મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે માર્ચના અંત અથવા એપ્રિલ મહિનાના આરંભમાં આવે છે. યુકે અને આયર્લેન્ડમાં મધરિંગ સન્ડે તરીકે પણ ઓળખાતો મધર્સ ડે આ વર્ષે રવિવાર 30 માર્ચ 2025ના દિવસે આવે છે. નોર્થ અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં તે સામાન્યપણે મે મહિનાના બીજા સપ્તાહમાં આવે છે.
સૌપહેલા કેનેડાના મારખમમાં મારા પરિવાર અને તમામ મિત્રો વતી હું સહુને મધર્સ ડેની ઊષ્માસભર શુભેચ્છાઓ પાઠવું છું કે તમે તમારી માતા સાથે સારો સમય વીતાવી શકો. અથવા જો તમે તેમનાથી ઘણે દૂર રહેતા હો તો તમે ડિજિટલ મીડિયા મારફત વીડિયો કોલ કરી શકો અથવા વોટ્સએપ પર વાત કરીને તેમને મધર્સ ડેની ઊષ્માસભર શુભેચ્છાઓ પાઠવી શકો છો.
મને માર્ચ 1996ના સમયની યાદ આવે છે. તે સમયે મારી દિવંગત માતા મણીબહેન પટેલ મારા નાના ભાઈ સુભાષ પટેલ અને તેમના પરિવાર સાથે યુકેના સાઉથોલમાં રહેતાં હતાં. કેનેડાથી હું-સુરેશ પટેલ અને મારી પત્ની ભાવના લગભગ દર વર્ષે અમારા વેકેશન દરમિયાન ત્યાં જઈ તેમની સાથે સારો સમય વીતાવતા હતા. તેમની વૃદ્ધાવસ્થાના કારણે તેઓનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું. માર્ચ 1996ની એક સવારે મારા બ્રધર-ઈન-લો મહેન્દ્રભાઈ પટેલે મને ફોન કરીને જણાવ્યું કે મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. આથી, મેં નોકરીમાંથી રજા લીધી અને ત્યાં પહોંચ્યો અને મોટા ભાગનો સમય તેમની સાથે હોસ્પિટલમાં વીતાવ્યો હતો.
ઈંગ્લેન્ડમાં મારી રજાઓ પૂર્ણ થવાની હતી અને કેનેડા પરત થવાનું હતું ત્યારે મધર્સ ડેના એક દિવસ પહેલા હું તેમને જોવા હોસ્પિટલ ગયો અને તે સમયે તેમણે મારા નાના ભાઈને પૂછ્યું કે સુરેશભાઈ વિમાનમાં શું ખાશે? તેમને થોડો ખોરાક મોકલવાની ચોકસાઈ રાખજે. હું તો સ્તબ્ધ થઈ ગયો. તેઓ મરણપથારીએ હતાં અને તેમના 54 વર્ષીય મોટા પુત્ર માટે કેટલી ચિંતા અને કાળજી રાખતાં હતાં. હું કેનેડા પરત આવ્યો અને મધર્સ ડેના બીજા દિવસે તેમનું અવસાન થયું. મધર્સ ડેના દિવસે નહિ, મારી નાની પુત્રી આરતીના જન્મદિવસ 18 માર્ચ 1996ના દિવસે નહિ કે તેઓ જેમની સાથે રહેતાં હતાં તે મારા ભત્રીજા કેયુરના જન્મદિવસ 20 માર્ચના દિવસે પણ નહિ.
માતાનો બિનશરતી પ્રેમ, બલિદાનો અને તેમનાં માર્ગમાં આવતા તમામ અવરોધોનો સામનો કરવાની મજબૂત ઈચ્છાશક્તિને કદી નાણાકીય મૂલ્યથી માપી શકાય નહિ. આ તદ્દન અમૂલ્ય છે જેની આપણે કદર કરવી જોઈએ આપણે ઈશ્વરની પ્રાર્થના કરીએ તે પહેલા આપણે માતા/પેરન્ટ્સની પ્રાર્થના કરવી જોઈએ કારણકે તેઓ ઈશ્વરની સમાન હોય છે અને તેમની સાથે સારો સમય વીતાવવા પ્રયાસ કરવો જોઈએ. આમ કરવાથી તેમના અંતરમાંથી નીકળતા આશીર્વાદ આપણા બાળકો, ગ્રાન્ડચિલ્ડ્રનને સુખી અને ખુશ બનાવશે.
આ વિશ્વમાં જીવતાં કે વિદાય લઈ ગયેલા તમામ માતાઓને હેપી મધર્સ ડે.
તમામ લોકો સલામત અને સ્વસ્થ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
મારખમ, કેનેડા