પૂ. ગાંધીજીની છેલ્લા દિવસ ઉંમર હતી ૭૮ વર્ષ, ૩ મહિના અને ૨૭ દિવસ. પૂનાથી નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકે એમ ત્રણે જણાએ ગાંધીજીને વિંધિ નાખવાના પ્લાન સાથે દિલ્હીમાં ધામા નાંખ્યા હતા.
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા અને પાકિસ્તાનને ભારતે તેના ભાગના આપવાના થતા ૫૦ કરોડ રૂપિયા સરદાર વલ્લભભાઈ પટેલે અટકાવ્યા હતા અને શરત મૂકી હતી કે પાકિસ્તાન આક્રમણ કરીને પચાવી પાડેલ કાશ્મીરની જગ્યા ખાલી કરે પછી જ તેના પૈસા છુટા થાય. ગાંધીજીને સરદારની વાત મંજૂર નહોતી અને સરદારે નમતું જોખવું પડ્યું હતું, આ પગલાથી હિન્દુ મહાસભાના ત્રણેય કાર્યકરો ક્રોધ ભરાયા હતા અને ગાંધીજીનું જીવન પૂરું કરી નાખવાના ઈરાદે દિલ્હીની વાટ પકડી હતી. દિલ્હીના બિરલા હાઉસમાં દરરોજ સાંજે ગાંધીજીની પ્રાર્થના સભા થતી હતી ત્યાં ઘોડાગાડી મારફત પહોંચ્યા અને ઉપસ્થિત માનવ મેદની વચ્ચે ગોઠવાઈ ગયા.
ગાંધીજી મંચ તરફ, મનુબહેન તથા આભાબહેનના ખભાનો ટેકો લઈને આસ્તે આસ્તે આગળ વધતા હતા તે દરમિયાન ગોડસેએ લાગ શોધીને ગાંધીજી સમક્ષ ઉભા થઈ ગયા અને ધક્કો મારી બંને બહેનોને પછાડી દીધા. પિસ્તોલમાંથી ત્રણ ગોળી છોડી તેમાંની બે ગોળીએ છાતી વિંધિ નાંખી અને ત્રીજી ગોળી ફેંફસામાં અટવાઈ ગઈ અને ગાંધીજી ૩૦ જાન્યુ. ૧૯૪૮ના સાંજે ૫-૧૭ મિનિટે નિષ્પ્રાણ થયા. બાપુની ૬૮મી પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન.
- જગદીશ ગણાત્રા, વેલિંગબરો
તો માતૃભૂમિનું ભલું થાય!
આપણો દિલ્હીનો ચૂંટણી જંગ જોતા એવું લાગે છે કે આવો ચૂંટણી જંગ યુરોપના કોઈ પણ દેશમાં જોવા ના મળે. આ વર્ષે આપણે ત્યાં યુકેમાં પણ સામાન્ય ચૂંટણી થવાની છે, પણ અહિં ભારત જેવા આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા નહીં મળે. દેશનું સુકાન હાથમાં લેનારા આપણા મોટા નેતાઓ એકબીજા પર આરોપો મૂકી લડવાનું વલણ અપનાવે છે તે જોતાં મનમાં દુઃખ થાય છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી વડા પ્રધાન બન્યા તે આપણું સદ્ભાગ્ય છે, પરંતુ એકલા નરેન્દ્રભાઈથી દેશમાં સુધારો ન આવે. દરેક દેશવાસીનું માનસ સુધરે તો માતૃભૂમિનું ભલું થાય. ૬૦-૭૦ વર્ષ પહેલાં ઘરનો ઝઘડો પાડોશી જાણી જાય તો પણ આપણે શરમ અનુભવતા હતા. આવો ચૂંટણી જગં સૌ કોઈ ટી.વી. પર જુએ છે ત્યારે સૌ શું વિચારતાં હશે? મારી નજરે તો આ શરમજનક છે.
- ચંપાબેન સ્વામી, માન્ચેસ્ટર
સૌથી સારું ગુજરાત સમાચાર
મારી ઉમર ૮૫ વર્ષની છે અને તેથી લખતા થોડી તકલીફ પડે છે. ભારતના ગામડામાં ગુજરાતીમાં ચાર ચોપડી ભણી ૧૨ વર્ષની ઉંમરે યુગાન્ડા આવ્યો હતો. ૧૯૭૨માં મ્બાલે, યુગાન્ડામાં બધું છોડીને યુકે આવ્યો છું. પણ ઘણી જ ખુશી સાથે જણાવવાનું કે આપના તરફથી વર્ષ ૨૦૧૫નું 'ગુજરાત સમાચાર'નું કેલેન્ડર મળ્યું. ખરેખર ધન્યવાદ છે. ગુજરાતી-ઈંગ્લીશનું તારીખ, વાર સાથે બહુજ સુંદર લખાણ, દરેક દિવસની માહિતી, ચોઘડીયાં સાથેનું કેલેન્ડર બહુ સરસ છે. 'ગુજરાત સમાચાર' સદાય ફળે ફૂલે.
'ગુજરાત સમાચાર' વાંચીએ નહીં તો શુક્રવાર અઘરો અને ભારે લાગે છે. આપના ગ્રાહક તથા હું ઘણા જ ખુશ થઈએ છીએ.
'એશિયન વોઈસ'માં લખાણ ઘણું જ સુંદર, સ્વચ્છ આવે છે અને ઈંગ્લિશ ભણેલાને તે 'એશિયન વોઇસ' બહુ જ ગમે છે. મારો દીકરો તે છાપું વાંચે છે.
એમ. સી. વિઠ્ઠલાણી, લંડન
વસતી વધારો અને ધર્મ
તમારી વાતના પત્રમાં શ્રી નગીનભાઈ પટેલ ( ૩-૧-૨૦૧૫) લખે છે તે તદ્દન યોગ્ય અને સચોટ લખેલ છે. ભારતને વધારે વસતી પોસાય તેમ નથી. જે ધર્મ પાળતા લોકો 'બે બાળકો બસ'ની નીતિમાં માનતા નથી તેમની તકલીફો વધી છે અને શિક્ષણ અને જ્ઞાનને પગલે તેમની બેકારી વધી છે અને પછી તેઅો સરકારને દોષીત ઠરાવે છે. તેમણે શિખવાની જરૂર છે.
'ચાર બાળકો પેદા કરવા જોઈએ' કહીને હિંદુ નેતાએ બુધ્ધીનું પ્રદર્શન જ કર્યું છે. આ છે આપણા નેતાજી. દેશ સિમેન્ટ ક્રોંકીટમાં દબાઈ ગયો છે, ખેતીની જમીનો બરબાદ થઈ ગઈ છે તે તેમને દેખાતું નથી.
પરિસ્થિત એટલી ખરાબ છે કે મડદાનું પણ કોઈ ધણી નથી થતું. ટીવીના સમાચારમાં જોયું હતું કે ૧૦૦થી અધિક મડદાં ગંગામાં ફગાવી દેવામાં આવ્યાં. આ છે પવિત્ર ગંગાની દશા. વસતી વધારો ફક્ત ભારતીય જ નહીં પણ સમગ્ર વિશ્વની ચિંતા છે. આજે હજારો લોકો જીવના જોખમે હજારો માઈલની મુસાફરી કરીને જીંદગી જીવવાનું સાધન શોધે છે. આજે યહુદીઓને દેશ છોડી બીજે સ્થાયી થવાની પરિસ્થિતિ ઊભી થઈ તેના ઉપરથી આપણે શો બોધપાઠ લઈશું? નાઈજીરિયામાં 'બોકો હરામ'ના આતંકવાદીઅો હજારો નિર્દોષની હત્યા કરી તેમની માસુમ અને તરૂણ વયની દિકરીઓનું અપહરણ કરી ગયા. આ કયા ધર્મની ચોપડીમાં લખ્યું છે!!! સિરિયામાં લાખોએ જીવ ગુમાવ્યા છે અને પરદેશમાં શરણ લીધું છે. આવું કરવાનું કયા ધર્મની ચોપડીમાં લખ્યું છે!!!
બીજાને દોષી ઠરાવતા પહેલાં આપણો ચહેરો આયનામાં જોવો જરૂરી છે. વસતી વધારો અને ધર્મને સાચી સ્થિતિમાં ન સમજવું તેજ જગતનું દુખ છે. જીવો અને જીવવા દો!!! લોકોને ‘દુખે છે પેટ અને કુટે છે માથું’.
- મંદારબહેન આર. પટેલ, હેરોગેટ.
દિલ્હી માટે ભાજપના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ડો. કિરણ બેદી
બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિત શાહએ ખુબજ લોકપ્રિય ભૂતપૂર્વ આઈ.પી.એસ ઓફિસર સુશ્રી ડો. કિરણ બેદીજીને ભાજપમાં પ્રવેશ આપી દિલ્હીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે તેમના નામની ઘોષણા કરી તે ખુબ જ આવકાર્ય છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતની સામાન્ય ચુંટણીમાં એલાન કરેલું કે સારા અને ઈમાનદાર લોકોએ રાજકારણમાં આવીને દેશની સેવા કરવી જોઇએ તેના ભાગરૂપે અનેક ઈમાનદાર લોકો રાજકારણમાં જોડાઇ રહ્યા છે.
સુશ્રી કિરણ બેદીજી ભારતીય પોલીસ સેવામાં ખુબ જ ઈમાનદારી અને વહીવટી સેવાનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવે છે અને નિવૃત થયા પછી પણ અનેક ચેરીટી સંસ્થાઅો દ્વારા દેશની સેવામાં ખુબ જ સક્રિય છે. તેમનો લાભ દિલ્હીના લોકોને અવશ્ય મળશે જ.
સીબી ગુજરાતની મુલાકાતે ગયા અને લંડન-અમદાવાદની સીધી વિમાની સેવાની ઝુબેશ માટે ગુજરાત રાજ્યના મંત્રી મંડળના પ્રધાનો, વિરોધ પક્ષના નેતાઅો તેમજ ગુજરાતના ઉદ્યોગપતિઅોને રૂબરૂ મળીને આંદોલનની ગતિ વધારી છે. દરેકે સીબીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને પોતાનો સંપૂર્ણ ટેકો આપવાની ફરી સહમતી આપી છે. યુકેના ગુજરાતીઅોના આ પ્રાણ પ્રશ્ન માટે સીબીની આ મહેનતને જરૂર સફળતા મળશે. એબીપીએલ ગ્રુપના બન્ને અખબારો અને સીબીનો એક સિધ્ધાંત છે કે સફળતા ન મળે ત્યાં સુધી કર્મ કરવું. મા અંબે અને ભોળાનાથ તેમને હમેશા આશીર્વાદ આપે તેવી અમારી હાર્દિક પ્રાર્થના.
ભરત સચાણીયા અને પરિવાર, લંડન.