હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણની પૂજા સર્વોચ્ચ દેવ તરીકે કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં જન્મેલા (આશરે 3,228 BCE) ભગવાન કૃષ્ણનું જીવન દ્વાપર યુગના અંત અને કળિયુગ (જે વર્તમાનમાં પણ ચાલી રહ્યો હોવાનું મનાય છે)ના આરંભને દર્શાવે છે.
દેવોમાં સર્વોત્તમ વ્યક્તિત્વ ધરાવતા શ્રી કૃષ્ણ ઐતિહાસિક મહાપુરુષ છે જેમણે 5000 વર્ષ પહેલા પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો અને 125 વર્ષ આ પૃથ્વી પર રહ્યા હતા. તેમણે સામાન્ય મનુષ્ય જેવી જ ભૂમિકા ભજવી હતી પરંતુ, તેમના કાર્યો અભૂતપૂર્વ અને અસામાન્ય રહ્યા હતા.
જે લોકો પૃથ્વી પર શ્રી કૃષ્ણના અસ્તિત્વ વિશે શંકા ધરાવે છે તેમના માટે 7 માર્ચ 2004ના રોજ ટોરોન્ટો સ્ટારમાં બ્રહ્માંડિય આધાયાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરનારા થીઓલોજીઅન ટોમ હાર્પુરના વડપણ હેઠળના ધર્મ વિભાગમાં પ્રસિદ્ધ એક લેખના કેટલા અવતરણો હું રજૂ કરું છું. આ લેખની નકલ હજુ મારી પાસે છે. એલ્ડસ હક્સલી લિખિત આ લેખનું મથાળું ‘વર્લ્ડસ મેજર રીલિજિયન્સ આર લાઈક બ્રાન્ચીસ ગ્રોઈંગ ફ્રોમ વન ટ્રન્ક’ (વિશ્વના મુખ્ય ધર્મો એક જ થડમાંથી બહાર આવેલી શાખાઓ સમાન છે) હતું. તેમણે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવદ્ ગીતા વિશે જે લખ્યું હતું તેના થોડાં અવતરણો અહીં સામેલ કર્યા છે. કૃષ્ણ, હિન્દુ ક્રાઈસ્ટ, એ મુખ્ય વક્તા છે. ગ્રીક શબ્દ ક્રિસ્ટોફર ( 280 BCE સમયગાળાના ઓલ્ડ ટેસ્ટામેન્ટના ગ્રીક વૃતાન્તમાં આ શબ્દ 40 વખત આવે છે) અને કૃષ્ણ શબ્દ, બંનેના મૂળ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા છે. ‘કૃષ્ણનો અર્થ તેલના અભિષેકનો છે. કૃષ્ણ જે કહે છે તે સદીઓ પછી, કદાચ સહસ્રાબ્દીઓ પછી જિસસની ઘણી ઘોષણાઓમાં કહેવાયું છે. કેટલાક ઉદાહરણો જોઈએ.
કૃષ્ણઃ આ શરીરની અંદર અમર્ત્ય જીવન છે જેનો કદી નાશ થતો નથી, હું જ સત્ય છું અને અનંત આનંદ છું.’
જિસસ જ્હોનમાં કહે છેઃ ‘હું જ માર્ગ, સત્ય અને જીવન છું.’
કૃષ્ણઃ ‘હું આત્મા છું જે દરેક પ્રાણીના હૃદયમાં વસે છેઃ હું જ આરંભ છું, જીવનકાળ છું અને સમગ્રનો અંત છું.’ તેઓ ફરી કહે છે, ‘હું મૂળાક્ષર છું હું અ.. હું અંત વિનાનો સમય છું.’
જિસસ કહે છે કે તે આલ્ફા અને ઓમેગા છે, આરંભ અને અંત છે.
કૃષ્ણ અર્જુનને કહે છેઃ’ આ બાબતે તું ચોક્કસ રહે, જે માનવી મને પ્રેમ કરે છે, તેનો કદી નાશ થશે નહિ.’
જિસસ કહે છેઃ ‘જો તમે મારા દૈવી આદેશો- કમાન્ડમેન્ટ્સ પાળશો, તો મારા પ્રેમને વશ રહેશો.’
કૃષ્ણ પોતાના માટે ‘પરમાત્મા- પ્રકાશને આપનારા, ઉત્તમોમાં પણ ઉત્તમ’ શબ્દપ્રયોગ કરે છે.
જિસસ કહે છેઃ ‘હું વિશ્વનો પ્રકાશ છું.’
કૃષ્ણઃ ‘હું એ શબ્દ છું જે ઈશ્વર છે... અગ્નિનું તેજ છે, સર્વ જીવનોમાં જીવન છે...’
જ્હોન્સ ગોસ્પેલ કહે છે કે જિસસ જ લોગોસ અથવા શબ્દ છે, સાચો પ્રકાશ છે જેમાંથી સર્વનું સર્જન થયું છે.
કૃષ્ણઃ હું વાસ્તવમાં જે છું તેને ઓળખવામાં વિશ્વ નિષ્ફળ રહે છે. હું આ બધાથી અલગ જ ઉભો રહું છું, સર્વોચ્ચ અને અવિનાશી,
જિસસ કહે છેઃ ‘વિશ્વ તને તિરસ્કારતું નથી પણ તે મને તિરસ્કારે છે.’
લેખના અંતમાં જણાવાયું છે કે આજે ધર્મના મીડિયા કવરેજમાં આ પ્રકારના સંદર્ભોની તાતી જરૂરિયાત છે.
સહુને ઈશ્વરના આશીર્વાદ, સુરક્ષિત અને તંદુરસ્ત રહો.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા