બ્રેક્ઝિટના પરિણામો

Tuesday 14th June 2016 13:47 EDT
 

બ્રેક્ઝિટના પરિણામો
‘એશિયન વોઈસ’એ ‘વોટ-રિમેન’ અને ‘વોટ-લીવ’ બન્ને કેમ્પેઈનના લાભ અને ગેરલાભનો તટસ્થ ચિતાર (૧૧ જૂન,પાન નં.૧૬) આપ્યો છે. યુકેની કુલ વસ્તીના ૮૫ ટકા લોકો અંગ્રેજ છે. તેમની પસંદગી જ રેફરન્ડમનું પરિણામ નક્કી કરશે.
બ્રેક્ઝિટનો વિજય થશે તો ઈયુના રાજકીય નેતાઓનું બ્રિટન પ્રત્યેનું વલણ સખત બનશે અને બન્ને પક્ષો વચ્ચે હિતોનો સંઘર્ષ શરૂ થશે. બ્રેક્ઝિટની તરફેણ કરનારા અંકુશ મેળવવાને બદલે હકીકતે તો અંકુશ ગુમાવશે, કારણકે ઈયુ વિશ્વનું સૌથી મોટું માર્કેટ હોવાથી વેપાર અંગેની વાટાઘાટોમાં બ્રિટનની બને તેટલી રાહતો પાછી ખેંચવા ઈયુના નેતાઓ શક્ય તમામ પ્રયાસ કરશે. તેના પરિણામે બ્રિટનમાં હાલ જે સાનુકુળ સંજોગો છે તેમાં ઘટાડો થશે.
એ વાત સ્પષ્ટ છે કે સ્કોટલેન્ડના મોટાભાગના લોકો ઈયુમાં રહેવાની તરફેણ કરશે. અંગ્રેજ લોકો બ્રેક્ઝિટની તરફેણ કરશે તો તેઓ એન્ટિ-સ્કોટિશ છે તેવો અર્થ થશે. તેનાથી યુકેના ભંગાણની શરૂઆત થશે.
બ્રિટનમાં ગેરકાયદેસર ઈમિગ્રેશન વધવાની શક્યતા છે, કારણ કે ઈયુ દેશો લોકોને યુકે તરફ જવા દેવાનું પસંદ કરીને પોતાની સમસ્યા હળવી કરશે.
NHSના માઈકલ ગોવની પોલિસી આ સેવાનું ખાનગીકરણ કરવાની છે. બોરિસ જહોન્સન ઈચ્છે છે કે લોકોએ ડોક્ટરની સેવા મેળવવા માટે નાણા ખર્ચવા જોઈએ. જો તેઓ સત્તા પર આવશે તો NHSની પરિસ્થિતિ કથળી જશે. સમગ્ર વિશ્વને સમજાયું છે કે સહકાર અને પરસ્પર આધારિત રહીને જ આગળ વધી શકાય. એશિયન દેશો એશિયામાં ફ્રી ટ્રેડ માટે કામ કરી રહ્યા છે. દક્ષિણ અમેરિકાના દેશો પણ તેને માટે પ્રયાસ કરી રહ્યા છે. જો અંગ્રેજો ઈયુમાં રહેવાનો ઈનકાર કશે તો તે એક અધોગામી પગલું ગણાશે. પછી તે ગ્રેટ બ્રિટન નહીં પણ લીટલ ઈંગ્લેન્ડ બની જશે.
- જતીન્દ્ર સહા, ઈમેલ દ્વારા

નિરાશ્રિતોઃ સહાનુભૂતિ અને વાસ્તવિકતા
તા. ૪-૬-૨૦૧૬ના અંકમાં ‘જીવંતપંથ’ કોલમમાં આપ જણાવો છો કે નિરાશ્રિતોને બ્રિટનમાં આવવા દેવા જોઈએ. આફ્રિકન દેશોમાંથી આવેલા એશિયનોને આશ્રય અપાયો હતો તેવી રીતે બીજા દેશોમાંથી આવતા નિરાશ્રિતોને પણ આશ્રય આપવો જોઈએ. હકીકતમાં તો આફ્રિકન દેશોમાંથી જે એશિયનો આવેલા તેમાંથી લગભગ બધા જ ‘બ્રિટિશ પ્રોટેક્ટેડ સિટિઝન’ હતા તેથી બ્રિટિશ સરકારે તેમને સ્વીકારવા પડે તેવી પરિસ્થિતિ હતી.
નિરાશ્રિતોને આવવા દેવા જોઈએ. તે એક આદર્શ છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ થાય તે સ્વાભાવિક છે. પરંતુ, હાલના સંજોગોમાં વાસ્તવિક્તા તદ્દન જુદી છે. આખું ગ્રેટ બ્રિટન, વિસ્તારમાં અને વસ્તીમાં લગભગ ગુજરાત રાજ્ય જેટલું જ છે. તેથી સવાલ એ થાય છે કે ઈંગ્લેન્ડ કેટલા લોકોને આશ્રય આપીને તેમની જવાબદારી ઊઠાવશે ? નિરાશ્રિતોનો ધસારો તો ચાલુ જ છે અને હજી પણ લાખો આવશે. બ્રિટનમાં આવેલા લાખો નિરાશ્રિતોમાં થોડા આતંકવાદીઓ પણ ભળી ન ગયા હોય તેની શી ખાતરી ?
દેશનાં જ લાખો યુવાનોને નોકરી-ધંધા મળતા નથી. દેશમાં કોઈ નવા ઉદ્યોગો કે બિઝનેસ વધતાં નથી. ઘણા બંધ થાય છે. ટેક્ષ વધતો જ જાય છે. નોકરીમાં છટણી પણ વધતી જાય છે તેથી કામદારો પણ બેકાર થાય છે. બેનિફિટ ઘટતા જાય છે. હોસ્પિટલોમાં એપોઈન્ટમેન્ટ પણ સમયસર મળતી નથી. આવી પરિસ્થિતિમાં સહકાર આપવા માટે કે ‘ગુડવીલ’ જાળવવા માટે વધારાની અમર્યાદ જવાબદારી ઊઠાવતાં પહેલાં સમગ્રપણે બધું જ વિચારવું પડે. ‘ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ એવું ન થાય તેની તકેદારી રાખવી પડે.
પ્રીતિ પટેલ, બોરિસ જ્હોન્સન અને ઈયાન સ્મિથનો એપ્રોચ ખુબ જ વાસ્તવિક છે. ફક્ત અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય પર આધાર રાખી શકાય નહીં. વર્તારા અને ઘણી આગાહી પણ ખોટી પડે છે. ‘ખ્વાબ મેં જુઠ ક્યા ઔર સચ ક્યા’ એ માત્ર ખ્વાબ પૂરતું જ સાચું છે, વાસ્તવિક જીવનમાં નહીં. કેમરનની હાલત કફોડી છે. ‘TO BE OR NOT TO BE’ જેવી છે.
સપ્લાય કરતાં ડિમાન્ડ ખૂબ વધી જાય અને વધતી જ રહે તેને કેવી રીતે પહોંચી વળશો? અર્થશાસ્ત્રીઓ કે મિનિસ્ટરો કોઈ નવા ઉદ્યોગ કે જોબ તો આપી શકવાના નથી? તેથી વાસ્તવિક્તા સમજીને ઈયુમાંથી બહાર નીકળી જવું સારું. આ એક તક છે. ‘A bad decision is better than no decision’. સદીઓથી બ્રિટન એકલું જ રહ્યું છે અને હજુ પણ રહેશે. So take a risk, come what may.
- બલ્લુભાઈ પટેલ, બ્રેડફર્ડ

‘સોનાની લગડી’ જેવો હેલ્થ વિશેષાંક
છેલ્લા અઠવાડિયાનું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. દરેકમાં નવા નવા મેગેઝીન મળે છે તે માટે ખૂબ ધન્યવાદ. આભાર અને છેલ્લા તા. ૪-૬નો અંક મળ્યો. તે જોઈને-વાંચીને ખૂબ ખૂબ આનંદ. સંતોષ થયો અને ઘણું જાણવાનું મળ્યું.
‘ચારુતર હેલ્થ ફાઉન્ડેશન’નો અંક વાંચ્યો તેમાં જાણવા મળ્યું કે ત્યાં કેટલી અમૂલ્ય સેવા મળે છે. મને લાગે છે કે આનાથી ઘણા લોકો અજાણ હશે. સૌથી પહેલાં તો ‘ગુજરાત સમાચાર’ અને પ્રકાશક-તંત્રી શ્રી સી. બી. પટેલને ધન્યવાદ કે આપે તન-મન-ધનથી સેવા કરીને દરેક ગ્રાહકોને આ અંક મોકલાવ્યો અને ખરેખર આ મેગેઝીન નથી પણ સોનાની લગડી જેવો એક અંક છે. સૌએ સાચવી રાખવા જેવો તો છે જ પણ વાંચવા, વિચારવા અને બીજાને સલાહ-સૂચન આપવા જેવો છે કે આ હોસ્પિટલમાં આપણા દાનવીરો, ડોક્ટરો અને તેના કાર્યકર્તાઓ કેટલી નિઃસ્વાર્થ, અમૂલ્ય અને તન-મન-ધનથી સેવા આપે છે અને ગરીબ- તવંગરનો કોઈ ભેદભાવ નથી. આપણા ‘ગુજરાત સમાચાર’ના તમામ ગ્રાહકોને આ અંક મળ્યો જ હશે. દરેક ભાઈઓ, બહેનો, વડીલો, વાંચે કે આ મેગેઝીનમાં જણાવ્યા મુજબ ત્યાં કેટલી અમૂલ્ય સેવા મળે છે. આજે નહીં તો કાલે પણ આની જરૂર કિંમત છે અને થશે. આપે ‘ગુજરાત સમાચાર’માં પણ ફોટા સાથે જણાવેલ છે કે ત્યાં કેટલા અને કેવા ડોક્ટરો સેવા આપે છે. ખરેખર ‘ગુજરાત સમાચાર’ અને સી. બી. પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે ‘ચારુતર હેલ્થ ફાઉન્ડેશન’ આપણા માટે ખરેખર ઉપયોગી છે. આવી ઉમદા ભાવનાથી, દિલથી, પ્રમાણિકતાથી અને લાગણીથી કોઈ સેવા ન આપી શકે.
 ‘ગુજરાત સમાચાર’ના તા. ૪-૬-૧૬ના અંકના પાન-૧૪ પર ‘જીવંત પંથ’ કોલમ વાંચી. એક વાર નહીં, બે વાર નહીં પણ ત્રણ વાર વાંચવી પડે તો જ ખ્યાલ આવે, સમજણ પડે કે દરેક પેરેગ્રાફમાં શું શું સમાયેલું છે? શું જાણવાનું છે? કેટલો કટાક્ષ છે, કેટલી મીઠાશ છે ? કેટલું સમજાવીને ટકોર છે ? ખરેખર શ્રી સી. બી. આપની આવડત, બુદ્ધિ, યાદશક્તિને ખૂબ ખૂબ ધન્યવાદ. જૂની જૂની કહેવતો જણાવીને, લખીને તમે અમને ઘણી રીતે સમજાવો છો. અગાઉના ‘જીવંતપંથ’માં પણ ઘણી વિગતો જણાવી હતી કે સમયને સાચવી લ્યો, પૈસાનો સદુપયોગ કરો, યોગ્ય જગ્યાએ દાન-પૂણ્ય કરો અને પૈસો પવિત્ર બનાવી લ્યો અને જીવન સુધારી લો.
‘ગુજરાત સમાચાર’ અને ’એશિયન વોઈસ’ના દરેક પાના વાંચવા જ જોઈએ. તેની જેટલી કદર કિંમત, પ્રશંસા કરીએ તે ઓછી જ પડશે.
- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

સન્માનની વાત આવકારદાયક
હું ‘ગુજરાત સમાચાર’ની ગ્રાહક છું. આપની કોલમ ‘જીવંત પંથ’ વાંચીને જાણ્યું કે આપ ‘સ્લમડોગ મિલ્યોનેર’ ફિલ્મના અભિનેતા દેવ પટેલ, ઉપેન પટેલ, બાલી બ્રહ્મભટ્ટ અને પૂર્વ આફ્રિકાના દારેસલામના કમલ બારોટનું સન્માન કરવા માંગો છો. તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. હું પણ દારેસલામની જ એક વ્યક્તિ છું. હું જ્યારે ત્યાં રહેતી હતી ત્યારે કમલ બારોટ, બાલા બારોટ અને એમના ભાઈ ચંદ્રા બારોટને ઓળખતી હતી. તેથી તેમનું સન્માન થાય તેનાથી મને આનંદ થાય તે સ્વાભાવિક છે. હું દર શુક્રવારે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની વાટ જોતી જ હોઉં છું. ‘ગુજરાત સમાચાર’માં ખાસ તો મને ‘જીવંત પંથ’ વાંચવાની બહુ મજા આવે છે. મને વાંચનનો ઘણો જ શોખ છે.
- ભાનુબહેન ડી. રાઠોડ, કોલીનડેલ, લંડન




to the free, weekly Gujarat Samachar email newsletter