'ગુજરાત સમાચાર'ની પ્રશંસા માટે શબ્દો નથી. આપ સૌ ઘણાં સામાજિક કાર્યો કરો છો. વડીલોનું સન્માન તેમાં શ્રેષ્ઠ છે. ૮૦ કે તેથી ઉપરના વડીલોને તેમની હાજરી કેટલી મહત્ત્વની છે તેનો અહેસાસ આ સન્માન કરાવે છે. તેમના જીવનમા અનેક મુશ્કેલીઓ પાર કરીને તેઓ ૮૦ વર્ષ કે તેનાથી વધારે ઉંમરે પહોંચ્યા છે તેમાંના અનેક લોકો હજી પ્રવૃત્તિમય જીવન જીવતા હશે. વડીલોમાં આ એવોર્ડ નવો જાન ફૂંકે છે. જીવવા માટે ઓક્સીજન પૂરે છે. યુવા પેઢીને પણ વડીલોનું મહત્ત્વ સમજાય છે. આ લોકોમાં ઘણા વડીલોની જીવનકથા રોચક-રસપ્રદ હશે. વડીલોને મારા પ્રણામ.
હરિભાઈ દેસાઈનું શું કરવું? તેની પાસે બીજો વિષય નથી. ફક્ત આરએસએસ અને હિન્દુ ધર્મ વિશે જ લખે છે. અત્યારે દુનિયા ૨૧મી સદીમાં પહોંચી ગઈ છે. યુવા પેઢી નવી નવી શોધો કરે છે, તેમના નિર્માણ વગેરેના સંઘર્ષની કથા રજૂ કરો. રાહુલ ગાંધી ક્યાં પલાયન થયા છે? કેજરીવાલ શું કરે છે? વગેરે અનેક વિષયો છે. અરે ભાઈ! વિષય બદલો.
હું માનું છું કે હિન્દુ ધર્મમાં અનેક સડા હતા. સતી પ્રથા, વિધવા પુનઃ વિવાહ, અંધશ્રદ્ધા, છૂતાછૂત, જ્ઞાતિ બહાર મૂકવાની પ્રથા, સવર્ણની બીજી જાતિ સાથેનો વ્યવહાર વગેરે. એક વાર ધર્મપરિવર્તન પછી પાછા હિન્દુ ધર્મમાં સ્વીકારવામાં નહોતા આવતા. એટલે તો માછલીનો ધંધો કરતા મહંમદ અલી જીણાના દાદા-દાદી ચુસ્ત 'હવેલી પંથી' હોવા છતાં તેમને માછલીનો ધંધો કરતા હોવાથી નાત બહાર મૂક્યા હતા. એકવાર મુસ્લિમ ધર્મ અપનાવ્યા બાદ તેમને ફરી હિન્દુ ધર્મ અપનાવવો હતો, પણ ધર્મના ઠેકેદારોએ તેમને તેના માટે બીજો જન્મ લેવો પડે એમ કહીને નકાર્યા હતા. (દિનકર જોશી લિખિત ‘પ્રતિનાયક’માંથી)
પણ એક સાચો હિન્દુ જ હિન્દુ ધર્મ વિશે જાણે છે એમ નથી. હિન્દુ ધર્મ ઘણો વિશાળ છે. તે કોઈને પૈસાથી કે દબાણથી ધર્મ પરિવર્તન નથી કરાવતો. તેથી જ તો 'ઇસ્કોન'માં અનેક જાતિના લોકો માને છે, કૃષ્ણને ભજે છે. ગીતાજીને મેનેજમેન્ટમાં અનેક જગ્યાએ ભણાવવામાં આવે છે. ધર્મ ગમે તે પાળો - માનવ ધર્મ શ્રેષ્ઠ છે. પશુ, પંખી, મનુષ્ય દરેકમાં દરેક જગ્યાએ ઈશ્વરને જુઓ અને ખોટું કામ ન કરો પ્રામાણિકતાથી જીવો એ જ મહાન ધર્મ છે.
- નયના નકુમ, સાઉથ હેરો
૦૦૦૦૦૦
વડીલ સન્માનનું ઉમદા કામ ઉપાડી લો
'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દ્વારા તા. ૧૨મી એપ્રિલ ૨૦૧૫ના રવિવારે પ્રેસ્ટન સનાતન મંદિરમાં ૮૦ વર્ષના ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું. ૮૦ વર્ષના ઉપરના વડીલોને વધુ સ્ટેટ પેન્શન મળે અને પેન્શન ક્રેડીટ, બચત પેન્શન ક્રેડીટ અને બીજા બેનીફીટ્સ મળે તેને લગતી માહિતી આપવા નમ્ર વિનંતી છે.
આપ સૌએ લંડનમાં ત્રણ અને લેસ્ટરમાં વડિલ સન્માનનો એક કાર્યક્રમ મળી કુલ પાંચ કાર્યક્રમો કર્યા તે અભિનંદનને પાત્ર છે. આપ ખરેખર સમાજે કરવા જેવું ઉત્તમ સેવા કાર્ય કરો છો. મારી સૌ અગ્રણીઅોને નમ્ર વિનંતી કે આવા બહુમાન સમારંભ આપણા મંદિરો અને સમાજના સંગઠનો કે મંડળો દ્વારા કરવા જોઇએ. તેઅો સૌ આ ઉમદા કામ ઉપાડી લે તો કેવું સારું? જો આપણા સમાજ, મંદિરો કે એવી બીજી સંસ્થાઓ આવા સન્માનના કામ કરતા થાય તો નાના બાળકો, યુવાન-યુવતીઓને સારા સંસ્કાર મળશે અને તેમનું વર્તન સારૂ થશે અને વડીલો તરફનો પૂજ્ય ભાવ ઉભો થશે. જેમણે મા-બાપ નથી જોયાં તેઓને આ વડીલો પરત્વે જીવંત ભગવાનની સેવા, પૂજ્ય ભાવ અને સદકાર્યની પૂર્તિ કરવાની તક મળી રહેશે. નવી પેઢીને આ વારસો મળે ને બીજા સમાજો અન્ય જગતના સ્ત્રી-પુરૂષો એક બીજાને મળતા થશે તો સુંદર સમાજની રચના થશે અને એક કુટુંબની ખરા ધર્મની ભાવના વિક્સિત થશે.
વસુધૈવ કુટુંબકમ્
- છોટાલાલ પટેલ (CM), લેસ્ટર
00000000
વિશ્વના સર્જનહાર
આ જગતનાં સર્જનહારે માનવીનું સર્જન કરીને આપણા પર અનેકગણી કૃપા કરી છે. ભગવાને માનવને બનાવ્યાં, માનવ શરીર આપ્યું. આ માનવ શરીરને હાલતું-ચાલતું ચેતનવંતુ રાખવા શરીરમાં અનેકવિધ અવયવો એના યોગ્ય સ્થાને શોભે એમ સજાવ્યાં. આંખ, કાન, નાક, મોઢું, મસ્તક, દાંત-જીભ, મગજ, ફેફસાં, હૃદય હાથ અને પગ એમ બધું જ એના યોગ્ય સ્થાને શોભે એમ માનવીનાં શરીરને દિવ્ય અને શોભાયમાન બનાવ્યું. જુદા જુદા પ્રકારના ચહેરાવાળા માનવી સર્જ્યા. જોવા માટે આંખો, સાંભળવા માટે કાન, ચાવવા માટે દાંત, સ્વાદ અને બોલવા માટે જીભ આપી. વિચારવા અને જીવનની પ્રવૃત્તિ માટે મન અને બુદ્ધિ આપ્યાં. અન્ન પચાવવા પેટ આપ્યું. કામ કરવા માટે હાથ-પગ આપ્યાં. રક્ત, માંસ, ચામડાં અને હાડકાંથી સજ્જ હાડપિંજર સમાન શરીરમાં ‘હૃદય’ મૂકી ચેતનવતું, જીવતું-જાગતું માનવ શરીર બનાવ્યું. આ બધા અવયવોમાં હૃદય જ શ્રેષ્ઠ અવયવ છે. હૃદય, હરહંમેશ, રાતદિવસ અવિરતપણે ચોવીસે કલાક ધબકતું રહે છે. જ્યારે એ બંધ પડી જશે ત્યારે શરીરમાંથી ચેતનરૂપી આત્મા ચાલ્યો જશે અને શરીર અચેતન અવસ્થામાં આવી પડશે. પ્રભુએ આપેલું આ હદય એના સમય પ્રમાણે જીંદગી પૂરી થતાં બંધ પડી જાય છે. આ જગતનાં સર્જનહારની આ કેવી અદભૂત લીલા કહેવાય!!!
‘ત્રણ વાનાં મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ,
બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માંગવું.’
હે પ્રભુ તે મને હૈયું આપ્યું, તે મને મસ્તક આપ્યું. તે મને હાથ આપ્યાં તે મને બહુ દઈ દીધું. હવે ચોથાની જરૂર જ નથી. આ હાથનો સંબંધ સત્ સાથે છે. માથું, બુદ્ધિ, વિચારનો સંબંધ ચિત્ત સાથે છે. અને હૈયું એનો સંબંધ લાગણી સાથે છે.
- રતિલાલ ટેલર, સાઉથ ગેટ
000000૦૦૦૦૦૦૦૦
ધર્મ અને રાજકારણ
ધાર્મિક સંપ્રદાયની આલમમાં જેટલો ભ્રષ્ટાચાર અને લાંચ રુશ્વત છે એટલો બીજે ક્યાંય જોવા મળતો નથી. સંપ્રદાય અને ધર્મના નામે મારધાડ, ખૂનામરકી અને જનસંહાર જેવા અનિષ્ટોએ હદ વટાવી છે. દુનિયામાં આજે ક્યાંય શાંતિ અને સુરક્ષા પ્રવર્તી હોય એમ પૂરવાર કરી શકાય તેમ નથી. આમ છતાંય કેટલાય આગળ પડતા દેશોમાં જ્યાં રાજકારણમાં ધર્મની નહિંવત દખલગીરી છે ત્યાં જ નીતિ, શિસ્ત અને પ્રગતિ પાંગરતી જોવા મળે છે. બાકીના અનેક દેશોમાં જ્યાં રાજકારણમાં, અર્ધસંપૂર્ણ કે સંપૂર્ણ ધર્મનો પગપેસારો છે ત્યાં આવાં અધમ કૃત્યો સૌથી વધુ જોવા મળે છે.
જે પ્રજાઓ, જર્જરીત જૂની પુરાણી માન્યતાઓ સાથે રૂઢિઓને, આધુનિક પરિસ્થિતિ સાથે સરખાવી સુમેળથી બાંધછોડ કરીને બદલાવી શકતી નથી તે સર્વ પ્રગતિ પંથમાં ઊણી ઊતરેલી અને પછાત જોવા મળે છે. આટલેથી વાત અટકતી નથી, જ્યાં ધર્મશાસન ચાલે છે, ત્યાં 'મારું સાચું અને બાકી બકવાસ' એવી પોકળ માન્યતાની ગ્રંથીથી પીડાતી પ્રજા, સંકુચિત માનસ ધરાવતી થઈ જાય છે અને સંપૂર્ણ અને સ્થાયી લોકશાહી સ્થાપી શકતી નથી અને સ્થપાય તો કદીયે લાંબા ગાળા સુધી ટકતી નથી.
આજની દુનિયામાં પ્રજાને ત્રણ ભાગમાં વહેંચી શકાચ, એક કે જ્યાં જ્ઞાન વિજ્ઞાન અને વિચારોનું વર્ચસ્વ છે તેમજ મહદઅંશે ધાર્મિક સહિષ્ણુતા અને સમભાવ છે. બીજું, જ્યાં વહેમ, અંધશ્રદ્ધા, અજ્ઞાન અને સંકુચિત માનસ ધરાવતી પ્રજા રાજકારણમાં ધર્મને અગત્યતા આપે છે. જ્યારે ત્રીજા ભાગમાં નહીં દૂધમાં કે નહીં દહીંમાં જેવા અનિશ્ચિત રાજકારણમાં ધર્મની અસહિષ્ણુતા પીડાઈને, ઘેટાંના ટોળાની માફક બીજી કક્ષાની પ્રજાને પોતાના ધર્મોમાં યેનકેન પ્રકારે ભેળવી દેવાની હિંસક અને ઘાતક પ્રવૃત્તિઓની હોડ ચલાવી રહી છે.
આમ, ધર્મને રાજકારણમાં પ્રવેશ આપતી પ્રજા વગર વિચાર્યે, અંધાધૂધી અને ઊડઝૂડ કત્લેઆમની પરિસ્થિતિમાં જ જીવતી હોય છે. આવી વિકટ પરિસ્થિતિનો અંત આવે એવા એંધાણ દેખાતાં નથી. કદાચ, બધાય ધર્મોને એકત્રિત કરીને સર્વમાન્ય ‘માનવ ધર્મ’ સ્થપાય તો શાંતિ અને સુરક્ષાથી પૃથ્વીની માનવજાત જીવી શકશે એ આશા માત્ર છે
ડો. નગીનભાઈ પટેલ, લંડન.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
તલવારની ધારે ધર્મપરિવર્તન?
હિન્દુસ્તાનની ધરતી ઉપર જ્યારે મોગલ રાજ હતું ત્યારે તેમણે ઘણાં ખરાં હિન્દુઓને તલવારની ધાર પર બળજબરીથી મુસલમાન બનાવ્યા હતા. તે વખતે મહારાષ્ટ્રમાં જીજાબાઈએ પોતાના બાળકને ગર્ભમાં, ધાવણમાં અને હાલરડામાં કસુંબીનો રંગ પીવડાવ્યો હતો. તે હતા શિવાજી. એક ખૂબજ જાણીતી ઉક્તિ છે કે 'કાશી કી કલા જાતી, મથુરા મસ્જીદ હોતી, અગર શિવાજી ન હોતે તો સુન્નત હોતી સબકી. હિન્દુસ્તાન - હિન્દુસ્તાન ન રહત. તેનો નક્શો કોઈ ઔર હોત. શિવાજી, ગોવિંદ સિંહ, રાણા પ્રતાપ જેવા કેટલાય વીરરત્નોએ મુગલોની સામે ટક્કર ઝીલી હિન્દુસ્તાનની હિન્દુત્વની જ્યોતને કાયમ જલતી રાખી છે.
મુગલ પછી બ્રિટિશ રાજ આવ્યું અને તેઓ મીશનરીઓને લાવ્યા. જેમણે દેશની ગરીબીનો લાભ ઊઠાવી ગરીબોને બધી સુવિધાઓ આપી, કેટલાયને ક્રિશ્ચિયન બનાવ્યા. હવે કેટલાક દાયકાથી ભ્રષ્ટાચારી નેતાઓ કાળું ધન ભેગું કરી પરદેશ મોકલીને હિન્દુસ્તાનની ગરીબી વધારી રહ્યા છે.
હમણાં આગ્રામાં અને બીજી જગ્યાએ ધર્મ પરિવર્તન થયું. ટી.વી. કે છાપામાં અસંખ્ય લોકોએ જોયું કે જેમના દાદા-પરદાદા હિન્દુ હતા એવા મુસલમાનો અને ક્રિશ્ચિયનોએ ખુશીથી, શાંતિથી કોઇ ભય વગર પવિત્ર હવન કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો. કોઈના માથા ઉપર બંદૂક કે ગરદન ઉપર તલવાર કોઈએ જોઈ? તો પછી આજે વિરોધ પક્ષના નેતાઓ (જેઅો હિન્દુ છે) કેમ વાંધો લઈને પાણીમાં પોરા કાઢે છે? 'ફ્રીડમ ઓફ વરશીપ' તો હિન્દુસ્તાનમાં જ છે. આ ધર્મ પરિવર્તન કોઈ જબરદસ્તીથી કરાવાયું નથી.
- સુધા રસિક ભટ્ટ, બેનસન