ભારતનું બંધારણ જાન્યુઆરી 26 1950થી અમલમાં આવ્યું અને દેશ જાન્યુઆરી 26 2024ના રોજ 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી જેમનો કાર્યકાળ જાન્યુઆરી 26 1950થી મે 13, 1962 સુધી રહ્યો હતો.
બિહારમાં 3 ડિસેમ્બર, 1884ના દિવસે જન્મેલા રાજેન્દ્ર પ્રસાદ ભારતની આઝાદીની ચળવળમાં ચાવીરૂપ વ્યક્તિ હોવા સાથે ભારતના સન્નિષ્ઠ રાજકારણી હતા જેઓ તેમની માનવતા, ડહાપણ, અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ માટે પ્રખ્યાત હતા. તેમણે હોંશિયાર વિદ્યાર્થી તરીકે યુનિવર્સિટી ઓફ કલકત્તામાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેમણે કાયદાક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમની કાનૂનલક્ષી કુશાગ્રતા માટે પ્રખ્યાત હતા. જોકે, રાષ્ટ્રીય આઝાદીની હાકલે તેમને ઉત્તેજિત કરી મૂક્યા હતા અને થોડા જ સમયમાં તેઓ આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા હતા.
ડો. રાજેન્દ્ર પ્રસાદ 15 નવેમ્બર 1954ના દિવસે ગુજરાતના આણંદમાં અમૂલ ડેરીની આધારશિલા મૂકવા આવ્યા ત્યારે મને 12 વર્ષની નાજૂક વયે તેમને નિહાળવા અને પ્રવચન સાંભળવાનો લહાવો મળ્યો હતો. ભારતના મિલ્કમેન તરીકે જાણીતા બનેલા ડો. વર્ગીસ કુરિયને ડેરી કંપની અમૂલની સ્થાપના કરી હતી જે આજે ઘર ઘરમાં જાણીતી અને ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ્સમાં એક છે. ભારતના ડેરીઉદ્યોગને વધુ બહેતર બનાવવા અને લાખો ખેડૂતોના જીવનને બચાવવા એકલા હાથે કામ કર્યું હતું તે કુરિયન માત્ર પ્રશંસાથી પણ વધુને લાયક છે. તેમની કામગીરીના પરિણામે જ, ભારત વિશ્વમાં સૌથી મોટું દૂધ ઉત્પાદક છે. આ બધું એટલા માટે થયું કે તેમણે આ થઈ શકે તેવો નિર્ધાર કર્યો હતો.
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 1950માં ગુજરાતના ચારુતર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના શૈક્ષણિક ટાઉનશિપ વલ્લભ વિદ્યાનગર ખાતે કોમર્સ કોલેજ એટલે કે B.J.V.M.નું ઉદ્ઘાટન કર્યું હતું. બ્રિટિશ ભારતના આખરી વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને રાજ્યની પ્રથમ એન્જિનીઅરીંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું જેના માટે શ્રી ઘનશ્યામદાસ બિરલાએ 25 લાખ રૂપિયાનું ઉદાર દાન આપ્યું હતું. આ પછી, શૈક્ષણિક કેમ્પસ હરણફાળ ભરતું જ રહ્યું છે. ટાઉનશિપ એટલી ઝડપે વિક્સ્યું કે 1955માં સરકારના કોઈ પણ ભંડાળ વિના સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ અને આજે ભારતમાં પ્રખ્યાત યુનિવર્સિટી ટાઉનશિપ્સમાં એક છે. મને કહેતા ઘણો ગર્વ થાય છે કે ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ઉદ્ઘાટન કરાયેલી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરી મેં 1963માં મારી કોમર્સની ડીગ્રી હાંસલ કરી હતી.
ડો. રાજેન્દ્ર પ્રસાદ 1961માં સરદાર વલ્લભભાઈ પટેલની આદમકદની પ્રતિમાનું અનાવરણ કરવા વલ્લભ વિદ્યાનગર આવ્યા ત્યારે મને છેલ્લી વખત તેમને નિકટથી નિહાળવા અને સાંભળવાનો લહાવો મળ્યો હતો. તમે એક વખત વલ્લભ વિદ્યાનગરમાં પ્રવેશ કરો ત્યારે ગ્રામીણ પરિવર્તનના સાધન તરીકે શિક્ષણના ઉપયોગના સુંદર સ્વપ્નનું સ્મરણ થઈ આવે છે. આ સુંદર સ્વપ્નને ભારતમાતાના બે મહાન સપૂત- મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. સ્થાપકોએ 1945માં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ચારૂતર વિદ્યા મંડળ (શિક્ષણસંસ્થાની માતૃસંસ્થા)ની સ્થાપના કરી હતી અને અનોખા ટાઉનશિપનો પાયો નાખ્યો હતો જેનું, ઉદ્ઘાટન ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કર્યું હતું.
ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર પટેલે 13 નવેમ્બર, 1947ના દિવસે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની ખાતરી ઉચ્ચારી હતી. વર્તમાન સોમનાથ મંદિરનું નિર્માણ તેના મૂળ સ્થાને લોકદાન અને સ્પોન્સર્સ દ્વારા એકત્રિત ભંડોળ થકી કરાયેલું છે. જવાહરલાલ નેહરુના ઈનકાર અને નારાજગી છતાં, ડો.રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. સરદાર પટેલનું 1950માં નિધન થયું ત્યારે પણ નેહરુએ તેમના અંતિમ સંસ્કારમાં હાજર ન રહેવા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ અને સરકારના મંત્રીઓને સૂચના આપી હોવાં છતાં, ડો. રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલની અંતિમવિધિમાં હાજર રહ્યા હતા.
ભારતના 75મા પ્રજાસત્તાક દિને ભારત અને વિદેશસ્થિત ભારતીયોને પવિત્ર અને દેશદાઝયુક્ત ગણતંત્રદિનની શુભકામના.
મારખમ, કેનેડા