અમદાવાદ અને લંડનમાં આ ઝૂંબેશ માટે રચવામાં આવેલી પ્રભાવશાળી સભ્યોની કમિટીનો અહેવાલ વાંચતા અમને ખૂબ આનંદ થયો. શ્રી ભૂપતભાઇ ટી. પારેખ જેવા પીઢ પત્રકાર અમદાવાદથી આ ઝૂંબેશનું સંચાલન કરી રહ્યા છે અને તેમાં સર્વપક્ષીય રાજકારણીઓ અને વેપાર-ઉદ્યોગના મોવડીઓ સામેલ થયા છે તે અમારા સાપ્તાહિકોની સૌને સાથે રાખવાની નીતિને ચાર ચાંદ લગાવે છે.
હરેકૃષ્ણ મંદિર તેમ જ કેટલીય ઝૂંબેશો તમે સફળતાપૂર્વક ચલાવી છે. અમને લાગે છે કે ડાયરેક્ટ ફ્લાઇટ આગામી અઠવાડિયાઓ કે મહિનાઓમાં શરૂ થઇ શકશે. અમદાવાદના એક ગુજરાતી દૈનિકમાં નામ સાથે પ્રકાશિત થયું છે કે યુપીએ સરકારના એક વરિષ્ઠ પ્રધાને લીધેલા કેટલાક નિર્ણયોના પરિણામે એર-ઇંડિયાને હજારો કરોડો રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. આથી મોદી સરકારને આ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા માટે આર્થિક કારણો નડે તો પણ આ માત્ર નાણાંની આવક-જાવકનો જ પ્રશ્ન નથી, પણ વિદેશવાસીઓ સાથે ગુજરાતના સંપર્કનો પણ આ પ્રશ્ન ગણાવો જોઇએ. તમારી નીતિરીતિ માટે અમે આનંદ અને સંતોષ પ્રકટ કરીએ છીએ.
- મનહર શાહ, ફીંચલી, નોર્થ લંડન
છે કોઇ લાજ-શરમ...?
‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’માં અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ આંદોલન વિશેના સમાચારો આપ નિયમિત પ્રસિદ્ધ કરો છો. અગાઉ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ તે પણ ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ના પ્રતાપે. આપના સાપ્તાહિકોમાં છેલ્લા સમાચારો વાંચતા અમને લાગે છે કે નજીકના ભવિષ્યમાં ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે તેવી આશા અસ્થાને નથી. પણ લંડનથી બહાર પડતા એક કહેવાતા છાપામાં જે વાંચ્યું તેથી એક ગુજરાતી તરીકે મારું માથું શરમથી ઝૂકી જાય છે. આ છાપામાં જણાવવામાં આવ્યું છે કે તે સતત યુકેના ગુજરાતીઓના હિતોનું ધ્યાન રાખે છે. ડાયરેક્ટ ફ્લાઇટ ઝૂંબેશ તેમણે સતત ચલાવી છે અને ગુજરાત સરકારમાં આ અંગે વારંવાર રજૂઆત કરી હતી. તેમના લખ્યા પ્રમાણે હવે તેમની મહેનત ફળી છે, વગેરે વગેરે.
ગાડા હેઠળ કૂતરું ચાલે તેવું આપણે કંઇક જાણીએ છીએ. કામ કરે કોઇ અને જશ લેવાનો સમય આવે ત્યારે ચાલુ ગાડીએ ચઢી જવું તેના જેવી આ વાત છે. આ છાપાએ ડાયરેક્ટ ફ્લાઇટ માટે કંઇ કર્યું નથી અને હવે ડીંગો હાંકે છે. તેમની નફ્ફટાઇને બ્રિટનના ગુજરાતીઓ ઓળખી જશે તેમાં બેમત નથી. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ આવા આંદોલન વેળા, તેમની પ્રથા મુજબ, વાચક અને સમાજને દરેક તબક્કે જાણ કરે છે અને અમને વિશ્વાસમાં લે છે તે માટે આભાર.
- ડો. પી. એમ. યુ. પટેલ, હેરો
આપણી નદીઓ બચાવો
'ગુજરાત સમાચાર' માટે બે જ શબ્દો પૂરતા છે. 'ધન્યવાદ અને આભાર' લખો એટલે જાણે કે સર્વ સમાઈ ગયું.
હાલમાં માતા ગંગા-જમનાને સ્વચ્છ કરવા ન.મો.નું અભિયાન ચાલ્યું છે. ગંગા મૈયાનું પાણી ઘણાં શહેરોને પીવા માટે વિતરણ કરાય છે. દેશની વિવિધ નદીઅો પરત્વે હિન્દુઅોની આસ્થા કાયમ રહેશે જ. પણ જ્યાં સુધી પ્રજાની અંધશ્રદ્ધાનો અંત નહીં આવે અને પોલીથીન બેગો, વેસ્ટ અને માનવ અંગોને પવિત્ર જળમાં પધરાવવાનું સદંતર બંધ નહિ કરાય ત્યાં સુધી આ સ્વચ્છતા અભિયાન સ્વપ્ન જ બની રહેશે.
આપણે જેને પવિત્ર માનીએ છીએ તે ગંગા, યમુના અને અન્ય નદીઅોમાં કેમિકલ, ચર્મ ઉદ્યોગનું ઝેરીલું પાણી, મળ-મુત્ર સહિત વિવિધ કેમિકલ ધરાવતું ગટરનું પાણી, અૌધોગીક કચરો ધરાવતું ગંદુ પાણી છોડવામાં આવે છે. ઘણાં ઔદ્યોગિક કારખાનાં તો પોતાનો કેમિકલ વેસ્ટ ધરાવતું પાણી ફીલ્ટર કર્યા વગર જ જમીનમાં ઉતારે છે.
નદીઅોના શુધ્ધીકરણ માટે દેશના તમામ ઔદ્યોગીક કારખાનાઅોમાં ગંદુ પાણી શુદ્ધ કરવાના પ્લાન્ટ હોવા જોઈએ. આ પ્લાન્ટ સતત કાર્યરત રહે તેના પર નજર રહેવી જોઇએ. દેશની નદીઓને ગાળવામાં નહીં આવે અને તેના તટને ઊંડો કરવામાં નહીં આવે ત્યાં સુધી નદી કિનારાની કરોડો એકર જમીનનું ધોવાણ થઈ નદીઓ પુરાતી રહેશે. ગંગા, જમના, સરસ્વતી, ગોમતી, વાત્રક, શેઢી, ખારી અને બીજી અન્ય નદીઓને ઊંડી કરાવે તે જરૂરી છે. પડતર જમીનોમાં મોટા સરોવર બનાવવા જોઈએ જેથી પાણીનો સંગ્રહ થાય. સ્વચ્છ જળસંગ્રહ કરવો હોય, પાણીની સમસ્યાઓ ઓછી કરવી હોય તો કડકમાં કડક પગલાં સરકારે ભરવા જોઈએ. પોલીથીન વેસ્ટનું ઉત્પાદન સદંતર બંધ કરવું જોઈએ. પેકીંગ માટે ખાખી કાગળની થેલીઓ દરેક વેપારી ફરજિયાત વાપરે તે જરૂરી છે. આ માટે કડક કાયદો જરૂરી છે. સમાચાર માધ્યમો મારફતે નદીઓની પવિત્રતા જળવાય અને કચરો કે ગંદુ પાણી ભેળવવામાં ન આવે તે માટે પ્રજાને જાગૃત કરવી જોઇએ. આમ થશે તો જ દેશની બધી જ નદીઓ પવિત્ર રહેશે અને આગામી ૫થી ૧૦ વર્ષમાં પરિણામ જોવા મળશે અને પૂર હોનારત ઘટી જશે.
- શરદચંદ્ર છોટાલાલ રાવ, લેસ્ટર
'ગુજરાત સમાચાર'નો વિકાસ
અહીં કેનેડામાં 'ગુજરાત સમાચાર' ઓનલાઈન વાંચી રહ્યો હતો અને કાંઈક યાદ આવતા મેમરી લેનમાં પહોંચી ગયો. પરદેશમાં અને તેમાંય યુરોપમાં 'ગુજરાતી સમાચાર' પત્રની શરૂઆત કરવી અને તેને આજે જે સ્થાને છે ત્યાં પહોંચાડવું તે માટેની હીંમત દાદ માગી લે તેવી છે. આજથી ૩૦-૪૦ વર્ષ પહેલા અત્યારના જેવી ટેકનોલોજી-ટેલીપ્રિન્ટર અને અન્ય સાધન સરંજામ નહોતા ત્યારે સીબી, તેમનો પરિવાર, તેમના સહયોગી સાથીઅોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. દેશ-પરદેશના સમાચારો તથા રસપ્રદ લેખોનું સંકલન કરવું, નવા ગ્રાહકો પાસેથી લવાજમ મેળવવા, જાહેરખબરો તે સમયે લેવી વિ. ખૂબ જ મુશ્કેલ કામનો સામનો કરવો પડ્યો હશે. આ માટે મશીનરી ખરીદવા તેમજ અન્ય ફાઇનાન્સની પણ ખૂબજ જરૂર પડી હશે. મહેનતની કમાણીની બચતમાંથી પૈસા રોકવા, સગાં-સંબંધી પાસેથી ઉછીના પૈસા લેવા, ઘણા લોકો એ સાહસથી નાસીપાસ પણ કર્યા હશે અને નકારાત્મક વલણ અપનાવ્યું હશે. આમ છતાં મોટી હરણફાળ ભરી કેટલાય કલાકો, રાત દિવસની મહેનત સ્થાપના પછી 'ગુજરાત સમાચાર' અત્યારે યુરોપનું એક નંબરનું અને ભારત બહારનું પણ એક નંબરનું ભારતીય સમાચાર પત્ર બની ગયું છે. આજે આપણે એવી સુંદર પરિસ્થિતિમાં છીએ કે દોરા-ધાગા, ગુરૂઓ, બાબાઓ, જ્યોતિષીઓની જાહેરાતો ન સ્વીકારી વાચક વર્ગ તથા બીજાઓને તેમની ચુંગાલમાંથી બચાવવાનું સેવાનું કામ કરી રહ્યા છો. 'ગુજરાત સમાચાર'ની જેમ જ અમે પણ કેનેડામાં તકલીફો ભોગવી આજે દીકરીઓના લગ્ન બાદ નિવૃત્ત થઈ આરામથી જીવન જીવી રહ્યા છીએ.
'ગુજરાત સમાચાર'ના સર્વ વાચક મિત્રોને નવરાત્રિની તથા દિવાળી-નવા વર્ષની શુભેચ્છાઓ.
- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા