મને 26 ઓકટોબરે ફરી એક વખત અનૂપમ મિશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ વખતે દીવાળી ઊજવણીના આગમન અગાઉ આશીર્વાદ મેળવવાનું ટાણું હતું. આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી. ઈશ્વર પ્રતિ આદર અને આભારની લાગણી વ્યક્ત કરવા વિવિધ પ્રકારના વ્યંજનો અને મીઠાઈનો અન્નકૂટ યોજાયો હતો. ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિન્દુઝના સ્થાપક શ્રી શૌનક રિશિ દાસજીએ ગોવર્ધન પર્વતની પ્રેરણાદાયી કથા કહી હતી જેમાં કુદરતના મહત્ત્વ અને દિવ્ય સત્તાઓ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવાના મહત્ત્વને સમજાવ્યું હતું.
દૂરદર્શી ગુરુ શ્રી ગુરુહરિ સંત સાહેબજીએ ઓમ ક્રીમેટોરિયમ પ્રોજેક્ટ વિશે અપડેટ્સમાં સહુને સહભાગી બનાવ્યા હતા. તેમણે યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ અને મિડલ ઈસ્ટ સહિત સમગ્ર વિશ્વમાંથી દાતાઓ તરફથી સાંપડેલા અભૂતપૂર્વ સપોર્ટ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિશ્વભરના વોલન્ટીઅર્સના સામૂહિક પ્રયાસોના કારણે 2500 વૃક્ષ રોપવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય પાર પડવાને નજીક છે. ક્રીમેટોરિયમ ઓગસ્ટ 2025માં કાર્યરત થવાની આશા છે જે યુકે અને યુરોપમાં હિન્દુ સમુદાયના સભ્યો માટે પવિત્ર આરામસ્થળ તરીકે સેવા આપશે.
આ ઉમદા કાર્ય તરફની મારી યાત્રા અનાયાસે જ શરૂ થઈ હતી. લંડનમાં મારા પ્રથમ સપ્તાહના આ દિવસે જ હું જાણે રેડ બસમાં ખોવાઈ જ ગયો હતો. સુરેશભાઈ ખખ્ખર અને ચંદ્રિકાબહેન ખખ્ખર સાથે રાત્રિના 9 કલાકે અચાનક જ મેળાપ થયો જેના પરિણામે મને તેમના ઊષ્માસભર આતિથ્ય અને આશીર્વાદનો લાભ મળ્યો. આ મુલાકાતથી મને તેમના તરફથી સપોર્ટ મળવા ઉપરાંત, અનૂપમ મિશનના પવિત્ર પંથ સાથે મારો પરિચય પણ કરાવ્યો હતો. અહીં મારી મુલાકાત પ્રેરણાદાયી વ્યક્તિત્વ સી.બી. પટેલ સાથે થઈ હતી જેમણે મને લેખ લખી આ પવિત્ર મિશનમાં ફાળો આપવા આમંત્રણ આપ્યું હતું. આ દિવ્ય પ્રયાસનો હિસ્સો બની રહેવું ખરેખર સદ્નસીબ જ કહેવાય.
ઓમ ક્રીમેટોરિયમ સુધીની યાત્રા દિવ્ય શક્તિના હસ્તક્ષેપની સાબિતી જ છે. તે આપણને યાદ અપાવે છે કે કરુણાથી ભરેલું નાનામાં નાનું કાર્ય પણ પ્રચંડ અસર ધરાવે છે. આપણે આ આધ્યાત્મિક યાત્રાનો આરંભ કરીએ છીએ ત્યારે આપણે આશીર્વાદ મેળવતા રહીએ અને સમાજને વધુ સારો બનાવવામાં યોગદાન આપીએ.
--- ઓમકાર નાયક
લંડન