સંપદાનો સદઉપયોગ

Tuesday 11th August 2015 08:44 EDT
 

દેશ વિદ્યુત પાવરની ભારે અછતથી પીડાય છે. આપણી ભાવિ જરૂરિયાતો તેમજ પરદેશથી આવવા ઈચ્છતી કંપનીઓને પણ આ સવાલ અવરોધક લાગે છે. સૂર્યને દેવ ગણીને એને નમસ્કાર, પૂજા-પ્રાર્થનાઓ તો હજારો વર્ષોથી જોરશોરથી કરીએ છીએ, પરંતુ એણે અર્પણ કરેલી અપાર શક્તિનો ઉપયોગ કરવાની બુદ્ધિ આપણે કદી વાપરી નથી. પશ્ચિમી દેશોની શોધોથી બનાવેલ માલ-સામાન ખરીદીને અબજોનો ધૂમાડો કરીએ છીએ.

આપણા કચ્છના રણમાં, વસ્તી સિવાયનો હજારો સ્કેવર કિ.મી.નો, સૂક્કો અને વેરાન રેતાળ પ્રદેશ છે. બારે માસ પડતા આકરા તાપની કુદરતી બક્ષીસનો બુદ્ધિપૂર્વક સદુપયોગ કરી વૈજ્ઞાનિક વિકલ્પને અપનાવીને, ત્યાં હજારો સોલર પેનલ્સ લગાવીને તેમજ વિંડ મીલ્સ ઊભી કરીને વધારાનો વીજપાવર મેળવવો જોઇએ. પર્યાવરણને જરાય દૂષિત કર્યા સિવાનો આ માર્ગ અપનાવવા જેવો છે. વિજ પેદાશ માટે અદ્યતન ન્યુક્લીયર પાવર પ્લાન્ટ પણ જરૂરી છે. તેનાથી આપણે જરૂરિયાત કરતાં ઘણો વધારે વિદ્યુતપાવર ઉત્પન્ન કરી શકીશું અને બીજા દેશોની પણ વેચી શકીશું. દેશમાં પોતિકી શોધખોળો કરી તેની પરદેશમાં નિકાસ કરીને અબજો ડોલરનું હૂંડિયામણ કમાવાનો સમય પાકી ગયો છે, પણ આપણી આંખ ઉઘડતી જ નથી. ક્યાં સુધી આપણે કુદરતે બક્ષેલી અનેક સુંદર તકોને ક્યાં સુધી ગુમાવતા રહીશું?

બીજું, આ અનામતનું ભૂત દેશને વિભાજીત કરીને પ્રજાના માનસ ઉપર નાત અને જાતનો હાનિકારક ઉપદ્રવ પેદા કરે છે એને પણ બંધ કરવાનો સમય પાકી ગયો છે. દુનિયાની ગરીબીની રેખા ઉપર અને નીચેના સ્તરથી પ્રજાને વહેંચીને નીચલા વર્ગને જ અનામતો આપવાની નીતિ સ્વીકારવી પડશે.

- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હિલ.

અનુપમ મિશન મંદિરનો શુભારંભ

છેલ્લા બે અઠવાડિયાના 'ગુજરાત સમાચાર'માં આપણા પવિત્ર ધામ અનુપમ મિશનમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું અને હજુ વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેની ખૂબજ સુંદર અને સચિત્ર વિગતો વાંચવા મળે છે. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પવિત્ર વાણી સાંભળવાનો અનેરો લાહ્વો મળ્યો છે. ખરેખર આ અનુપમ મિશન નૂતન મંદિરનો પ્રસંગ યાદગાર બની રહેશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા કહેવાય કે ફક્ત એક વર્ષમાં આટલું વિશાળ ભવ્ય મંદિર બનાવ્યું અને શુભારંભ ટાણે શ્રીમદ ભાગવતનું આયોજન કર્યું છે. હજારો હરિભક્તોને બેસવાની સગવડતા, પ્રસાદની સગવડતા, ટ્રાન્સપોર્ટની સગવડ વગેરે વિષે વિસ્તૃત અહેવાલ વાંચીને ખૂબજ આનંદ થયો.

પ.પૂ. જશભાઈ સાહેબની અંતઃકરણની પ્રાર્થના, સંગઠન, સેવાભાવ અને મંગલમય ભાવનાથી આ શક્ય બન્યું છે. સંસ્થાના સંતો અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. 'ગુજરાત સમાચાર' અને 'સી.બી.'ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે 'ગુજરાત સમાચાર'માં આ પ્રસંગની પૂરતી વિગત આપીને બધી માહિતી આપી છે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો.

