સ્નેહી ભાઈ સીબી ,
લાંબા સમય પછી લખી રહ્યો છું, પ્રકાશિત થશે તો આનંદ થશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોનું તંત્રીમંડળ ખરેખર મહેનતકશ છે. તમે, અહીંના ભારતના અને વિશ્વભરના સમાચારોની લહાણ કરો છો. ગુજરાત સમાચાર માટે શું અને કેટકેટલી વાતો કરું? તમારી વાતના પત્રો પણ અખબારનું મોંઘેરું આભૂષણ છે. વાચકોના વિચારો મંગાવો છો અને પ્રકાશિત કરો છો ત્યારે વાચકગણ પોરસાય નહિ તો જ નવાઈ! તાજેતરના ઝૂમ ઈવેન્ટમાં આપના બ્યૂરો ચીફ નીલેશભાઈ પરમારે દર વખતની જેમ મહત્ત્વના સમાચારોની માહિતી આપી તેની સાથે જે જાહેરાત કરી કે આ અંકથી ગુજરાત સમાચારમાં ‘આપણી કવિતાનો અમર વારસો’ અને નવલિકાના નવા વિભાગોનો પણ આરંભ કરાયો છે. આ મને ઘણું ગમ્યું છે. છેલ્લાં થોડા મહિનાઓમાં ગુજરાત સમાચારના વાંચનમાં અદ્ભૂત ક્રાંતિ જોવા મળી છે. તમે સમાજને સાથે રાખીને આગળ વધવા માટે જે ઝૂમ ઈવેન્ટ્સ શરૂ કર્યા છે તે કાબિલેતારીફ જ કહેવાય. આ પરિવર્તનની દિશામાં આગળ વધતા રહીને આગામી સમયમાં વધુ અને વધુ સારી સામગ્રી આપતા રહેશો તેવો મારો વિશ્વાસ છે.
આપે 13 એપ્રિલના જીવંત પંથમાં કેવી સુંદર વાત કરી છે. રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ની ઉત્કૃષ્ટ રચના ‘પ્રભુ! જીવન દે... ચેતન દે, નવચેતન દે...’ વાંચીને ઘણી મઝા આવી ગઈ. સીબી, 9મી એપ્રિલ તમારી જન્મતારીખ હોવાની સાથે મહાસર્જક રામનારાયણ વિ. પાઠકનો પણ જન્મદિન છે. બંને સર્જકોના વિચાર કેટલા મળતા આવે છે. તાજેતરમાં એક રવિવારના મેળાવડામાં તમને જોયા હતા અને મારા ખાસ મિત્રે ટીપ્પણી પણ કરી હતી કે હવે સીબીની ઉંમર વર્તાય છે. હવે તો આ સહજ છે. તમારી કોલમમાં જ તમે જણાવી દીધું છે કે ઉંમર તો ઉંમરનું કામ કરશે, અંદરવાળો જોશવાળો હોય તો શેની ચિંતા, ઘણું કામ થઈ શકે છે. તમારો પ્રવૃત્તિમાં નિવૃત્તિનો માર્ગ જ આપણા જેવા હમઉમ્ર બિરાદરોનો હોવો ઘટે.
પ્રિય સીબી, ઝૂમ મીટિંગમાં બ્રહ્મવિહારી સ્વામીજીના તમારા વિશેના ઉદ્ગારો યાદ કરી ગૌરવ થાય છે. મને યાદ છે કે તમે એક મીટિંગમાં હળવાશમાં ડિમેન્શીઆની વાત કરી હતી અને ડિમેન્શીઆ થતો અટકાવી ન શકાય તેમ જણાવ્યું હતું. તમારા કહેવા સાથે હું સંપૂર્ણપણે સહમત છું કે સ્મૃતિભંશ બાયોલોજિકલ અવસ્થા છે જેને આગળ વધતી રોકી શકાય ખરી. યોગ્ય આહારવિહાર, માનસિક પરિસ્થિતિ પર નિયંત્રણ અને તનદુરસ્તીની સાથે જ મનદુરસ્તી પર ધ્યાન આપવાની જવાબદારી આપણી હોવાનું પણ તમે જણાવ્યું હતું. મનદુરસ્તી એટલા માટે કે ‘મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત’. સારું વાંચવું અને તેને વાગોળવું પણ એટલું જ આવશ્યક છે. સારી વસ્તુઓ યાદ રાખવાથી અને વાગોળવાથી એટલે કે ચિંતન કરવાથી પોઝિટીવિટી એટલે સકારાત્મકતા ઉભરાય છે. આપણે તો એટલું જ કહી શકીએ કે ‘મન ચંગા તો કઠરોટમેં ગંગા’.
ગુજરાત સમાચારના કટારલેખકો વિશે શું વાત કરવી, એકે હજારાં જેવા છે. ટીનાબહેન દોશીની કટાર ‘પ્રથમ ભારતીય નારી’ ઘણી સારી આવે છે. આ નવો મહિલાલક્ષી કન્સેપ્ટ અન્ય કોઈ સમાચાર સાપ્તાહિકમાં જોવાં મળ્યો નથી. આપણા યુવા વર્ગને તેમાંથી ઘણી પ્રેરણા મળી શકે કે આપણે પણ કોઈ બાબતમાં પ્રથમ થઈએ. બીજા મનપસંદ કટારલેખક વિષ્ણુભાઈ પંડ્યા છે. ઈતિહાસવિદ્ હોવાથી આપણે ઈતિહાસમાં કદી જાણી કે વાંચી ન હોય તેવી વાત પૂર્વાપર સંબંધ સાથે જણાવે છે. સાચી હકીકતો જાણવાથી મગજને પ્રકાશ અને પોષણ મળતું હોવાની લાગણી જન્મે છે. આ ઉપરાંત,રોહિતભાઈ વઢવાણા દ્વારા જીવનનું મેનેજમેન્ટ કેવી રીતે કરાય તેની પ્રેરણાદાયી કટાર ‘આરોહણ’, તુષારભાઈ જોષીની કટાર ‘અજવાળું... અજવાળું’ દર સપ્તાહે સંસ્કૃતિ, સંસ્કાર અને ભાષાના વિશ્વની યાત્રા કરાવે છે. આપણી સંસ્કૃતિનો યશ ફેલાવતા પર્વવિશેષ લેખો ઉત્સવો સંબંધિત કેટલી સુંદર જાણકારી આપે છે. ગુજરાત સમાચારમાં સ્થાનિક કવિને પણ કેટલા આદર સાથે સ્થાન અપાય છે તેનું ઉદાહરણ શશિકાન્ત દવેની કવિતાઓ અને ભજન વાંચીને જોવાં મળ્યું છે.
એશિયન વોઈસની વાત કરું તો રોહિત વઢવાણાની મનોમંથન કરાવતી કટાર ‘ઈન્ટ્રોસ્પેક્શન’ તેમજ બ્રિટિશ રાજકારણ, સનાતન ધર્મ અને વૈશ્વિક આતંકવાદ સહિત વિષયો પર કપિલ દૂદકીઆની ‘ખીચડી’ તો ખરી જ. આ ઉપરાંત, દર સપ્તાહે વિદ્વાન અને વિચારક લેખક અલ્પેશ પટેલની બે કટાર પોલિટિકલ સ્કેચબૂક (પાન 3) અને ફાઈનાન્સિયલ વોઈસ (પાન 18) બધા માટે આવશ્યક રાજકારણ અને નાણાકીય વિશ્વની લટાર મારવા સાથે જે સલાહસૂચનો આપે છે તે ખરેખર વાંચવાલાયક બની રહે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોની વાંચનસામગ્રી આપણી હોજરી, હૈયું અને મસ્તક માટે જરૂરી પોષણ આપનારી બની રહે છે. મન અને તન, આજ અને આવતી કાલ માટે પીરસાયેલી વાચનસામગ્રી એક જ જગ્યાએથી મળી રહે છે તેનાથી વધુ રુડું શું કહેવાય!
વિશેષ લખવાનું કે હું છેલ્લા 40 વર્ષથી ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઈસ જ્યારે ન્યૂ લાઈફ હતું ત્યારથી નિયમિતપણે વાંચતો આવ્યો છું. મારા પત્ની સરલાબહેન તથા મારા સંતાનો પણ આપણા સાપ્તાહિકો વાંચવાનું છોડતા નથી. સીબી, બંદાનો જુસ્સો ખરેખર બરકરાર છે ત્યારે તમારી અને આપણી વધેલી વય વિશે કોઈ ગમે તે કહે પરંતુ, તમારી વય હજુ એટલી મોટી ન જ કહેવાય. આપણે હજું જીવવાનું છે. મારે પણ જીવવું છે જેથી તમારી વાચનસામગ્રીને બરાબર વાંચવા અને માણવાની મોજ લઈ શકું. તમારે પણ અમારા માટે લખવા અને અનુભવોનું ભાથું આપવા જીવવાનું છે કારણકે તમારો પંથ તો જીવંત જ છે.
આપના સહૃદયી,
સુરેશભાઈ મ. અને સરલાબહેન શાહ
હેરો