી જ જોઇએ.

આજે દેશ બહારના આતંકવાદની સામે ઝઝુમી રહ્યો છે ત્યારે આવા ભવાડા કઇ રીતે પોસાય? આજે દેશને ઘરે ઘરે સિપાઇની જરૂર છે - દેશ બચાવવાનો છે. દુશ્મનોને પડકાર કરવાનો છે, નહીં કે દુશ્મનોના હાથ મજબૂત કરવાનો. આંદોલનના સુત્રધારો બોલે છેકે અમે ગાંધી-સરદારના માર્ગે છીએ અને જરૂર પડ્યે ભગતસિંહ બનીશું. આ માણસોને ગાંધીજી અને સરદાર પટેલના જીવનનું કોઈ જ્ઞાન છે? તે કોઈ ભીખારી નહોતા. અનામત તો પછાત વર્ગને આગળ લાવવાનો સુંદર વિચાર છે, પણ ખોટા માણસો ભીખનું પાત્ર લઈ નીકળી પડ્યા છે.

- મંદાબહેન આર. પટેલ હેરોગેટ.

000000

અનામતનો દુરૂપયોગ

ગરીબ પછાત અને આદિવાસીઓના હિતને લક્ષમાં રાખીને ભલે અનામતને અમલી બનાવાઇ હોય, પરંતુ હવે મહદઅંશે અનામતનો દુરૂપયોગ થઈ રહ્યો છે. અમુક લોકો એનો ગેરલાભ ઊઠાવે છે. અનામતના કારણે જેઅો આર્થિક અને શૈક્ષણિક રીતે સધ્ધર છે એવા આદિવાસી અને પછાત પરિવારના સંતાનોના પણ ઓછા માર્કસથી પાસ થયા હોવા છતા પ્રવેશમાં પ્રાથમિકતા મળે છે. જ્યારે આર્થિક રીતે ગરીબ હોવા છતાં વધુ માર્કસથી પાસ થનારા ઉચ્ચ કોમના સંતાનને નિરાશ થવું પડે.

ખરૂ જોતા હવે તો વિદ્યાર્થીઅોને તેમની કાબેલિયત, અક્કલ, હોંશિયારી અને આવડત મુજબ પ્રાથમિકતા મળવી આવશક્ય લેખાય. હવે અનામતનો ગેરલાભ ઊઠાવવા અનેક કોમો અવારનવાર અનામતની માંગ કરવા લાગી છે. દરેક કોમ પોતાના સ્વહિતને લક્ષમાં રાખીને આંદોલન કરવા લાગ્યા. એમાં દેશનું કે જનતાનું હિત તો જળવાતું જ નથી. અનામત વર્ગીકૃત જાતિઓ વચ્ચે ખાઈ ઊંડી થતી જાય છે. ગરીબ પછાત લોકોને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. પરંતુ જે આશયથી અનામતનો કાયદો બનાવ્યો હતો તેનો દુરૂપયોગ અંગત સ્વાર્થ માટે થઈ રહ્યો હોય એમ લાગે છે.

દેશ માટે પ્રાણ પાથરનાર દેશભક્તોએ જ્યારે દેશને ખાતર જીવન સમર્પિત કર્યું હશે ત્યારે તેમણે આવા અનિચ્છનિય આંદોલનોની ખેવના તો નહીં જ રાખી હોય. અત્યારે તો ખુદ રાજકારણીઓ પૈકી અમુક તો દેશનું નહીં પોતાનું હીત હૈયે રાખી ખુરશીને જ કમાણીનું સાધન સમજી કાગારોળ મચાવી આંદોલન કરી રહ્યા છે અને દેશની ઉન્નતિમાં અવરોધરૂપ બની રહ્યા છે.

- વલ્લભભાઈ એચ. પટેલ, વેમ્બલી.

00000

વડિલોનું સન્માન

'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ' અને જૈન સમાજ માંચેસ્ટર તરફથી તા. ૧૮ જુલાઈના રોજ ૮૦ વર્ષથી ઉપરના વડીલો માટે રાખેલ સન્માન સમારોહ સર્વે વડીલો માટે એક સોનેરી અને યાદગાર પ્રસંગ હતો. આપ સૌએ અમારું સર્વે વડિલોનું ખૂબ જ માનપૂર્વક સન્માન કર્યું. જ્યારે અમારી સૌની આરતી ઉતારી ત્યારે અમારી આંખોમાં હર્ષના આંસુઓ વહેતા હતા અને અમે ગદગદ થઈ ગયા હતા. ભાઈ સી.બી. તમે તો વડીલોની પાસે જઇને જે રીતે સન્માન કરતા હતા તે જોતા તમે એક બાળકજેટલા ઉત્સાહી લાગતા હતા. મેં ત્યાં થોડાંક વડીલો સાથે વાતચીત કરી હતી અને તે બધાએ આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા કે પરમકૃપાળુ પરમાત્મા આપને સૌને ખૂબ જ શક્તિ આપે.