ગેરકાયદેસર વસાહતીઅોનો ત્રાસ

બ્રિટનના રાજકારણમાં ઇમીગ્રેશન સૌથી સંવેદનશીલ મુદ્દો છે અને દરેક સરકારો વસાહતીઅોની સંખ્યા ઘટાડવા માટે મહેનત કરી ચૂકી છે. પરંતુ કમનસીબે તેનો હલ લાવી શકી નથી.

બ્રિટનની સરકાર ગેરકાયદેસર ઇમીગ્રન્ટ્સને રોકવા માટે રોજે રોજ નીતનવા પગલાં લાવી રહી છે. પરંતુ કરમની કઠણાઇએ છે કે વસાહતીઅો આવવાનું બંધ કરતાં જ નથી. હમણાં રોજે રોજ ટીવી પર ફ્રાન્સના કેલે ખાતે ગેરકાયદેસર ઘુસવા માટે વસાહતીઅો જે ધમાલ મચાવી રહ્યા છે તેના દ્રશ્યો બતાવાય છે.

હવે ગેરકાયદેસર વસાહતીઅોને રોકવા માટે સરકાર મકાન માલિકોને ગેરકાયદેસર વસાહતી ભાડુઆતોને કાઢી મુકવાની સત્તા આપનાર છે. ગેરકાયદે વસાહતીઅોની કટોકટીને જોતાં સરકાર કડક નિયમો અમલમાં મુકવા વિચારી રહી છે. જે પૈકી ગેરકાયદે વસાહતીઅોને કાઢવાની જવાબદારી મિલ્કત ભાડે આપનાર પર મુકવામાં આવશે. જો મકાન માલિકો આવા ગેરકાયદે વસાહતીઅોને ઘર ભાડે આપશે તો તેમને નવા ઇમીગ્રેશન બિલ અંતર્ગત પાંચ વર્ષની જેલની સજા થઇ શકે તેવો કાયદો લાવનાર છે.

- રાજન પટેલ, અક્ષબ્રિજ.

બાળકોને ગુજરાતીના ફાંફા

હમણાં 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઇસ'માં ગુજરાતી વિષયની GCSE અને A-Levelની પરીક્ષાઅો બંધ કરવા સામે જે આંદોલન ચાલે છે અને લોકજાગૃતી લાવવા જે પ્રયાસો કરવામાં આવે છે તેના વિષેના સમાચાર વાંચ્યા.

આપનું કાર્ય ખરેખર સરાહનીય છે. પરંતુ મારે તો સૌ વડિલો અને માતાપિતાને એટલું જ કહેવાનું કે GCSE અને A-Levelના સ્વપ્ના છોડો, તમારૂ બાળક માત્ર ગુજરાતી બોલે તે માટે સૌ પહેલા પ્રયત્ન કરો. બાળકને જલેબી અને ચકરીમાં શું ફરક છે તેની ખબર ન હોય અને તમે તેને GCSE અને A-Levelની પરીક્ષા માટે તૈયારી કરાવો તે કેટલે અંશે યોગ્ય કહેવાય.

આપણી કહેવત છે ને કે સખાવતની શરૂઆત ઘરથી કરો. મારા ભાઇ તમે બાળકો સાથે ઘરે ગુજરાતીમાં જ બોલો...એને ચાનક અને ગમશે તો તે આપો આપ GCSE અને A-Levelની પરીક્ષાઅો આપશે.

દરેક મા-બાપ અને દાદા-દાદીએ બાળકો સાથે ગુજરાતી બોલવું જરૂરી છે. ઘણાં યુરોપીયન, પંજાબી, બંગાળી, પાકિસ્તાની અને આફ્રિકન મૂળના લોકો બ્રિટનમાં વસે છે. સૌ ઘરે અને અરસપરસ ગર્વથી પોતાની ભાષામાં બોલે છે, માત્ર આપણે ગુજરાતીઅો જ ઘરમાં પણ ગુજરાતી બોલતા શરમાઇએ છીએ. ભલા માણસ, શિક્ષણશાસ્ત્રીઅો અને મનોવૈજ્ઞનિકો પણ કહે છે કે તમારૂ બાળક જો માતૃભાષા જાણતું બોલતું હશે કે એક કરતા વધારે ભાષા જાણતું હશે તો તેનોે વિકાસ અન્ય બાળકો કરતા વધુ થશે. જે માતા-પિતા ઘરે માત્ર ગુજરાતી જ બોલે છે તેમના બાળકોની સફળતાના દાખલા તમને તમારી આજુબાજુ જરૂર જોવા મળશે. આપણે ગુજરાતીઅો બધામાં ફાયદો જોતા હોઇએ છે, પણ કમનસીબે આપણે ગુજરાતી ભાષાનો ફાયદો સમજવામાં કાચા પડ્યા છીએ.

- રશ્મિકાંત મહેતા, કિંગ્સબરી.

શરમજનક અનામત આંદોલન

એક જમાનો હતો કે પાટીદાર વટથી કહેતો હતો કે હું ખેડુત પુત્ર છું અને પથ્થરને પાટુ મારીને કમાઇ શકું છું. સરદાર વલ્લભભાઇ પટેલ જે કોમના પનોતા પુત્ર છે તે કોમ જ હવે વિવિધ સરકારી લાભ લેવા માટે અનામત માંગી રહી છે.

અનામત ખરેખર તો હજારો વર્ષોથી ભોગ બનેલી ગરીબ પછાત અને આદીવાસી જનતા માટે લાગુ કરાઇ હતી. પછી તેને રાજકારણ આભડી ગયું અને હવે ધરતીનો તાત કહેવાય છે તે પાટીદાર અનામત માંગી રહ્યો છે. ભારત આઝાદ થયું તે પછી કોઇ પણ જ્ઞાતિએ પ્રગતિ વિક્રમજનક પ્રગતિ કરી હોય તો તે પાટીદાર છે. આજે પણ ગુજરાતમાં રાજકારણથી લઇને પોલીસ, શિક્ષકથી લઇને ઉદ્યોગપતિ સુધી પટેલોનું જ ચલણ છે. આટલી સફળતા પછી પણ જો પાટીદારો અનામત તરફ નજર દોડાવતા હોય તો પછી શું કહેવું?

હું ખુદ એક પટેલ છું અને મને તેનું ગૌરવ છે. માગવું એ પટેલના લોહીમાં નથી. પણ કહેવાય છે ને કે રાજકારણ ભલ ભલાને તોડી નાંખે છે. હવે પટેલોની પ્રગતિને તોડવાનું અભિયાન ચાલ્યું છે. જોઇએ શું થાય છે. અહિંની બેનીફીટ સિસ્ટમને કારણે અહિના ગરીબ મધ્યમવર્ગની અને તેમના બાળકોની જે હાલત થઇ છે તે સૌ જાણે છે.

વિનય પટેલ, લેસ્ટર.

નોંધ: વાચક મિત્રો, આપ ગુજરાતમાં પ્રસરી રહેલા અનામત આંદોલનથી વાકેફ હશો જ (જુઅો 'ગુજરાત સમાચાર' તા. --૧૫ પાન નં ૯). વિનયભાઇ પટેલે લખેલા પત્ર સાથે આપ સહમત થાવ છો કે કેમ? શું આપને લાગે છે કે છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન દલિત અને પછાત વર્ગના ભાઇ-બહેનોને આપવામાં આવેલ અનામતના લાભોને કારણે પટેલ તેમજ અન્ય જ્ઞાતિઅોને નુકશાન થયું છે? શું તેમને આપવામાં આવેલ અનામતના લાભ ચાલુ રાખવા જોઇએ? આપના અભિપ્રયા આવકાર્ય છે. - કમલ રાવ.

૦૦૦૦૦

ટપાલમાંથી તારવેલું

* હેરોથી રમેશભાઇ પટેલ જણાવે છે કે નરેન્દ્રભાઇ મોદીએ પૂર્વોત્તર ભારતના નાગાલેન્ડના અલગાવવાદીઅો સાથે શાંતિ કરાર કર્યા. નરેન્દ્રભાઇ મોદી એક પછી એક ચૂપચાપ 'ભારત માટે સારા દિવસો આવે ત માટે કાર્ય કરી રહ્યા છે.

* કિંગ્સબરીથી વિરેશભાઇ શાહ જણાવે છે કે 'જીપીની એપોઇન્ટમેન્ટ મળતી નથી તેવા સમાચાર વાંચીને દુ:ખ થયું. સરકાર આ માટે વેરા લે છે તો તેની જવાબદારી છે કે નવા વધુ જીપીની ભરતી કરે. ઘણી વખત જીપી તેમની પાસે બેસાડીને આપણી સાથે વગર કામની વાતો કરે છે તેને કામચોરી ન કહેવી તો શું કહેવું?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter