નોર્થ અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં મધર્સ ડેની વાર્ષિક ઉજવણી મે મહિનાના બીજા રવિવારે કરવામાં આવે છે. આ વર્ષે તે 12 મે, 2024નો દિવસ હતો. યુકેમાં મધર્સ ડેની ઉજવણી ઈસ્ટરના ત્રણ રવિવાર પહેલા જ કરવામાં આવે છે જે સામાન્યતઃ માર્ચ મહિનામાં હોય છે.
મધર્સ ડે દ્વારા માતાઓ, માતૃત્વ અને માતા-સંતાનના ઉષ્માપૂર્ણ બંધન તેમજ તેમના પરિવારો અને સમાજ પ્રત્યે તેઓનાં રચનાત્મક યોગદાનની કદર કરવામાં આવે છે. આ દિવસની સ્થાપના અન્ના જાર્વિસ દ્વારા કરાઈ હતી અને સૌપ્રથમ સત્તાવાર મધર્સ ડેની ઉજવણી 10 મે,1908ના દિવસે વેસ્ટ વર્જિનિયાના ગ્રાફ્ટનમાં સેન્ટ એન્ડ્રયુઝ મેથોડિસ્ટ ચર્ચ ખાતે પૂજા-પ્રાર્થનાની સર્વિસ થકી કરવામાં આવી હતી. મધર્સ ડે નિમિત્તે લોકપ્રિય ઉજવણીઓમાં હોલીડે કાર્ડ અને ભેટો આપવી, ગુલાબી ફૂલોની વહેંચણી સાથે ચર્ચની મુલાકાતે જવું અને પારિવારિક ભોજનોનો સમાવેશ થાય છે.
રવિવાર 12 મે, 2024ના મધર્સ ડે નિમિત્તે કેન્સર અથવા ગંભીર બીમારીઓ ધરાવતાં બાળકો અને તેમના પરિવારોને સાજા થવાની શક્તિ પ્રદાન કરવાની ભાવના સાથે ટોરોન્ટોમાં કેમ્પફાયર સર્કલ ચેરિટી માટે 10 કિલોમીટરની દોડ ‘સ્પોર્ટિંગ લાઈફ 10K’નું આઅયોજન કરવામાં આવ્યું હતું. આ સૌથી ઉમદા સખાવતી ઉદ્દેશ સાથેનું કાર્ય છે. વર્ષ 2000થી ‘સ્પોર્ટિંગ લાઈફ 10K’ મારફત બાળપણથી જ કેન્સર અથવા ગંભીર બીમારીઓથી અસરગ્રસ્ત બાળકો અને તેમના પરિવારોને માટે કેમ્પપ્રેરિત કાર્યક્રમો પૂરાં પાડતી ચેરિટી સંસ્થા કેમ્પફાયર સર્કલ માટે 25 મિલિયન ડોલરથી વધુ રકમ એકત્ર કરવામાં આવી છે.
કેનેડામાં પ્રથમ પેઢીના ઈન્ડો-કેનેડિયન ઈમિગ્રન્ટ્સ તરીકે મને એ કહેતા ગર્વ થાય છે કે બીજી અને ત્રીજી પેઢીના ઈન્ડો-કેનેડિયન્સ સમાજને તેમજ તેમના પેરન્ટ્સ અને ગ્રાન્ડપેરન્ટ્સની કર્મભૂમિ બની રહેલા દેશને ઋણ ચૂકવવાના શુભ આશય અને ભાવના સાથે વિવિધ પ્રકારના સખાવતી ઉદ્દેશોમાં સક્રિયપણે ભાગ લેતા રહે છે. તેમણે બધાએ જ નવા દેશમાં સખત મહેનત સાથે સંઘર્ષ કર્યો હતો અને સારા શિક્ષણ, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના મૂલ્યો અને સમૃદ્ધ વિરાસત હાંસલ કરવાના લક્ષ્યાંકો એક પછી એક પાર પાડ્યા હતા. તેમાના મોટા ભાગના એન્જિનીઅર્સ, એકાઉન્ટન્ટ્સ, શિક્ષકો, ફાર્માસિસ્ટ્સ, ડોક્ટર્સ, આર્કિટેક્ટ્સ, પાઈલટ્સ, બેન્કર્સ બન્યા હતા.
અમને ગૌરવ છે કે આ વર્ષે ત્રીજી પેઢીની અમારી ગ્રાન્ડડોટર મારીશા ગાંધી અને બીજી પેઢીના જમાઈ મેહુલ અધ્વર્યુ વહેલી સવારના જાગી ગયા હતા અને 10 કિલોમીટરની ‘સ્પોર્ટિંગ લાઈફ 10K’ દોડમાં ભાગ લીધો હતો. અમારા ઘણા સગાંસંબંધી અને મિત્રો, તેમના પુત્રો અને પુત્રીઓ પણ સમગ્ર વર્ષ દરમિયાન ચેરિટી સંસ્થાઓ દ્વારા આયોજિત વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેતાં રહે છે.
જેઓ આ દુનિયામાં જીવંત છે અને જેમણે વિદાય લઈ લીધી છે તેવી તમામ માતાઓને વિલંબિત ‘હેપી મધર્સ ડે’.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા