મહાત્મા ગાંધી અમર રહે

Monday 16th March 2015 14:32 EDT
 

મહાત્મા ગાંધી અમર રહે

તા. ૧૪મી માર્ચના રોજ ખૂબ જ પ્રેરણાદાયક દિવસે બ્રિટનની પાર્લામેન્ટ સામે ચોગાનમાં વિશ્વ વિખ્યાત પૂજનીય મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનજીની ઉપસ્થિતીમાં ભારતના નાણા પ્રધાન શ્રી અરુણ જેટલીજીના હસ્તે અનાવરણ થયું. આ પ્રસંગે ગાંધીજીના પૌત્ર ગોપાલ ગાંધી સહીત પ્રતિમા માટે રચાયેલ ટ્રસ્ટના પ્રમુખ લોર્ડ મેઘનાથ દેસાઈ સહીત અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પૂજ્ય ગાંધીજીને પુષ્પાંજલિ અર્પિત કરી.

જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને બીજેપીની યુતિ સરકાર બની છે. કોઇ પક્ષને બહુમતી ન મળતા બે પક્ષોએ સાથે મળીને અનેક મુદ્દા પર વાતચીત કરી એક સામાન્ય મુદ્દાને આધાર બનાવી સરકાર રચી છે. પરંતુ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ તુરંત જ મુખ્ય મંત્રી મુફતીએ બકવાસ કર્યો કે જમ્મુ કાશ્મીરમાં શાંતિથી ચુંટણી થઇ તે માટે પાકિસ્તાન તેમજ અલગાવવાદીઅોનો આભારી છું. હકીકતે તો ભારતની સેના-પોલીસ અને પ્રજા તથા ચુંટણી અધિકારીઅોની વ્યુહ રચનાથી જ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત જ ભારે અને શાંતિમય રીતે મતદાન થયું. બીજું મુફતી સાહેબે અલગતાવાદી નેતા મુસરતને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. ભાજપના પ્રમુખ શ્રી અમિત શાહે પીડીપીને ચેતવણી આપી કે જો એક પણ પગલું સામાન્ય મુદ્દા રહિત હશે તો અમને મજબૂરીથી સરકારનો અંત લાવવો પડશે. હજુ આ સરકાર પા પા પગલી ભરે છે ત્યારે પાંચ વર્ષ કેવી રીતે જશે તે ચિંતા જગાવે છે. રામ બચાવે જમ્મુ કાશ્મીરની પ્રજાને.

- ભરત સચાણીયા, લંડન.

વસિયતનામું

મૃત્યુ અને ઉંમરને કશો સંબંધ નથી, કોણ ક્યારે આ દુનિયામાંથી ક્યારે વિદાય લેશે એ કોઈ જાણતું નથી. પરંતુ આપણે સહુ જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું વસિયતનામું ‘વીલ’ હોવું જોઈએ. છતાં પણ મોટાભાગની વ્યક્તિઓ આ બાબતને ગંભીરતાથી લીધા વીના અવગણે છે. ઉંમર ભલે ગમે તેટલી હોય પરંતુ દરેક પુખ્ત વયની વ્યક્તિએ વીલ બનાવવું આવશ્યક છે. તે માટે બુઢાપો આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.

બ્રિટનમાં સરેરાશ વ્યક્તિઓ ૭૨ વર્ષની વય સુધી વીલ બનાવવાનું ટાળે છે. પુખ્ત વયની વસ્તીમાંના ૬૬ ટકા અને ૬૫ વર્ષની ઉપરની ઉંમરની વસ્તીમાંથી ૩૩ ટકા લોકોએ વીલ બનાવ્યું નથી. ૨૦૧૦માં થયેલા સર્વેક્ષણ મુજબ જેટલા દેહાંત થયા હતા તેમાંની ૬૦ ટકા વ્યક્તિઓનું વસિયતનામું નહોતું.

‘નેશનલ કન્ઝ્યુમર કાઉન્સિલ’ એ ૨૫૦૦ માણસોની પૂછતાછ કરીને તારણ કાઢ્યું કે વીલ ન કરવાના કારણોમાં ૪૦ ટકા વ્યક્તિઓએ સમયના અભાવનું બહાનું કાઢ્યું, ૩૦ ટકા વ્યક્તિઓએ જણાવ્યું એ બારામાં વિચાર્યું જ નથી અને ૧૦ ટકા વ્યક્તિઓએ કહ્યું કે વીલ તો ઠીક પરંતુ મૃત્યુ વિશે પણ કદી વિચાર્યું નથી.

પરિણિત દંપતિના બાળકો સગીર વયના હોય, દંપતિની મિલ્કત ૨૫,૦૦૦ કરતાં વધારે હોય અને દંપતિમાંથી કોઈ એકનું મૃત્યુ થાય અને જો વીલ અસ્તિત્વમાં ન હોય તો એ સંપતિનો અડધો હિસ્સો સગીર બાળકોના ટ્રસ્ટ ફંડમાં રાખવામાં આવશે એ હકીકતથી મોટાભાગનો સમાજ અજાણ છે.

વીલ માત્ર મિલ્કત અને સંપત્તિની જ વ્યવસ્થા કરવા માટે જરૂરી નથી પરંતુ અન્ય બાબતો જેવી કે બાળકોની જવાબદારી કોને સોંપવી એ પણ વીલ દ્વારા દર્શાવી શકાય. ‘જર જમીન અને જોરુ, એ ત્રણ કજીયાના છોરુ’ની કહેવત જાણીતી છે. તો એ કજીયો ટાળવાની વ્યવસ્થા આપણે સૌએ કરવી જરૂરી છે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

મારું સાચુ મિત્ર!

મારુ સાચુ મિત્ર ‘ગુજરાત સમાચાર’ છે. કારણ કે મોટાભાગનો સમય વાંચવામાં જ પસાર થાય છે. આજકાલ જીવન શંકા-કુશંકા અને દ્વિધામાં પસાર થતું જોવામાં આવે છે. વૈજ્ઞાનિક શોધોએ આપણને સજ્જ ને સજાગ કર્યા છે. પણ ‘ગુજરાત સમાચાર’માં આવતી અવનવી વાતોથી આપણને જાગરૂકતા મળી છે. જેમ કે રસ્તે એકલા જતા હો તો ચોરોથી સાવધ રહેવું, મોડી રાત સુધી બહાર ફરતા વધારે પૈસા કે દાગીનાની સલામતી જાળવવી વિગેરે.

‘ગુજરાત સમાચારે’ આપણને અવારનવાર વિશિષ્ટ અંકોની ભેટ આપી છે. આવા સુઅંકો વાંચવાથી મન આનંદવિભોર થઈ જાય છે. આવા વિશિષ્ટ અંકો પ્રકાશિત કરી સમાજ સેવા કરી વાંચકોને પૂરતું વાંચન પૂરું પાડે છે તે બદલ આપ સૌ ધન્યવાદને પાત્ર છો. સમગ્ર ‘ગુજરાત સમાચાર’ના પરિવારને પ્રભુ શક્તિ આપે ઉમદા વિચારોનું પ્રગતિ થાય તેવું બળ આપે.

- ભારતી પટેલ, હેરો.

હોળીના અનેકવિધ રંગ

'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ના બધા કાર્યકર્તાઓ અને વાચકોને રંગોત્સવ-હોળીની શુભેચ્છા.

આ હોળી મહોત્સવ આપણને એક સુંદર બોધનું સૂચન કરે છે. હોળીના અનેકવિધ રંગોની ભેળવણીથી એક નવો જ રંગ આપણે મેળવી શકીએ છીએ, એ જ રીતે આપણે હળીમળીને એકબીજાને ભૂલો ભૂલી જઈએ તો આપણે જીવનમાં એક નવો જ આનંદ માણી શકીશું. આપણા સૌનું જીવન હોલી-રંગોત્સવના રંગોની જેમ ઉત્સાહ- આનંદથી ભરપૂર રહેશે. પરમકૃપાળુ પરમાત્માને આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે હોળીના રંગબેરંગી રંગોરૂપી ખુશીઓથી સર્વેના જીવન ભરી દો.

- ભાનુમતી એમ. પીપરીયા, ઈલફર્ડ

પુરુષાર્થ અને પ્રારબ્ધ

ઘણી વખત સખત પુરુષાર્થ કર્યા બાદ પણ ધાર્યા પરિણામ નથી આવતાં. પુરુષાર્થ અવળો પણ પડે અને સવળો પણ પડે. એક ઉંદરે એક કરંડિયામાંથી કંઈક ખાવાનું મળશે એવી આશાથી આખી રાત મહેનત કરીને કરંડિયામાં કાણું પાડ્યું. અંદર ગયો તો તેમાં સાપ હતો. એ ઉંદરને ખાઈ ગયો. વળી ઉંદરે કાણું પાડ્યું હતું એટલે સાપને બહાર જવાનો માર્ગ પણ મળી ગયો. આખી વાતનું તાત્પર્ય એ છે કે ન.મો. જેવા મોટા ગજાના વડા પ્રધાન સફળતા કે નિષ્ફળતાની પરવા કર્યા વગર સખત પરિશ્રમ અને પુરુષાર્થ કરી ભારત દેશને આગળ લઈ જવા માટે એક નહીં પણ અનેક નવાં માર્ગ બનાવશે તેમાં બેમત નથી.

- નવનીત ફટાણિયા, હેનવેલ

વડિલ સન્માન અને સેવા

આપ સૌ ૮૦ વર્ષના વડિલોનું સંમેલન ગોઠવી તેમનું બહુમાન કરો છો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ રીતે અનેકના આશીર્વાદ મેળવો છો. આપની ઉપર પરમાત્માની કૃપા છે. મારું નીચે મુજબનું સૂચન છે.

માણસ ગુજરી જાય પછી તેની અંતિમ વિધિ કરવા બ્રાહ્મણને બોલાવવામાં આવે છે તે સાચેજ આવશ્યક છે. પણ અમુક વખતે તો ખૂબ જ ખર્ચો આવતો હોય તો શું કરવું.

જ્યારે અમુક જ્ઞાતિમાં એવા માણસો પણ છે જેઅો એક વખત જાણ્યા બાદ જ્ઞાતિ - જાતીમાં પડ્યા વગર હાજર થઈ જાય છે અને એક પણ પૈસો લેતા નથી. આવા માણસોનું એક જુથ ઉભુ કરવું જોઇએ અને દરેક જ્ઞાતિએ સોનાનો ચાંદ આપી બહુમાન કરવું જોઈએ. પેપરમાં તેમના ફોટા છાપવા જોઈએ, જેથી બીજાને પણ આવા કાર્ય કરવાની હોંશ થાય.

લેસ્ટરમાં નારણદાસભાઈ આડતિયા, મગનભાઈ મશરૂ, રણછોડભાઈ ચુડાસમા તેમજ લંડનમાં હીરાલાલભાઈ પરમાર તેમજ બાબુભાઈ પરમાર વગેરે આવી સેવા આપે છે.

- ખીમજી વીરજીભાઇ પરમાર, લેસ્ટર.

તો ધર્માંતરનો પ્રશ્ન ઊકલી જશે

ધર્મ પરિવર્તન અંગેના ડો. નગીનભાઈના મંતવ્ય સાથે સહમત છું, પણ ઘરવાપસી પછીની આ પરિવારોને બૃહદ હિંદુ સમાજ કેવી વર્તણુક દાખવે છે એ અંગે વિચાર્યું હોય તો સારું. બાકી તો બિચારા ન ઘરના ન ઘાટનાં.

મંદિરો-આશ્રમો- મઠોમાં કેદ બેસુમાર સંપત્તિ આવા અને અન્ય દબાયેલ-કચડાયેલ પરિવારોને આરોગ્ય, ભણતર, રોટી માટે વપરાશે તો ધર્માંતરનો પ્રશ્ન આપોઆપ ઊકલી જશે. પણ કમનસીબે ભવિષ્યમાં દાનનો પ્રવાહ આવા પરિવારોના લાભાર્થે વપરાય તેવા દિવસોના એંધાણ મને નજરે આવતા નથી.

- ભીખુભાઈ, નોટિંગહામ

સીધી ફ્લાઈટ માટે રજૂઆત

અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઈટ માટે દરેક મંત્રીઅો ભરપૂર સારો સાથ આપીને પોતાની પૂરતી મહેનતથી કામ કરે છે. 'ગુજરાત સમાચાર' અને સી.બી.ને તે માટે આજે નહિં તો કાલે પણ જરૂર જશ મળશે. કારણ કે તેમણે કમર કસીને પ્રામાણિકતાથી આ માટે કામ કર્યું છે. જે કોઈ ગુજરાત સમાચાર વાંચે છે અને રોજબરોજની ગતીવિધીથી વાકેફ છે તેઅો કોઈ અજાણ નથી.

બાકી બીજા તો બે શબ્દો સારા લખે અને જાણે ગાડા નીચેના કુતરાની જેમ ભાર હું જ ઊપાડું છું તેમ માને, પણ સત્યમેવ જયતે. દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. બા-મામા આવ્યા, બા તો સૌને ઓળખે છે. બાકી તો આંગળીથી વેગળા તે વેગળા. કરેગા સો ભરેગા. ઈશ્વરની ગતિ ન્યારી છે. સમયવર્તે સાવધાન.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

વાંચકોના મંતવ્યો

લેખકો સાથે વાંચકોના મંતવ્યો અને અભિપ્રાયો વ્યક્ત કરી ખૂબ સંતોષ આપતું આપણું જગપ્રસિદ્ધ 'ગુજરાત સમાચાર' અચુક વખતસર મળી જતાં ઘણો આનંદ થાય છે.

તમારી અથાક મહેનત અને પરિશ્રમ દાદ માંગી લે છે. લેખ- સમાચારો - પત્રો ખરેખર ખૂબ જ ભાવસભર હોય છે તે માટે આપ સૌને ખાસ ખાસ અભિનંદન ઘટે છે.

- દિનેશ માણેક, સાઉથફિલ્ડ્ઝ.

0000000000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter