મેં સાંભળ્યું છે કે સરકારે ગુજરાતી સહિત વંશીય ભાષાઓ શીખવવા GCSE અને ‘એ’ લેવલ સર્ટિફિકેટ્સ ઈસ્યુ કરતા એક્ઝામિનેશન્સ બોર્ડ્સ રદ કરવા નિર્ણય લીધો છે. તમારા વાચકો સહિત ગુજરાતી ભાષા બોલતા તમામ બ્રિટિશ નાગરિકોએ હવે સક્રિય બનવાનો સમય આવી પહોંચ્યો છે.
આપણે અહીં આવ્યા ત્યારે ખાસ કરીને સંસ્કૃતિ અને ભાષાની જાળવણી અને વૃદ્ધિ માટે જ્ઞાતિ, ગામ અને ધર્મ આધારિત ચેરિટેબલ સોસાયટીઝ અને સંગઠનોની રચના કરી હતી. હવે આ સંસ્થાઓ સમય પારખી વ્યાપક અભિયાન છેડે તે સમય આવી પહોંચ્યો છે. આપણી બીજી પેઢી માટે આપણે આટલું તો કરવું જ રહ્યું.
હું આશા રાખું કે 'ગુજરાત સમાચાર' ફરી એક વખત આ ઉદ્દેશ સાથે આગળ આવશે અને ભૂતકાળમાં હરે કૃષ્ણ મંદિરને બચાવવા કર્યું હતું તેમ માર્ગદર્શન કરશે.
ગુલાબ મિસ્ત્રી, લંડન.
બર્મિંગહામના વિદ્યા પટેલને અભિનંદન!
પ્રથમ બીબીસી યંગ ડાન્સર સ્પર્ધામાં સાઉથ ઈન્ડિયન ડાન્સ કેટેગરીમાં ૧૯ વર્ષીય ફાઈનલિસ્ટ વિદ્યા પટેલને અભિનંદન પાઠવવામાં 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'ના વાચકો મારી સાથે જોડાશે તેની મને ખાતરી છે. ગ્રાન્ડ ફાઈનલ ૨૦૧૫ સેડલર્સ વેલ્સ ખાતે યોજાઈ હતી અને BBC2 દ્વારા ૯ મે, ૨૦૧૫ના રોજ તેનુ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
બેલે, કન્ટેમ્પરરી, હિપ હોપ અને સાઉથ ઈન્ડિયન ડાન્સની ચાર કેટેગરીમાં ફાઈનલ હતી. જજીસ દ્વારા સાઉથ ઈન્ડિયન ડાન્સ કેટેગરીમાં કેટલાંક શ્રેષ્ઠ સ્પર્ધકોમાંથી પણ સર્વશ્રેષ્ઠ બ્રિટિશ પ્રતિભા તરીકે વિદ્યાની પસંદગી કરવામાં આવી હતી. તે ઓવરઓલ વિજેતા ન હોવાં છતાં તેનું પરફોર્મન્સ ઘણું સારું હતું અને તેણે પોતાના ટેક્નિકલ કમાન્ડ, સર્જનાત્મક અને અભિવ્યક્તિની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. તેણે સાતત્ય અને સંપૂર્ણ સમર્પણ સાથે મહેનત કરી હતી તે સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું. ગ્રાન્ડ ફાઈનલના તેના પ્રથમ પરફોર્મન્સ વચ્ચે જ મારી ૨૪ વર્ષીય પૌત્રી સોનલે મને સંદેશો મોકલ્યો હતો કે, ‘તે ઘણી જ અદ્ભૂત છે!’ ખરેખર, અમારા હૃદયમાં તો વિદ્યા જ સાચી વિજેતા હતી!
વિદ્યા, ફરી એક વખત અભિનંદન, આગળ વધતી રહેજે. શ્રેષ્ઠ કારકીર્દિ માટે અમારી શુભેચ્છાઓ તારી સાથે જ છે!
ઉત્તમભાઈ ડી મિસ્ત્રી, બોલ્ટન.
‘સંઘર્ષની કેડી પરથી પ્રગતિ’
દર શુક્રવારે અમારા ઘરના બારણે ટકોરા દેતું અમારું પ્રિય પત્ર ‘ગુજરાત સમાચાર’ આવે છે ત્યારે જાણે કે અમારું કોઈ કુટુંબી, સગા-સહોદર, હિતેચ્છુ કે પ્રેમાળ મિત્ર પધારી અમારી ખબરઅંતર પૂછતું હોય તેવી આત્મિયતાની લાગણી અનુભવાય છે. અમારી એકલતા અમને સાલતી નથી. આખા સપ્તાહ માટે અમારા વિચારોને વાચા મળે છે. ‘ગુજરાત’નો અવાજ વિશ્વમાં રણકતો રહ્યો છે. ગુજરાતનું ગૌરવ અનુભવવા આટલું સુંદર માધ્યમ પ્રાપ્ત થયું છે તે બદલ ‘કર્મયોગ’ કર્તવ્ય ભૂમિના સૌ સેવકો આદરને પાત્ર છે.
આજથી ચુંવાલીસ વર્ષ પહેલાં 'ગુજરાત સમાચાર'ને પ્રકાશિત કરવાની શુભ શરૂઆત થઈ ત્યારના સંજોગો, સમય અને સંઘર્ષ સાથે કાર્યાલયના કેટલા કર્તવ્યનિષ્ઠ કર્મયોગીઓ કૃતનિશ્ચયી બન્યા હશે. વિટંબણાઓ અને પ્રતિકૂળતાઓનો સામનો કર્યો હશે તેની કલ્પના જ કરવી રહી. સમાજની સેવામાં તત્પર રહેતું આપણું સમાચાર પત્ર નૂતન વર્ષમાં પ્રવેશ કરે છે તે સૌ પ્રિય વાંચકો અને શુભેચ્છકોનું સદભાગ્ય કહેવાય. આજે પણ આ અક્ષરરૂપી દેહને સ્વાસ્થ્યમય અને સુશોભિત રાખનાર સમર્થ સાધકોને અમે વંદન કરીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા, શામ્બ સદાશીવે અહર્નીશ પ્રાર્થના કરીએ છીએ કે અમારું 'ગુજરાત સમાચાર' અને સહ સંપાદન 'એશિયન વોઈસ' યાવચંદ્ર દિવાકરૌ (આ સૂર્યચંદ્રનું અસ્તિત્વ છે) ત્યાં સુધી પ્રકાશિત રહે અને પરમાનંદ ફેલાવે. આપણે સૌ કાર્યશીલ ભાઈ-બહેનોને શરીર સૌષ્ઠવ અને દીર્ઘાયુષ પ્રાપ્ત થાઓ તેવી શુભકામના.
તા. રજી મે'ના 'ગુજરાત સમાચાર'માં પ્રખર કવિ શ્રી પંકજ વોરાના કાવ્યત્વનો રસાસ્વાદ કર્યો અને કંઈક સંવેદના અનુભવી. અવિરત વાંચના કરાવતા રહો એ જ અભિલાષા.
નવીન પંડ્યા અને પરિવાર, કેટરીંગ.
ચેરીટીના નામે કૌભાંડ
તાજેતરમાં નેપાળમાં આવેલા ભુકંપનું નામ વટાવીને ફંડફાળો ઉઘરાવનારાઅોનો જાણે કે રાફડો ફાટ્યો. નેપાળ સરકાર અને બ્રિટીશ ડીઝાસ્ટર કમીટીના રાહત ફંડમાં આપણે યથાયોગ્ય દાન જમા કરાવીએ તો તે દાન સીધું જ નેપાળના ભુકંપગ્રસ્ત લોકોને પહોંચશે એની અપણને ખાતરી છે. પરંતું બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી અન્ય સંસ્થાઅોને અપાયેલા દાનની કેટલી રકમ તેમને પહોંચશે તેની મને તો શંકા છે.
આ શંકાનું કારણ પણ એટલું જ છે કે ભૂતકાળમાં આપણી જાણીતી કેટલીક સંસ્થાઅોએ વિવિધ આફતો માટે ફંડ એકત્ર કર્યું હતું પરંતુ તે પૈસા જરૂરતમંદ લોકોને પહોંચ્યા જ નહોતા. મારી તો સૌને એટલી જ નમ્ર વિનંતી કે તમે માણસ અને તેની છબી જોઇને દાન કરજો.
- દિલીપ પટેલ, વેમ્બલી.
સુપાત્રને દાન
હમણાં નેપાળમાં ભુકંપ આવ્યો ત્યારે ઘણા લોકો તેમજ સંસ્થાઅો દ્વારા ફંડફાળો ઉઘરાવવા માટે અપીલ કરાઇ ત્યારે મને જુનો વિવાદ યાદ આવી ગયો.
આવી જ એક કુદરતી હોનારત વખતે લંડન બહારના એક રેડિયો સ્ટેશન દ્વારા પણ રાહત ફંડના નામે પૈસા ઉઘરાવાયા હતા. પરંતુ તે ફંડની રકમ જેને જરૂર હતી તેને જ પહોંચી ન હોવાથી તે બાબતે વિવાદ સર્જાયો હતો. એ વિવાદનો શો ઉકેલ આવ્યો તેની કોઇ જ મહિતી નથી. તે પૈસા પહોંચ્યા કે નહિં? જરા તપાસ કરીને તેનો અહેવાલ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં છાપવા માટે વિનંતી.
- રસીકભાઇ લાખાણી. હેરો
સંસ્થાઅોની કામગીરી
થોડા સમય પહેલા શ્રી સીબીએ તેમની 'જીવંત પંથ' કોલમમાં સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીની મીટીંગમાં સંસ્થાના બે અગ્રણીઅોની તકરાર અને પછી પોલીસ કેસ થયો હોવાની જાણકારી આપી હતી. પરંતુ એ પોલીસ કેસની વાત કેટલે પહોંચી તે આપે જણાવ્યું નથી. સમય મળે ત્યારે તેની માહિતી આપજો. મને સવાલ એ થાય છે કે આ બધી સંસ્થાઅો દ્વારા તેમના નામ મુજબ વર્ષના એકાદ બે કાર્યક્રમો સીવાય કઇ કઇ કામગીરી થાય છે?
મને ખરેખર આ સંસ્થાઅો દ્વારા કરવામાં આવતી કામગીરી વિષે જાણવામાં રસ છે. હું ઇચ્છું છું કે તેઅો તેમની સંસ્થાના નામ અને આ દેશની જરૂર મુજબ કામ કરે અને જો કામ ન કરવા હોય તો નવા માણસોને તક આપે અથવા તો સંસ્થાને વિખેરી નાંખે. બાકી સમય પસાર કરવાથી કાંદા નહિં વળે.
સતીષભાઇ શાહ, ફિંચલી.
એશિયન ચેરીટી ક્લેરીટી
થોડા સમય પહેલામાં 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં 'એશિયન ચેરીટી ક્લેરીટી' વેબસાઇટ વિષે સમાચાર વાંચ્યા હતા. યુવાન શ્રી પ્રતિક દત્તાણી, આપણા સમાજના અગ્રણી શ્રી સુભાષભાઇ ઠકરાર, શ્રી અલ્પેશભાઇ પટેલ તેમજ અન્ય અગ્રણીઅો દ્વારા તૈયાર કરાયેલ આ વેબસાઇટ વિષે ખૂબજ સુંદર માહિતી રજૂ કરાઇ હતી.
તમારે કઇ સંસ્થાને દાન કરવું જોઇએ, વિવિધ ચેરીટી સંસ્થાઅો પોતાના હિસાબો ચેરીટી કમિશનમાં જમા કરાવે છે કે કેમ? જે તે સંસ્થાની કામગીરી વગેરેની તપાસ કરી જે તે સંસ્થાને 'સ્ટાર્સ' આપનાર વેબસાઇટ દ્વારા ખરેખર આપણી ચેરિટી સંસ્થાોની કામગીરીની સ્વતંત્ર મુલવણી થાય છે. પરંતુ શું આપણી બધી સંસ્થાઅો આ 'એશિયન ચેરિટી ક્લેરીટી'ની જરુરી માહિતી આપે છે ખરી? મને હવે અહિં શંકા અને ચિંતા થાય છે કે જે સંસ્થાઅો અને તેના હોદ્દેદારો ચેરિટી કમિશનને હિસાબો આપતા ન હોય તેઅો શું ધુળ એશિયન ચેરિટી ક્લેરીટી જેવી સંસ્થાઅોને બધી માહિતી આપશે?
પણ સો ટચના સોના જેવી વાત એ છે કે 'એશિયન ચેરિટી ક્લેરીટી' જેવી સ્વતંત્ર અને નિષ્પક્ષ સંસ્થાની માન્યતા મેળવનાર સંસ્થાને પોતાની શાખના જોરે ધાર્યા કરતા વધું દાન અને ભંડોળ મળશે અને બદનામ હશે તેને રાતી પાઇ પણ નહિં મળે.
રશ્મિન મહેતા, વેમ્બલી.
ડાયરેક્ટ ફ્્લાઇટની માંગણી
આપણી ડાયરકે્ટ ફલ્ાઇટની માંગણી સામે ભારતના નાગરીક ઉડ્યન મંત્રીએ કરેલા બફાટ અને ઉધ્ધતાઇ સામે કેટલાય વાચકોએ વિરોધ કરીને પોતાનો મત રજૂ કર્યો હતો. વાચકોની પારાવાર દુ:ખની લાગણી જોઇને દિલમાં ભારે વલોપાત સર્જાય છે.
મેં તે સમયે વાંચ્યું હતું કે ભાઇ શ્રી મનોજભાઇ લાડવાએ જણાવ્યું હતું કે 'ચુંટણી પતી જાય પછી નવી સરકાર જરૂર આપણી ફરિયાદ સાંભળશે અને ડાયરેક્ટ ફ્લાઇટ માટે ઘટતું કરશે. ભારતની ચૂંટણી પતે એક વર્ષ અને બ્રિટનની ચુંટણી પતે એક સપ્તાહ થઇ ગયું પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી.
પણ ભલા માણસ સરકાર તો રચાઇ ગઇ હવે કોની રાહ જુઅો છો. સરકાર માટે સામાન્ય ગણાતું અને પ્રજા માટે ખૂબજ અગત્યતા ધરાવતું કામ સરકાર હવે નહિં કરે તો લોકોનો વિશ્વાસ ઉઠી જતા વાર નહિં લાગે. આપણે તો તેમને એક જ દિવસ માટે અમદાવાદ લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ઉડાડવા વિનંતી કરીએ છીએ. પણ તેમને તો એ પણ નથી કરવું. મને તો લાગે છે કે જેમ દુર્યોધન સોયની અણી જેટલી જમીન પણ આપવા તૈયાર નહોતો તેમ ભારત સરકાર અને એર ઇન્ડિયા અઠવાડીયાની એક ફ્લાઇટ પણ આપવા તત્પર નથી. લાગે છે કે હવે ધર્મ યુધ્ધ આદરવું પડશે.
રમેશ જુઠાણી, હેરો.
૦૦૦૦૦૦૦
ખેડુતો નરેન્દ્રભાઇ મોદીને સમજે
ભારતના સંસદમાં કોગ્રેસના રાહુલ ગાંધીએ જે પ્રવચન આપ્યુ તે પ્રભાવશાળી હતું નહી, પ્રરંતુ પ્રજાને ગેરમાર્ગે દોરનારૂ હતુ. જયારે ભારતના રાજકારણી,પત્રકાર કે પ્રજા અપરિપકવ બને ત્યારે દેશને માત્ર નુકશાન જ જાય છે.
આજનો ભૂમિ અધિગ્રહણનો કાયદો જો ૪૦ વરસ પહેલા હોત તો સરદાર સરોવર નર્મદા ડેમ કદાચ આજથી ૨૦ વરસ પહેલા થઈ ચુકયો હોત. આ ડેમમાં લાખો ખેડુતોની જમીન ગઈ છે અને તેને એક બલીદાન જ સમજવુ રહ્યુ. જો બુલેટ ટ્રેન, ડેમો, નવા સ્માર્ટ શહેરો ભારતને જોઈતા હોય તો જમીન ભુમિ અધિગ્રહણનો કાયદો જરૂરી છે. કોર્ટની વિલંબ નીતિની જે નબળાઇ છે તેનો વકિલો દ્વારા ભયંકર ગેરફાયદો ઉઠાવવામાં આવે છે. જેમ ડાયાબીટીઝ વાળાએ ખાંડ લેવાથી ગેરફાયદો છે તેવો જ ગેરફાયદો કોર્ટના અમુક કાળા કાયદાઓથી છે, ત્યારે આજના ભુમિ અધિગ્રહણનો કાયદો જરૂરી છે. એક દેશ ભકત અને એક દેશ દ્રોહી જે નિર્ણય કરે તેમા જમીન આસમાનનો તફાવત હોય છે.
આજે સુરતમા સૌરાષ્ટ્ર ના ખેડુતો કેમ આવ્યા? વેપારી કેમ થયા? ખેડુતોના પરિવાર વધે છે, જમીન વધતી નથી.. આજે ભારતને ઉધોગો પણ જોઇશે અને તે 'મેક ઇન ઇન્ડિયા'થી વધુ શકય છે. ભારતના ઝડપી વિકાસમાં કોર્ટના અમુક કાયદા 'સ્વાઇન ફ્લુ' જેવા છે. તેના સામે અગાઉથી રક્ષણ મેળવવુ ખૂબ જરૂરી છે.
નરેન્દ્રભાઈ એ 'મન કી બાત' રેડીયો પોગ્રામમાં વ્યવસ્થિત વાત કરી જ છે, જેનો રાહુલજીએ કોઇ ઉલ્લેખ કર્યો નથી. રાહુલને તેમની બાજુમાં બેઠેલા સિંધીયાજી જ મદદ કરતા જણાયા હતા. નવા ઉધોગો લાવવા સિવાય ભારત પાસે કોઇ ચારો નથી.. રાહુલજીના પ્રવચનમાં મોદીનો વિરોધ જરૂર હતો પરંતુ ભારતના ભવિષ્યની ચિતા ન હતી. મોદી સરકારે અમુક બાબતમાં કડક થવુ પડશે અને તે થશે જ. પોતાનુ ધાર્યુ કરવામાં તેઓ સરની તીડી છે. ભારતને તંદુરસ્ત અને સમૃધ્ધ રાખવાની બાજી જીતવી જરૂરી છે.
વિનુ સચાણીયા, લંડન
00000000
થૈંક યુ 'ગુજરાત સમાચાર'
'ગુજરાત સમાચાર' તમને કેટલો ફાયદો કરાવી આપે છે તે અંગે આજે દિલ ખોલીને એક વાત કહેવા માંગું છું. એક ફાઇનાન્સીયલ એડવાઇઝર તરીકે મેં આખી જીંદગી કામ કર્યું અને તેમાંથી નિવૃત્તી લીધા બાદ છેલ્લા બારેક વર્ષથી હું વિલ રાઇટીંગનું કામ કરી રહ્યો છું. હું 'ગુજરાત સમાચાર'માં ખૂબ જ નાની કહી શકાય તેવી બે જાહેરાત દર મહિને આપું છું. તમને જાણીને આનંદ થશે કે મને થોડીક રકમ ખર્ચીને કરાતી આ જાહેરાતને લીધે મારૂ કામ તો નીકળી જ જાય છે. સાથે સાથે સરસ ફાયદો થાય છે અને દરેક વખતે નવા ક્લાયન્ટ મળે છે.
મને અમુક ક્લાયન્ટ તો એવા મળ્યા હતા કે જેમને કાયદાની આંટીઘુંટીથી ડર લાગતો હતો. તેમને મેં ગુજરાતીમાં વિલ અંગે બધી સમજ આપી હતી. આ ઉપરાંત લોકોએ મારા વિષે એકબીજાને રેફરન્સ પણ ખૂબજ આપ્યા હતા. સાચુ કહું તો મને 'ગુજરાત સમાચાર'ની જાહેરાતના કારણે જ લોકો વધુ અોળખતા થયા છે.
આ બધા માટે થૈંક યુ 'ગુજરાત સમાચાર'.
મનુભાઇ ઠક્કર, ગ્રીનફર્ડ.
0000000૦૦૦૦૦૦૦૦૦
માનવતાની મહેંક
'ગુજરાત સમાચાર' અને 'ગુજરાત હિન્દુ સોસાયટી' દ્વારા તા. ૧૨ના રોજ ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના આંગણે ૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોના સન્માનનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો. વડિલો પ્રત્યેનો આપનો આદરભાવ પ્રસંશાને પાત્ર ગણાય. પ્રેક્ષકગણ પણ આપની આંખના અમીને દ્રષ્ટિગોચર કરી ગદ્ગદ થયાં હતાં. આપની ટીમે માનવતાની જે મહેંક ફેલાવી છે એ ધન્યવાદને પાત્ર ગણાય. કમલભાઈએ સાચું જ કહ્યું છે કે 'ભલે ભગવાનની ભક્તિ કરો, પરંતુ એથી વિશેષ મા-બાપની સેવા કરવી અતિ ઉત્તમ છે.' કાર્યકર્તાઓને પણ એમની કક્ષા અનુસાર ઋણ અદા કરવાની સમજ આપી. પરંતુ આપશ્રી તો એનાથી પણ આગળ વધી ગયા. ‘કહેવા કરતાં કરવું ભલું’. £૧૦૦૧નું માતબર દાન આપી માનવતાના કાર્યનું સુંદર દ્રષ્ટાંત આપ્યું. જેમનું સન્માન થયું હતું તેમના પરિવારજનો અને સંતાનોએ પણ આવા કાર્યક્રમો માટે સ્પોન્સરશીપ કરવી જોઇએ અથવા તો આવા સારા કામો પાછળ આર્થિક અનુદાન આપવું જોઇએ.
- મોહનભાઈ પી. પરમાર, પ્રેસ્ટન
૦૦૦૦૦૦
માતા-પિતાની સેવા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં મહિલાઓ સુખી છે તેનું કારણ એ છે કે તેમનાં ઘરમાં સાસુ નથી. આવો જોક્સ વાંચવા મળ્યો (ગુજરાત સમાચાર તા. ૨૧ માર્ચ). પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સિરિયલમાં ભલે કોઈનાં ઘરમાં સાસુ ન હોય તો પણ દયાભાભીનાં ઘરમાં તેમના વિધૂર સસરા ચંપકલાલની હયાતી છે. હાલમાં આવતી ટીવી સિરિયલોમાં આ એક ટીવી સિરિયલ છે કે જેનો સામાજિક ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત કરાવતી સિરિયલ કહી શકીએ.
આ સિરિયલના આધારસ્તંભ જેવા ચંપકદાદા ગોકુલધામ સોસાયટીના આદરણીય મોભી છે અને આ મોભી ચંપકદાદા એક હાલતી ચાલતી નિશાળ છે. જે અહીંના નાના કે મોટા સંતાનોને સત્ય, પ્રેમ, સુસંસ્કાર અને ભારતી પરંપરાના જતન કરવાના પાઠ શીખવતા રહે છે કે જે દુનિયાની કોઈ વિદ્યાપીઠ શીખવી શકતી નથી.
દયાભાભી વિધુર સસરાનું આદર-સન્માન સાથે ધ્યાન રાખે છે કે ચંપકદાદાને જેઠિયાની માની યાદ આવવા દેતા નથી. તો જેઠાભાઈ પણ બાપુજીને જરાપણ ઓછું ન આવી જાય તેની કાળજી રાખતા રહેતા હોય છે. આવા અનેક ભાવભીનાં દ્રશ્યો જોઈને ઘણીવાર તો મારી આંખના ખૂણાં ભીનાં થઈ જાય છે અને મનમાં વિચાર આવે છે કે કાશ દરેક ઘરમાં દીકરાઓમાં એક જેઠીયો હોય, અને પુત્રવધૂઓમાં એક દયાભાભી જેવી પુત્રવધૂ હોય તો વૃદ્ધોની થતી અવગણનાઓ ખુશીથી અંત આવી જાય અને એક દિવસ એવો આવે કે આપણે સમાજના કલંક જેવા વૃદ્ધાશ્રમને બંધ કરી દેવા પડે.
જ્યાં જ્યાં જે ઘરમાં સંતાન સતત માતા-પિતાને ઝંખે છે તે ઘરમાં આજે પણ સતયુગ ચાલે છે. જે ઘરમાં ભક્તિભાવે માતા-પિતાની સેવા થતી હોય એવા ઘરને મારા શત શત નમન.
- નવનીત ફટાણિયા, હેનવેલ
૦૦૦૦૦૦૦૦૦૦0000000000000
‘ગુજરાત સમાચાર’ને વધામણા
સતત ચાર દાયકાથી પરદેશમાં વસતા ગુજરાતીઓને ઘર બેઠાં વિપૂલ વાંચન પીરસી ગુજરાતી ભાષાની ગરિમાને અસ્મિતા જાળવી રાખનાર ‘ગુજરાત સમાચાર’ને સૌ સુજ્ઞ વાચકો તરફથી એના જન્મદિને અંતરના વધામણાં. આગામી વર્ષો સુધી આપના સાપ્તાહિકોની પ્રગતિકૂચ સદૈવ ચાલુ રહે એ જ શુભેચ્છા. ‘ગુજરાત સમાચાર, એશિયન વોઈસ’ના સર્વે પરિવારજનોને એમની કાર્યદક્ષતા માટે અભિનંદન.
- દિલીપ ચૌબલ, હેરો.
00000
વડીલ સન્માનનું ઉમદા કામ ઉપાડી લો
'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દ્વારા તા. ૧૨મી એપ્રિલ ૨૦૧૫ના રવિવારે પ્રેસ્ટન સનાતન મંદિરમાં ૮૦ વર્ષના ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું. ૮૦ વર્ષના ઉપરના વડીલોને વધુ સ્ટેટ પેન્શન મળે અને પેન્શન ક્રેડીટ, બચત પેન્શન ક્રેડીટ અને બીજા બેનીફીટ્સ મળે તેને લગતી માહિતી આપવા નમ્ર વિનંતી છે.
આપ સૌએ લંડનમાં ત્રણ અને લેસ્ટરમાં વડિલ સન્માનનો એક કાર્યક્રમ મળી કુલ પાંચ કાર્યક્રમો કર્યા તે અભિનંદનને પાત્ર છે. આપ ખરેખર સમાજે કરવા જેવું ઉત્તમ સેવા કાર્ય કરો છો. મારી સૌ અગ્રણીઅોને નમ્ર વિનંતી કે આવા બહુમાન સમારંભ આપણા મંદિરો અને સમાજના સંગઠનો કે મંડળો દ્વારા કરવા જોઇએ. તેઅો સૌ આ ઉમદા કામ ઉપાડી લે તો કેવું સારું? જો આપણા સમાજ, મંદિરો કે એવી બીજી સંસ્થાઓ આવા સન્માનના કામ કરતા થાય તો નાના બાળકો, યુવાન-યુવતીઓને સારા સંસ્કાર મળશે અને તેમનું વર્તન સારૂ થશે અને વડીલો તરફનો પૂજ્ય ભાવ ઉભો થશે. જેમણે મા-બાપ નથી જોયાં તેઓને આ વડીલો પરત્વે જીવંત ભગવાનની સેવા, પૂજ્ય ભાવ અને સદકાર્યની પૂર્તિ કરવાની તક મળી રહેશે. નવી પેઢીને આ વારસો મળે ને બીજા સમાજો અન્ય જગતના સ્ત્રી-પુરૂષો એક બીજાને મળતા થશે તો સુંદર સમાજની રચના થશે અને એક કુટુંબની ખરા ધર્મની ભાવના વિક્સિત થશે. વસુધૈવ કુટુંબકમ્
- છોટાલાલ પટેલ (CM), લેસ્ટર
૦૦૦૦૦૦૦૦
ટપાલમાંથી તારવેલુ:
લેસ્ટરથી શ્રી એમ.સી. વિઠલાણી (૯૨ વર્ષ) જણાવે છે કે તમે કોઇ જ જાતની લાગવગ, ભેદભાવ કે લાભની અપેક્ષા વગર ૮૨ વર્ષ ઉપરની વયના વડિલોનું સન્માન કરો છો તે અભિનંદનને પાત્ર છે. તમે ખૂબ જ હેતપુર્વક સૌના જમવાથી માંડીને સન્માન કરવા સુધીનું આ કાર્ય કરો છો અને તે બદલ વડિલોના અંતરના આશિર્વાદ જરૂર મળશે.
000000