અમદાવાદ લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપણે કેટલાય વર્ષથી ઝૂંબેશ ચલાવી રહ્યા છીએ પણ તાજેતરમાં ભારતના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન પ્રધાન રાજુએ અમદાવાદમાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં આખોય મુદ્દો હસવામાં કાઢી દીધો હતો. તેમણે સાફ સાફ જણાવી દીધું હતું કે 'મારે તો પ્લેન ચલાવવાનું નથી, એર ઇન્ડિયાએ આ બધું જોવાનું છે.' તો મારે એટલું જ કહેવાનું કે ભાઇ તો તમે મંત્રીપદ શું કામ સંભાળો છો. બધું સરકારી અધિકારીઅોને હવાલે જ કરી દો ને! લાલ લાઇટવાળી ગાડીઅોમાં સરકારી ખર્ચે ફરો છો. સમજુ માણસ હોય તો તમને સાંભળે અને દિલાસો આપે કે 'ભાઇ વિચારી જોઇશું.. વાત કરીશું' વગેરે વગેરે... કેન્દ્રિય મંત્રીના આવા જવાબથી મને જ નહિં પણ ઘણા બધાને ખૂબજ આઘાત લાગ્યો છે. તેમનો જવાબ જ બતાવે છે કે તેઅો ઘમંડમાં બોલી રહ્યા છે અને જવાબદારીથી મોઢુ ફેરવી રહ્યા છે. તેઅો માને છે કે તેમને સત્તા અને મંત્રીપદ મળી ગયું એટલે જગ જીતી ગયા છે.
અમદાવાદ સ્થિત વરિષ્ઠ પત્રકાર અને આપણી ડાયરેક્ટ ફ્લાઇટની લડાઇના કો-અોર્ડીનેટર ભુપતભાઇ પારેખ સમગ્ર લડતનું સુકાન સંભાળી રહ્યા છે. 'ગુજરાત સમાચાર'માં જણાવ્યું છે તેમ એર ઇન્ડિયા માત્ર સર્વે ખાતર સપ્તાહની ફક્ત એક ફ્લાઇટ શરૂ કરે તો પણ તેમને ખબર પડી જશે કે ડાયરેક્ટ ફ્લાઇટમાં કેટલા બધા પેસેન્જર આવે છે. પરંતુ કહેવાય છે ને કે સત્તા મળી જાય પછી રાજકારણીઅો સગાબાપને પણ પૂછતા નથી. બસ આવો જ ઘાટ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિદેશમાં ફરીને 'મેક ઇન ઇન્ડિયા' માટે ઝુંબેશ ચલાવીને વિદેશી રોકાણ માંગી રહ્યા છે. પણ ખરેખર જ્યાં લોકો રોકાણ કરવા માંગે છે, રોકાણ માટે ઉજળી તકો છે તે ગુજરાતની કોઇ જ ડાયરેક્ટ ફ્લાઇટ નથી. ભલા માણસ પંદર સોળ કલાકની ફ્લાઇટમાં રઝળીને કોણ રોકાણ કરવા જશે. મોદી સરકાર માટે બફાટ કરતા આવા મંત્રીઅો અને આવી જરૂરી બાબતે બતાવવામાં આવતી બેદરકારી ભરેલી ઢીલ શરમજનક છે.
સતીશ શાહ, હેરો.
0000
ડાયરેક્ટ ફ્લાઇટની માંગણી: હાંસી ઉડાવતા મંત્રી
અમદાવાદ – લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટની માંગણીને કેન્દ્રના નાગરીક ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુએ જે રીતે હસી કાઢી તેનાથી ખૂબ જ ગ્લાની અને દુ:ખ થયું ('ગુજરાત સમાચાર'માં તા. ૧૧-૪-૧૫). તેઅો વાસ્તવિકતાથી ખૂબ જ દુર અને તેમના વડા શ્રી નરેન્દ્રભાઇ મોદીના વલણ કરતા તદ્દન ભીન્ન લાગ્યા.
મને એ જુની વાત યાદ આવી ગઇ જેમાં સત્તાનશીન રાજાઅોને સાધારણ નાગરીકો સાથે કોઇ જ લેવાદેવા નહોતી. ફ્રેન્ચ રાણી મેરી એન્ટોઇનેટ્ટને જ્યારે તેમના મંત્રીએ જણાવ્યું હતું કે તેમના નાગરીકોને ખાવા માટે ઘઉ નથી ત્યારે મહારાણીએ તેના ઉકેલ તરીકે કહ્યું હતું કે 'તો પછી તેમને ખાવા માટે કેક આપો.'
મંત્રીશ્રી રાજુને તેમના વર્તન બદલ શરમ આવવી જોઇએ. તેમણે મોદી અને ખુદને અશોભનીય સ્થિતીમાં મૂક્યા છે અને તેમને જે હોદ્દો સોંપાયો છે તે માટે તેઅો અયોગ્ય છે. વડાપ્રધાન વિદેશમાં જઇને 'મેક ઇન ઇન્ડિયા'ના નગારા વગાડે છે અને અમારા દરવાજા વેપાર માટે ખુલ્લા છે એમ કહે છે ત્યારે આ મંત્રી કહે છે કે ગુજરાત પ્રવેશ હજુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઅો માટે અશક્ય છે. અમદાવાદ – લંડન વચ્ચેની સીધી ફ્લાઇટના અભાવે મુસાફરોને અને રજાઅો ગાળવા જતા લોકોને તો તકલીફ થાય જ છે સાથે વેપારીઅો, વેપાર તેમજ નિકાસને અસર પહોંચે છે, જેની વડાપ્રધાન શ્રી મોદીને જરૂર છે.
ભારત વિકાસ માટે ખૂબ જ કટિબધ્ધ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો વ્યાપ વધારવા પગરણ માંડી રહ્યું છે. આ તબક્કે લંડન અમદાવાદ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટના કારણે એરલાઇનને તો વેપારમાં મદદ થશે જ સાથે સાથે ગુજરાતને વિશ્વના અન્ય શહેરો સાથે જોડવાથી અર્થતંત્રને પણ ફાયદો થશે.
નવી દિલ્હીએ ગંભીરતાથી જોવું પડશે કે તેમની ટીમમાં યોગ્ય વ્યક્તિઅો સેવાઅો આપે છે.
શરદ પરીખ, પ્રમુખ, NCGO UK.
૦૦૦૦૦૦૦૦
માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવ:
'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' દ્વારા ૮૦ વર્ષની વય વટાવી ચૂકેલા વડિલોના સન્માન માટે અલગ અલગ શહેરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની પ્રસંશા કરવા માટે શબ્દો ખૂટી પડે તેમ છે. માતા-પિતા જ આપણું સર્વસ્વ છે અને તેઅો આપણને જે જીવન જીવી રહ્યા છીએ તે જીવવા માટે કાબેલ બનાવે છે. મને મળેલી અને અજાણ્યા કવિ દ્વારા રચાયેલી એક કવિતા રજૂ કરૂ છું આશા છે કે આપ સૌને તે પસંદ આવશે.
માતા-પિતાને ક્યારેક, કેમ છો પપ્પા કેમ છો મમ્મી પુછી તો જુઓ, જીવનના સૌથી મીઠા શબ્દ હશે, તેમનો હાથ પકડી લટાર મારી તો જુઓ, જીવનનો સૌથી સુંદર સફર હશે, માંદગીમાં તેમની સેવા કરી તો જુઓ, જીવનનું સૌથી મોટુ સમર્પણ હશે, પ્યારથી ક્યારેક ગળે મળી તો જુઓ, મનમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થશે, વિશ્વાસ નથી આવતો? તો ક્યારેક અનુભવ કરી તો જુઓ, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે તેવો આનંદ થશે.
- તેજસભાઇ કક્કડ, પોર્ટુગલ.
૦૦૦૦૦૦૦૦૦
વડીલોનું સન્માન કરવા પ્રેરણા મળી
'ગુજરાત સમાચાર' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહયોગથી ૮૦ વર્ષ ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું તેથી વડીલોને ખૂબ જ આનંદ થયો. સૌ પ્રથમ ૮૫ વર્ષના વડીલોનું સન્માન કરાયું ત્યારે હું વિચારતો હતો કે અમારો નંબર ક્યારે આવશે? પંરતુ, કનૈયાએ આપના વિચારો બદલ્યાને ૮૦થી વધુ વર્ષના વડીલોનું સન્માન કરવા પ્રેરણા કરી તેથી પ્રેસ્ટનના વડીલોને સન્માનીત કરવાની તક સાંપડી. તા. ૧૨ના કાર્યક્રમમાં ઘણા વડીલોને બહુ જ સમય પછી જોયા. તેમને કોઈ લઈને આવે ત્યારે જ તેઅો આવી શકે. અમુક લોકો લંચન કલબમાં આવતા. પણ આ કાર્યક્રમમાં તેઅો દિકરા દિકરીને લઈને આવ્યા તેને અનેરો આનંદ થયો.
હું સને ૧૯૭૫થી નિયમિત ‘ગુજરાત સમાચાર’ વાચું છું. આજ દિન સુધીમાં બન્ને છાપાઅોની ખૂબ જ પ્રગતિ થઈ છે.
આપે તાંત્રિકોની જાહેરાતો બંધ કરી તેથી આપને ઘણુ નુકશાન થયું હશે. પરંતુ વાંચકો ખાતર, તેમના પૈસા બચાવવા આપે ખોટ સહન કરી તે આવકાર્ય છે. પરંતુ કનૈયો તે ખોટની આંચ નહિ આવવા દે, તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. હું તમામ વાંચકોને બન્ને છાપાઓના ગ્રાહકો બનવા અપીલ કરું છું. અંતમાં, આપણું છાપું ખૂબ જ પ્રગતિ કરે તેવી કનૈયાને પ્રાર્થના.
- છોટાભાઈ લીંબાચિંયા, પ્રેસ્ટન.
૦૦૦૦૦૦૦૦
વડીલોમાં નવો જાન ફૂંકતો એવોર્ડ
'ગુજરાત સમાચાર'ની પ્રશંસા માટે શબ્દો નથી. આપ સૌ ઘણાં સામાજિક કાર્યો કરો છો. વડીલોનું સન્માન તેમાં શ્રેષ્ઠ છે. ૮૦ કે તેથી ઉપરના વડીલોને તેમની હાજરી કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ આ સન્માન કરાવે છે. તેમના જીવનમા અનેક મુશ્કેલીઓ પાર કરીને તેઓ ૮૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરે પહોંચ્યા છે તેમાંના અનેક લોકો હજી પ્રવૃત્તિમય જીવન જીવતા હશે. વડીલોમાં આ એવોર્ડ નવો જાન ફૂંકે છે. જીવવા માટે ઓક્સીજન પૂરે છે. યુવા પેઢીને પણ વડીલોનું મહત્ત્વ સમજાય છે. આ લોકોમાં ઘણા વડીલોની જીવનકથા રોચક-રસપ્રદ હશે. વડીલોને મારા પ્રણામ.
હરિભાઈ દેસાઈનું શું કરવું? તેની પાસે બીજો વિષય નથી. ફક્ત આરએસએસ અને હિન્દુ ધર્મ વિશે જ લખે છે. અત્યારે દુનિયા ૨૧મી સદીમાં પહોંચી ગઈ છે. યુવા પેઢી નવી નવી શોધો કરે છે, તેમના નિર્માણ વગેરેના સંઘર્ષની કથા રજૂ કરો. રાહુલ ગાંધી ક્યાં પલાયન થયા છે? કેજરીવાલ શું કરે છે? વગેરે અનેક વિષયો છે. અરે ભાઈ! વિષય બદલો.
હું માનું છું કે હિન્દુ ધર્મમાં અનેક સડા હતા. સતી પ્રથા, વિધવા પુનઃ વિવાહ, અંધશ્રદ્ધા, છૂતાછૂત, જ્ઞાતિ બહાર મૂકવાની પ્રથા, સવર્ણની બીજી જાતિ સાથેનો વ્યવહાર વગેરે. એક વાર ધર્મપરિવર્તન પછી પાછા હિન્દુ ધર્મમાં સ્વીકારવામાં નહોતા આવતા. એટલે તો માછલીનો ધંધો કરતા મહંમદ અલી જીણાના દાદા-દાદી ચુસ્ત 'હવેલી પંથી' હોવા છતાં તેમને માછલીનો ધંધો કરતા હોવાથી નાત બહાર મૂક્યા હતા. એકવાર મુસ્લિમ ધર્મ અપનાવ્યા બાદ તેમને ફરી હિન્દુ ધર્મ અપનાવવો હતો, પણ ધર્મના ઠેકેદારોએ તેમને તેના માટે બીજો જન્મ લેવો પડે એમ કહીને નકાર્યા હતા. (દિનકર જોશી લિખિત ‘પ્રતિનાયક’માંથી)
પણ એક સાચો હિન્દુ જ હિન્દુ ધર્મ વિશે જાણે છે એમ નથી. હિન્દુ ધર્મ ઘણો વિશાળ છે. તે કોઈને પૈસાથી કે દબાણથી ધર્મ પરિવર્તન નથી કરાવતો. તેથી જ તો 'ઇસ્કોન'માં અનેક જાતિના લોકો માને છે, કૃષ્ણને ભજે છે. ગીતાજીને મેનેજમેન્ટમાં અનેક જગ્યાએ ભણાવવામાં આવે છે. ધર્મ ગમે તે પાળો - માનવ ધર્મ શ્રેષ્ઠ છે. પશુ, પંખી, મનુષ્ય દરેકમાં દરેક જગ્યાએ ઈશ્વરને જુઓ અને ખોટું કામ ન કરો પ્રામાણિકતાથી જીવો એ જ મહાન ધર્મ છે.
- નયના નકુમ, સાઉથ હેરો.
૦૦૦૦૦૦
વડીલ સન્માનનું ઉમદા કામ ઉપાડી લો
'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દ્વારા તા. ૧૨મી એપ્રિલ ૨૦૧૫ના રવિવારે પ્રેસ્ટન સનાતન મંદિરમાં ૮૦ વર્ષના ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું. ૮૦ વર્ષના ઉપરના વડીલોને વધુ સ્ટેટ પેન્શન મળે અને પેન્શન ક્રેડીટ, બચત પેન્શન ક્રેડીટ અને બીજા બેનીફીટ્સ મળે તેને લગતી માહિતી આપવા નમ્ર વિનંતી છે.
આપ સૌએ લંડનમાં ત્રણ અને લેસ્ટરમાં વડિલ સન્માનનો એક કાર્યક્રમ મળી કુલ પાંચ કાર્યક્રમો કર્યા તે અભિનંદનને પાત્ર છે. આપ ખરેખર સમાજે કરવા જેવું ઉત્તમ સેવા કાર્ય કરો છો. મારી સૌ અગ્રણીઅોને નમ્ર વિનંતી કે આવા બહુમાન સમારંભ આપણા મંદિરો અને સમાજના સંગઠનો કે મંડળો દ્વારા કરવા જોઇએ. તેઅો સૌ આ ઉમદા કામ ઉપાડી લે તો કેવું સારું? જો આપણા સમાજ, મંદિરો કે એવી બીજી સંસ્થાઓ આવા સન્માનના કામ કરતા થાય તો નાના બાળકો, યુવાન-યુવતીઓને સારા સંસ્કાર મળશે અને તેમનું વર્તન સારૂ થશે અને વડીલો તરફનો પૂજ્ય ભાવ ઉભો થશે. જેમણે મા-બાપ નથી જોયાં તેઓને આ વડીલો પરત્વે જીવંત ભગવાનની સેવા, પૂજ્ય ભાવ અને સદકાર્યની પૂર્તિ કરવાની તક મળી રહેશે. નવી પેઢીને આ વારસો મળે ને બીજા સમાજો અન્ય જગતના સ્ત્રી-પુરૂષો એક બીજાને મળતા થશે તો સુંદર સમાજની રચના થશે અને એક કુટુંબની ખરા ધર્મની ભાવના વિક્સિત થશે.
વસુધૈવ કુટુંબકમ્
- છોટાલાલ પટેલ (CM), લેસ્ટર
0000000000