અત્યારે એક એવું વાતાવરણ ઉભું થયેલ છે કે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ક્ષેત્રમાં ભારે સફળતા મેળવીને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની કગાર ઉપર લાવવામાં સફળ થયેલ છે. ખાસ કરીને ભારતને આત્મનિર્ભર કરવામાં, આર્થિક સમૃદ્ધિના ક્ષેત્રમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કેટલાક અંશે સફળ થયેલ છે તેમાં બેમત નથી. પરંતુ જયારે વિદેશનીતિની વાત આવે ત્યારે આપણી સફળતા અંગે આત્મનિરીક્ષણ કરવું જરૂરી બની જાય છે. આજની તારીખમાં જો સાચા મિત્ર દેશો ગણવા જઈએ તો રશિયા અને ઈઝરાઈલને બાદ કરતાં આફતના સમયે આંખો મીંચીને મદદ કરે તેવો કોઈ જ દેશ નથી.
એક રીતે જોવા જઈએ તો એ એમની મજબૂરી પણ છે. બીજી રીતે જોઈએ તો એ કડવી વાસ્તવિકતા છે કે ચીન અને પાકિસ્તાન તો ભારતના ખુલ્લા દુશ્મનો છે જ તે ઉપરાંત મહાસત્તા અમેરિકા અને યુરોપના દેશો સાથે આપણા સબંધો જોઈએ તેવા સારા નથી. દુરથી ચાલુ કરીયે તો અમેરિકા, કેનેડા સહિત કેટલાક દેશો ખાલિસ્તાની આંદોલનને પ્રોત્સાહિત કરે છે અને કેનેડા તો એક રીતે જોઈએ તો વિનાકારણ દુશ્મન દેશ બની ગયો છે. બ્રિટન તેમની કોર્ટનાં આદેશ છતાં આપણા આર્થિક ગુનેગારોની સોંપણી કરતું નથી, આપણને સંરક્ષણ સાધનો પૂરા પાડવામાં યુરોપિય દેશો નખરા કરે છે, તુર્કી પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપે છે. યુએનમાં આપણને વિટો પાવર અંગે મીઠી વાતો કરનારા બધા ભારતને વિટો પાવર ન મળે તે માટે અંદરખાને એકમત છે. આ બધાને તો કદાચ પહોંચી વળાય, પરંતુ આપણા નિકટના પડોશી દેશો સાથેના આપણા સબંધો ખુબ જ ચિંતાજનક છે. તેને નજર અંદાજ કરીયે તો આપણી ઘણી જ મોટી ભુલ કહેવાશે.
એક પછી એક જોઈએ તો 1) પાકિસ્તાન આપણો આજન્મ દુશ્મન દેશ છે. 2) નેપાળ જે એક વખતનું હિંદુ રાષ્ટ્ર અને ભારતના સગા ભાઈ જેવું હતું ત્યાં ચીનપ્રેરિત વામપંથી સરકાર છે. 3) મ્યાંમારમાં ચીનના વર્ચસ્વવાળી લશ્કરી જુન્ટા સરકાર છે. 4) શ્રી લંકામાં આપણી મિત્ર સરકાર તો નથી જ, 5) માલદિવમાં ખુલ્લી ભારતવિરોધી સરકાર છે. 6) ભૂતાનનું વલણ પણ ડોકલામ અંગે પહેલાં જેવું પ્રોત્સાહક નથી. 7) આપણા કેટલાય નવલોહિયા સૈનિકોનું લોહી સિંચીને ઉભા કરેલા બાંગ્લા દેશમાં પણ તાજેતરમાં જ રાતોરાત બળવો થયો અને ભારતના હાડોહાડ વિરોધી મોહમ્મદ યુનુસની સરકાર રચાઇ ગઇ અને આપણને ખબર પણ ના પડી! બાંગ્લા દેશના મોહમ્મદ યુનુસ પણ ચીનના ખોળામાં જઈને બેઠા છે.
આ બધું જોતાં પ્રશ્ન એ થાય છે કે આપણી સરહદો સાથે જોડાયેલો એક પણ દેશ આપણો મિત્ર નહીં? એ રીતે જોવા જઈએ તો એક બાજુ ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતી એક માત્ર ‘ચિકન નેક’ની પાતળી પટ્ટી એકદમ જોખમમાં છે. બીજી બાજુ બાંગ્લા દેશ આપણી સાથે ન રહેતાં ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડતો દરિયાઈ માર્ગ પણ સંપૂર્ણપણે અવરોધાઈ ગયો છે. આમ પરિસ્થિતિ ખૂબ જ જોખમી બની ગઈ છે, જેને અવગણવાનું ભારત માટે અસંભવ છે. મીડિયામાં આવતા આપણા પ્રધાનમંત્રી મોદીજી અને વિદેશમંત્રી શિવશંકરજીના ભાષણો સાંભળીને આપણે ભલે તાળીઓ પાડતાં હોઈએ પણ એક રીતે જોવા જઈએ તો આપણી વિદેશનીતિની આ ઘોર નિષ્ફળતા ગણાય.
ચીન આપણને બધી જ બાજુથી ઘેરવામાં ખુબ જ સફળ થયું છે. તેના ઈરાદાઓ સ્પષ્ટ રીતે સારા તો નથી જ. સરહદ ઉપર ચીને હંગામી ધોરણે સૈનિકો પાછા ખેંચ્યા તેટલા માત્રથી ખુશ થવા જેવું નથી. ગમેત્યારે ગમે તે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ છે. માનો કે ના માનો વિદેશનીતિની નિષ્ફળતા અવગણી શકાય તેમ તો નથી જ. ક્યાંક ઊંઘતા ના ઝડપાઇયે!