ડાયરેક્ટ ફ્લાઇટ અને જુઠ્ઠાણું
ડાયરેક્ટ ફ્લાઇટ માટે બે સપ્તાહ પૂર્વે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં મેં વિસ્તૃત સમાચાર વાંચ્યા હતા. પણ આજકાલ એક ગુજરાતી સંસ્થા NCGO ??? દાવો કરે છે કે તેના અગ્રણીઅોએ અભ્યાસપૂર્ણ નિવેદન આપ્યું છે અને અમદાવાદ – લંડન વચ્ચે ડાયરેક્ટ ફલ્ાઇટ કરવા માટે ખૂબજ પ્રયત્નો કર્યા છે. અમારી જ્ઞાતિની સંસ્થા પણ NCGO સાથે સંકળાયેલી છે પરંતુ તે લોકો જણાવે છે તેવું નિવેદન વિષે તો અમારી સંસ્થાને જરા જેટલીપણ ખબર નથી કે અમને તેની કોઇ જ માહિતી પણ અપાઇ નથી. આ વિદ્વતાપૂર્ણ નિવેદનના કેવા પ્રત્યાઘાત પડ્યા તેની પણ અમને તો જાણ નથી.
- અશ્વીન શાહ, વેમ્બલી
શાંતિ-અશાંતિનો સરવાળો
અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ એટલે દિવાળી. આ દિવસે આપણે દીવડા પ્રગટાવીને થોડાક દિવસો માટે આસપાસનો અંધકાર દુર કરી દેવો અને ઘરને સુશોભિત બનાવી દેવું ત્યાં સુધી આ દિવાળીનો પર્વ સીમિત ન હોવો જોઈએ. પરંતુ આપણાં અંતરાત્મામાં જ્ઞાનરૂપી દીવડો પ્રગટે અને આપણી જાતમાં કંઈક બદલાવ આવે તેવી સદ્ભાવનાથી આ દિવાળીના પર્વની પણ મનથી વ્યક્ત કરવી જોઈએ.
આ દિવસોમાં વેપારીઓ વર્ષનાં અંતે વીતેલાં વર્ષનું સરવૈયું કાઢીને તેણે ધંધામાં નફો કે ખોટ ખાધી છે કે કેમ? તેની તપાસ કરે છે એવી જ રીતે માણસે પણ તેના વીતેલા વર્ષની ઉલટ તપાસ કરીને જાણી લેવું જોઈએ કે વીતેલાં વર્ષમાં આપણાં મનમાં કેટલી શાંતિ-અશાંતિ રહી છે? ક્યાં ખોટું થયું છે? કોને દુભાવ્યા છે? કામ, ક્રોધ, લોભ, મોહથી આપણાં મનને કેટલી માઠી અસર થઈ છે? વગેરે... આમ જુઓ તો દિવાળી અને નવું વર્ષ 'આઇ એમ સોરી' કહીને ભૂલચૂકને સરભર કરીને સંબંધોને મીઠા બનાવી લેવાનો દિવસ છે. સંબંધો રીન્યુ કરવાનો દિવસ એટલે દિવાળી અને નવું વર્ષ જે વ્યક્તિ હું પણાની (અહમની) આડશ લઈને અક્કડ થઈને ફરે છે, દુશ્મનાવટ અને વેરઝેર રાખે છે તેમણે નૂતન વર્ષના દિવસે 'આઇ એમ સોરી' કહીને પોતાના જીવતરને ખુશાલીથી ભરી લેવું જોઈએ. એક વખત કહી તો જુઅો કે 'આઈ એમ સોરી' અને જુઅો કે તમારું આવતું વર્ષ 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવનાથી ઝળહળી ઉઠશે અને પરસ્પર આંખમાં પણ ખુશાલીના માર્યા ઝળઝળિયા આવી જશે તેની કિંમત તમારાં જીવનમાં ઘણી મોટી હશે જ.
- નવનીત ફટાણીયા, કેનવેલ
નમોની દરિયાદીલી
આ પત્ર સાથે બે વર્ષનું લવાજમ મોકલાવી રહી છું. ૧૦૦ દિવસમાં મોદીજી પાસે ઉપલબ્ધી માગવી યોગ્ય નથી. નરેન્દ્રભાઈ આવ્યા પછી દેશમાં જાગૃતિનો પ્રારંભ થયો છે. પાંચ વર્ષ પછીનું ભારત સાવ અલગ જ હશે. નવરાત્રી માતાની ભક્તિનો ઉત્સવ. પહેલા ભક્તિભાવ હતો તે અત્યારે નથી. અત્યારે ફેશન શોમાં ફક્ત કપડાં પોતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરવા જતા હોય એવું લાગે છે. ગામડામાં માતાજીના ગરબા ગવાય છે, જ્યારે શહેરમાં ડિસ્કો ડાંડિયામાં ફિલ્મી ગીતો વગેરે ઉપર ગાવા અને ગવડાવવાની હોડ લાગી છે.