જૈન સમાજની વ્યવસ્થા અને જમવાનું પણ ખૂબ જ સરસ હતું. તેમના વોલન્ટીયર ભાઈ-બહેનોએ ખૂબ જ પ્રેમપૂર્વક બધાને જમાડ્યાં હતાં. મારે તે દિવસે સવારે ૧૧ વાગ્યે મારા ગ્રાન્ડ સનના લગ્ન રજિસ્ટ્રેશનમાં જવાનું હતું, પણ ત્યાંથી અમે સીધા જૈન સેન્ટર પર આવ્યા. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.

- વિષ્ણુભાઈ મોહનદાસ, આસ્ટર અંડરલાઈન

000000

પાર્લામેન્ટની ભૂંડી દશા

'ગુજરાત સમાચાર તથા એશિયન વોઈસ' મળ્યું. વાંચીને ઘણા વિચાર આવ્યા અને દુઃખ પણ થયું. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડો. અબ્દુલ કલામ દેવલોક પામ્યા, તે દેશને અને પ્રજાને માટે ઘણા દુઃખનું કારણ છે અને તેમની ખોટ કોઈ રીતે પૂરાય તેમ નથી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. ડો. કલામના વિચારો ઘણા ઉત્તમ હતા અને તે સાચા દેશભક્ત થઈ ગયા.

છેલ્લા કેટલાક દિવસથી ભારતની પાર્લામેન્ટ ચાલતી નથી અને ફક્ત લલિત મોદીને પત્ર આપવાના મુદ્દે ભારત સરકાર અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ભેરવવા ઉધામા કર્યા. હવે સુષ્માજી આ વાતો તદ્દન નકારે છે અને તેમણે લેખીત પુરાવા પણ બતાવ્યા. છતાં વિરોધ પક્ષ સાંભળવા તૈયાર નથી. ફીશ માર્કેટ કરતાં પણ ભૂંડી દશા પાર્લામેન્ટની છે. મોદી સરકારે જેટલા ઉત્તમ કામ કરેલાં કે તે કરવામાં છેલ્લા ૬૦ વર્ષ શાસન કરનાર કોંગ્રેસ સરકાર નિષ્ફળ રહી હતી. પાર્લામેન્ટ ન ચાલવાથી સોમવાર સુધીમાં દેશને ૧ કરોડ ૪૮ લાખનું નુકસાન તો થઈ ગયું છે.

મોદી સરકારે બાંગ્લાદેશ સાથે ભૂમી સરહદ સમજૂતી, યોગા ડેની ઉજવણી, નાગાલેન્ડના બળવાખોરો સાથેના શાંતિ કરાર જેવા મહત્વના કાર્યો ટૂંક સમયમાં કર્યા છે અને હજુ પ્રગતિ ચાલું છે. આ સફળતા વિરોધ પક્ષથી પચતી નથી અને ખોટાં બહાનાં કાઢી દેશને નુકસાન કરી રહ્યા છે. જે ઘણા દુઃખની વાત છે.

- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

00000000૦૦૦૦૦૦

ટપાલમાંથી તારવેલું

* હેરોથી રમેશભાઇ પટેલ જણાવે છે કે નરેન્દ્રભાઇ મોદીએ પૂર્વોત્તર ભારતના નાગાલેન્ડના અલગાવવાદીઅો સાથે શાંતિ કરાર કર્યા. નરેન્દ્રભાઇ મોદી એક પછી એક ચૂપચાપ 'ભારત માટે સારા દિવસો આવે તે માટે કાર્ય કરી રહ્યા છે.

* કિંગ્સબરીથી વિરેશભાઇ શાહ જણાવે છે કે 'જીપીની એપોઇન્ટમેન્ટ મળતી નથી તેવા સમાચાર વાંચીને દુ:ખ થયું. સરકાર આ માટે વેરા લે છે તો તેની જવાબદારી છે કે નવા વધુ જીપીની ભરતી કરે. ઘણી વખત જીપી તેમની પાસે બેસાડીને આપણી સાથે વગર કામની વાતો કરે છે તેને કામચોરી ન કહેવી તો શું કહેવું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter