તંત્રીશ્રી, આપના ‘ગુજરાત સમાચાર’ના દૈદીપ્યમાન દીપોત્સવી અંક માટે તો ‘તમારી વાત’માં ઘણું લખાઇ ગયું છે તે હું જાણું છું. પરંતુ આ નયનરમ્ય અંક વાંચ્યા પછી હું પણ મારી લાગણી વ્યક્ત કર્યા વગર રહી શકતી નથી. અનાહિતા હૂઝની એકેડેમિક સફર સહુને પ્રોત્સાહિત કરી શકે. ખાસ કરીને આજની અનાહિતાની ઉંમરની પેઢીને. અત્યંત પ્રેરણાદાયક લેખમાં જૈનધર્મ વિશેની જાણકારી અને તેના અભ્યાસ માટે જે સ્થળોની મુલાકાતો લીધી, સાથે સાથે ભાષાઓ શીખવાની તેમની તમન્ના અને ખાસિયતો ઉડીને આંખે વળગે છે. સમગ્ર અભ્યાસ દરમિયાન તેણીએ ભારતના વિવિધ પ્રાંતોની મુલાકાતની સાથે સાથે એ પ્રાંતોની વિશેષતા - ખાસિયત – કળા સાથે ઉત્સવોમાં સામેલ થવાની ધગશ અને તેના વિશે જાણવાની જિજ્ઞાસા પ્રશંસનીય છે. ખરેખર આ બાળાની મીઠી ઈર્ષ્યા આવે છે એમ કહું તો પણ ખોટું નથી. તેના માટે ઇશ્વરને પ્રાર્થના કે હજુ તે જીવનમાં ખૂબ જ આગળ વધે, પ્રગતિ કરે.
લોર્ડ કરણ બિલિમોરિયા અને ઈન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ પારસી કોમ્યુનિટી માટે જે કહ્યું છે તે એકસો એક ટકાથી પણ સત્ય છે. એમણે કહ્યું કે હજુ સુધી હું કોઈ પણ ખરાબ પારસીને મળ્યો નથી. નિખાલસતા - સરળતાનો જાણે પારસી લોકોએ જ ઈજારો લીધો છે. મારા અહીં બ્રિટનમાં અને મુંબઈમાં પણ થોડાક પારસી ફ્રેન્ડ છે. અમે મુંબઇના જે ફોર્ટ એરિયામાં મોટા થયાં ત્યાં ત્યારે અને અત્યારે પણ ઘણા જ પારસીઓ વસે છે અને તેઓની ‘અગિયારી’ (આપણી ભાષામાં કહું તો મંદિર) હું જ્યાં મોટી થઈ તે રસ્તા પર ગનબો સ્ટ્રીટમાં એક જ મિનિટના અંતરે છે. પારસી ગરમ થઈ જાય, પણ તે ગુસ્સો ફુગ્ગાની જેમ થોડી જ વારમાં ફૂટી જાય. લગભગ બધા પારસીઓ સારી રીતે ભણેલા અને મહેનતુ. લોર્ડ કરણજીના આ લેખ પરથી વધુ જાણવા મળ્યું. તેમના માતા-પિતાનું અને તેમનું પ્રશંસનીય કન્ટ્રીબ્યુશન દેશ માટે અને સમાજ માટે છે. તેમના પ્રદાનને જેટલું બિરદાવીએ એટલું ઓછું છે.
આપણામાંના મોટા ભાગના ઈતિહાસમાં ભણ્યા છીએ કે પારસીઓને જ્યારે ઈરાન છોડીને ભારત આવવું પડ્યું ત્યારે મારા ખ્યાલથી સુરતમાં જાદી રાણાનું રાજ હતું. સુરતના બંદર પર વહાણમાં પહોંચ્યા અને તેમના રાજમાં રહેવા માટે રજા માંગી ત્યારે જાદી રાણાએ દૂધનો પ્યાલો ભરેલો મોકલ્યો ને કહેવડાવ્યું કે તમારા વસવાટ માટે અહીં અમારે ત્યાં જગ્યા નથી. અને પારસી વડાએ તેમાં સાકર ભેળવીને દૂધનો પ્યાલો પાછો મોકલ્યો. મતલબ કે અમે દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈશું. અને તેમજ થયું તે વાતનો ઇતિહાસ સાક્ષી છે. ભારતની આઝાદીમાં તેમનું (દાદાભાઈ નવરોજી, મેડમ કામા ઈત્યાદિનું) મોટું અને મહત્ત્વનું યોગદાન છે. અને બિઝનેસમાં પૂજ્ય ટાટા અને ટાટા પરિવારના પ્રદાનને તો કયા શબ્દોમાં બિરદાવી શકાય?
દાદાભાઈ નવરોજી - ફિરોજશાહ મહેતાના નામના રોડ પણ ત્યાં ફોર્ટમાં જ છે અને મેડમ કામાના નામનો હોલ પણ સેન્ટ્રલ લાયબ્રેરી પાસે જ છે.
હું નાની હતી ત્યારે ત્યાં લગ્નો થાતા અને અમારે જવાનું થતું. અત્યારે સ્કૂલ છે. ફિલ્મ અને નાટકોમાં પણ તેમનો ફાળો છે. ઈશ્વરને પ્રાર્થના કે આ કોમ્યુનિટી વિસ્તરે.
‘યંગ વોઈસ’નો લેખ પણ ઘણો સુંદર છે. 10 વર્ષથી નાની વયના દીકરા-દીકરીઓનું લખાણ એની ઉંમરના બીજા બાળકો માટે ખરેખર પ્રેરણાદાયક છે. માત્ર 10 વર્ષના પ્રાંશુ મિશ્રાએ પોતાના નામનો કેટલો સુંદર અર્થપૂર્ણ તરજુમો રજૂ કર્યો છે.
પ્રશાંત બક્ષીની કલમે રજૂ થયેલી પંડિત નૈનસિંહ રાવતે બહાદુરીભરી સફર આજથી 150 વર્ષ પૂર્વે જે રીતે કરી તે માની ન શકાય તેવી રોમાંચિત છે. કેટલી કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો હશે! એ અરસામાં ચાર-ચાર કઠિન યાત્રાઓ...
ખરેખર ધન્ય છે. આને દુનિયા ખરા અર્થમાં જોઈ એમ કહેવાય. ગયા વર્ષે જ્યારે અમે બદ્રીનાથ ગયા હતા ત્યારે આગળ માના ગામ કે જ્યાં ત્યાં ભારતની બોર્ડર પૂરી થાય છે અને પછી સરસ્વતી નદી અદૃશ્ય થઈ જાય છે તે સ્થળની મુલાકાતે પણ ગયા હતા. વચમાં નાનો ભીમ પુલ છે અને પછી તિબેટની સીમા શરૂ થાય છે. આપનો આ વખતનો દિવાળી અંક ખરેખર ખૂબ જ રસભર્યો છે. ઉર્મિલાબાનો લેખ પણ પ્રેરણાદાયક છે. આટલી ઉંમરે આટલો જુસ્સો...! ભારતી વોરાની અને સ્વ. પંકજભાઈની કવિતા પણ સરસ છે.
જ્યોત્સ્નાબહેનની બાલીની ટૂર અને ફોટા જોઈને બાલી જવાનું મન થઈ જાય છે. સુધા કપાસીની વાર્તા પણ ઘણી જ સરસ છે અને છેલ્લે 175 નંબરના પાન પર રજૂ થયેલો જીવનબોધ – ડેલ કાર્નેગી અને લક્ષ્યસિદ્ધિ - સાચવવા લાયક છે. આપણી આખી જીવન યાત્રામાં, જીવનમાં ઉતરવા જેવી ટિપ્પણીઓ છે.
ખરેખર, આ વર્ષનો દીપોત્સવી અંક અનેક વિવિધતાભર્યો છે. ગુજરાત સમાચાર અભિનંદન. શત્ શત્ જીવો...