કાશ્મીરમાં ભયંકર આપત્તિ દરમિયાન ગુજરાતની અનેક સેવા સંસ્થાઓ સહાય કરી. આપણા લોકોમાં શત્રુતાનો ભાવ નથી. નરેન્દ્રભાઈએ ૧,૦૦૦ કરોડની સહાય જાહેર કરી ત્યારે ઘણાએ ફેસબુક ઉપર ટીકા કરી હતી કે ‘ઘરના ઘંટી ચાટે, પડોશીને આટો’ મોદીજીએ સહાય આપી દેખાડી દીધું કે તે બધાને સમાન માને છે. તાજેતરમાં નરેન્દ્રભાઈએ અપીલ કરી કે 'સ્થાનીક કુંભારે બનાવેલા દીવડાનો ઉપયોગ કરો જેથી તે લોકોને રોજી રોટી મળે.' આ નિવેદન ઉપરથી ખબર પડે છે કે મોદીજી નાનામાં નાના લોકોનું ધ્યાન રાખે છે.
- નયના નકુમ, સાઉથહેરો
અમેરિકામાં મોદીજીનું ઉષ્માભર્યું સ્વાગત
આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદીજી અમેરિકા પહોચી ગયા છે. નવરાત્રીના નવ દિવસના નકોરડા ઉપવાસ સાથે ખૂબ જ વ્યસ્ત એવો પાંચ દિવસનો પ્રવાસ છે. ન્યુયોર્કના મેડિસન સ્ક્વેરમાં ૨૦,૦૦૦ લોકો તેમનું પ્રવચન સંભાળવા ઉમટી પડ્યા. તેમણે 'પર્સન અોફ ઇન્ડિયન અોરીજીન' લોકોને આજીવન વિઝા આપવાની અને અમેરિકન નાગરીકોને અોન એરાઇવલ વિઝા આપવાની જાહેરાતો કરી ખુશ કરી દીધા. સામે પક્ષે ભારતીયોએ પણ ઉત્સાહ - ઉમંગ સાથે ગગન ભેદી નારાઅો સાથે તેમનું જોરદાર સ્વાગત કર્યું. મોદીજીએ જન ભાગીદારી દ્વારા વિકાસનું સુત્ર આપ્યું.
મોદીજીએ યુએનની સામાન્ય સભામાં હિન્દીમાં સંબોધન કરી અનેક મહત્વના મુદ્દાને ઉજાગર કર્યા. આંતકવાદ સામે લડવા માટે વિશ્વના દેશો જી-એઇટ અને જી-ટ્વેન્ટી જેવા સંગઠનો બનાવ્યા છે તો શા માટે જી-ઓલ સંગઠન બનાવાતું નથી? તેવો વિચાર વહેતો કરી દુનિયાભરના નેતાઅોને વિચારતા કરી મૂક્યા. મોદીજીએ સાફ શબ્દોમાં કહ્યું કે ભારતના વડા પ્રધાન તરીકે 'મેં પ્રથમ દિવસે જ પાડોશી દેશો સાથે શાંતિ અને સદભાવના માટે મંત્રણા કરી છે, અમે પાકિસ્તાન સાથે દોસ્તી કરવા તૈયાર છીએ પરંતુ આંતકવાદના પડછાયા હેઠળ નહિ.'
- ભરત સચાણીયા, લંડન
ગુજરાત સમાચારને સંગ
આપણા કાર્યાલયમાં શ્રી સી.બી. પટેલ અને સર્વે સ્ટાફને નવરાત્રિ-દિવાળી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. 'ગુજરાત સમાચાર' વાંચવામાં ખૂબ જ મજા આવે છે. ખાસ કરીને કલમની ધારે (તંત્રીલેખ), જીવંત પંથ, વિષ્ણુભાઈ પંડ્યાના લેખોમાં ભારતના ઈતિહાસ - રાજકારણ વગેરે વાંચવામાં મજા આવે છે. ચા પીતા પીતા હસવાની મજા લેવી હોય તો લલિતભાઈ લાડનો લેખ વાંચતા સારું લાગે છે. ટૂંકમાં ખાસ તો 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અમારા પુત્ર માટે લઇએ છીએ અને તે બધા સારી રીતે વાંચે છે. અમે તો એક દિવસમાં જોઈ, વાંચીને તેમને આપીએ છીએ. ટૂંકમાં વધુ નહીં પણ થોડા જ શબ્દોમાં આભાર.
- ક્રિષ્ણા જી. ભટ્ટ, બાર્કીંગ સાઈડ