બુંદ સે ગઇ, વો હોજ સે નહિં આતી
'ગુજરાત સમાચાર'નો દીવાળી અંક અમને શુક્રવારે પોસ્ટમાં મળ્યો. અમારા એક મિત્ર તો દુકાનમાંથી મંગળવારે ધનતેરસના દિવસે જ આપણો દીવાળી અંક લઇ આવ્યા હતા. દીવાળી વિશેષાંકમાં છપાયેલ વાર્તાઅો અને લેખો વાંચવાની ખૂબજ મઝા આવી.
લંડનથી બહાર પડતા બીજા છાપાનો દીવાળી અંક હજુ મંગળવારે તા. ૨૮ના રોજ સુધી દુકાનોમાં વેચાવા આવ્યો નથી. હવે આ અંક પોસ્ટમાં ક્યારે મળશે એ તો રામ જાણે?
આવું કેમ થયું હશે? દીવાળીનો અંક દીવાળીમાં ન મળે તે કેવું? કદાચ દીવાળી નહિં પણ આ અંક હોળીમાં મળશે? સમજી શકાય કે તેમના માટે દીવાળી એટલે કમાવાનો તહેવાર. કદાચ એવું બને કે તેમને છેક સુધી દીવાળી અંક માટે જાહેરાતો નહિં મળી હોય એટલે તેઅો છેલ્લા દિવસ સુધી જાહેરાતો ઉઘરાવતા હશે અને 'ભીક્ષાન દેહી' કરતા હશે. એટલે દીવાળી અંક છાપવામાં કદાચ મોડું થયું હશે?
મેં તેમના કાર્યાલયે પણ ફોન કર્યો હતો પરંતુ મને બરોબર જવાબ મળ્યો નહતો. હવે તમે જ કહો બે ત્રણ અઠવાડીયા સુધી સામાન્ય અંકો ન મળે અને દીવાળી અંક દીવાળીમાં ન મળે તો શું કરવું?
આ તો દીવાળીમાં હોળી થઇ ગઇ એવું કહેવાય. સાચુ કહું તો આપણું 'ગુજરાત સમાચાર' આજે પણ ખમતીધર છે. તમે વર્ષોથી સપરમા દા'ડે દીવાળી અંક આપી દો છો જેથી દીવાળીની રજાઅોમાં મઠીયા-સુંવાળી ખાતા વાંચવાની ખૂબજ મઝા આવે છે.
- રશ્મિકાંત મહેતા, ક્રોયડન
નોંધ: વાચક મિત્રો, અમે આપની પાસેથી 'ગુજરાત સમાચાર'નું લવાજમ લઇએ છીએ તેથી અમારી ફરજ બની રહે છે કે આપને સમયસર સાપ્તાહિકો અને દીવાળી અંક મોકલવા. અમે કદી ફરજ બજાવવામાંથી ચૂકતા નથી. વાચક મિત્રોએ જ નક્કી કરવું રહ્યું કે તેમને જો સમયસર અખબાર ન મળે તો તેમણે શું કરવું? - કમલ રાવ
માના માતૃત્વને કલંક
'મા' જે સ્નેહ, મમતા, સદ્ભાવનાની મંગલમૂર્તિ અને પ્રેમનો મહાસાગર છે તે 'મા' અતી નીચ કામ કરી શકે? 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'માં જ્યારે વાંચ્યું કે એક માએ પોતાના ૩ વર્ષના કૂમળા બાળકને ઢોર માર મારીને મારી નાંખ્યો અને તે મૃત બાળકને બેગમાં મૂકીને દૂર જંગલમાં ફેંકી આવી અને ઢોંગ કર્યો કે મારું બાળક ગુમ થયું છે.
પોલીસોએ ચારેકોર બાળકને શોધવા અથાક પ્રયત્નો કર્યા અને છેલ્લે તે નિર્દય માએ કહ્યું કે તેણે તો તેના બાળકને મારી નાંખીને છૂપાવ્યું છે. છી આવી નીચ હરકત! કળિયુગમાં ઈન્સાન કરતા પશુ બહેતર છે. ધિક્કાર છે કે આવી કેટલી 'મા'એ આ દેશની ધરતી 'મા'ના મમતાના ગળા ઘૂંટ્યા છે અને આવી કલંકીની 'મા'એ માતૃત્વનું ખૂન કરીને 'મા'ની મમતાને લજવી છે.
- સુધા રસીક ભટ્ટ, બેન્સન
મારૂ અનેરૂ 'ગુજરાત સમાચાર'
આપના તરફથી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દર શુક્રવારે સમયસર મળી જાય છે. દરેક સમાચાર વિગતવાર વાંચીને ખૂબ જ સંતોષ થાય છે. 'ગુજરાત સમાચાર'ના ગ્રાહકો અને વડીલો સમાચારો વાંચીને ખૂબ જ આનંદ સાથે સંતોષ અનુભવે છે.
દરેક ધાર્મિક પ્રોગ્રામ અને નવરાત્રિના ગરબા રાસ અને સ્થળો, ફોટાઓ સાથે ગરબાના ગીત-ભજનોનો સમાવેશ કરીને જણાવો છો તેથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે. આપણા સર્વેના લાડીલા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા. આપણા સેવાભાવી શ્રી સી.બી.એ પણ ત્યાં જઇ તન-મનની લાગણી બતાવી. નરેન્દ્ર મોદીએ ભારત પ્રત્યેની લાગણી બતાવી અને આપણા ગુજરાતી, ઈન્ડિયાની કોમ્યુનિટીની યાદ કરીને તન-મન-ધનથી લાગણી બતાવીને પોતાના અમૂલ્ય સમયનો ભોગ અને સદુપયોગ કર્યો છે.
આપણા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના વિસ્તારપૂર્વક સમાચાર ફક્ત 'ગુજરાત સમાચાર'માં ફોટા સાથે દરેક વાંચ્યા જ હશે.
- પ્રભુદાસ જે. પોપટ, હંસલો
ન.મો.ની અમેરિકાની મુલાકાત
ન.મો.એ અમેરિકાની રાજદ્વારી મુલાકાત બીજા નેતાઅોની સરખામણીએ જરા હટકે હતી તેમ કહું તો અતિશયોક્તિ નહીં લાગે. અમેરિકાની ધરતી પર ન.મો. નામના ગુજરાતી સિંહની એક ઝલક પામવા માટે અને લોકપ્રિય ભારતીય રાજનેતા સાથે હસ્તધૂનન કરવા માટે કલાકો સુધી કાગડોળે ભારતીય અમેરિકનો રાહ જોઈ રહે તે એક ઐતિહાસિક ઘટના છે. અને દરેક ભારતીયો માટે ગૌરવની વાત છે.
ન.મો.એ હોટેલની બહાર આવીને જોયું તો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. કોઈ શંખનાદ કરી રહ્યું હતું તો કોઈ 'હર હર મોદી' તો કોઈ 'મોદી... મોદી..'ના નારા ગૂંજવી રહ્યા હતા. જાણે કે અમેરિકા મોદીમય બની ગયું હતું.
અમેરિકામાં મોદી છવાઈ ગયા હતા. ન.મો. તરફી આવા લાગણીસભર દ્રશ્યો ટી.વી. ઉપર નિહાળ્યા પછી મારો અંતરાત્મા બોલી ઊઠે છે કે લોકપ્રિયતા કે પ્રતિષ્ઠા ક્યાંય કોઈ દુકાનમાં વેચાતી નથી મળતી કે કોઈની આપી અપાતી નથી. એ તો કર્તવ્યપાલનમાંથી સ્વાભાવિક રીતે નિપજનારું તત્વ છે અને એ જ સાચી પ્રતિષ્ઠા છે.
- નવનીત ફટાણિયા, હેનવેલ
ચાતક નજરે રાહ
'ગુજરાત સમાચાર' દિનપ્રતિદિન વધારે ને વધારે રસપ્રદ બનતું જાય છે. તેને માટે શ્રીમાન સી.બી. પટેલ, કમલ રાવ તથા તમારી પૂરી ટીમને ધન્યવાદ આપું છું. દર અઠવાડિયે ચાતક નજરે 'ગુજરાત સમાચાર'ની રાહ જોઈએ છીએ. અમને બન્ને પેપર હંમેશા સમયસર મળી રહે છે. સી.બી. પટેલના 'જીવંત પંથ' લેખ ઘણા રસપ્રદ હોય છે. સૌને અભિનંદન.
- સૂર્યકલા શાહ, ન્યુ બાર્નેટ
ટપાલમાંથી તારવેલું
• સાઉથ ફિલ્ડઝથી દિનેશ માણેક જણાવે છે કે 'ગુજરાત સમાચાર' નિયમિત મળી જાય છે અને વાંચનામૃત જરૂર સંતુષ્ટી સાથે આનંદ આપે છે. નિયમિત સાપ્તાહિક વાંચું છું અને બસ આનંદ ઉર સમાવું છું. આપ સર્વેની અથાક મહેનત અને કામની ધગશ ખરેખર દાદ માગી લે છે. અભિનંદન.