ન.મો.એ જ્યાં જ્યાં મુલાકાત લીધી છે ત્યાં સુવર્ણ અક્ષરે તેમનું નામ લખાઈ ગયું છે. કારણ કે તેઅો પોતે દેશના પ્રેમી છે અને દરેકની પ્રેમ અને લાગણીથી સેવા કરે છે. આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો-વડીલો માટે ભારતની મુસાફરી સહેલી બનશે.
'ગુજરાત સમાચાર'ના પાન-૨૨ ઉપર 'ગુજરાત સમાચાર' અને 'સંગત સેન્ટર'ના ઉપક્રમે ૮૫ વર્ષથી વધુ વયના વયોવૃદ્ધ વડીલોનું શુભ સન્માન કરાયું અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ રંગેચંગે ઉજવાણો. આપણા વડીલો ખૂબ ખૂબ ખુશ થયા અને આપણા સેવાભાવી શ્રી ધનજીભાઈ તન્ના અને શ્રીમતી હંસાબહેન તન્નાને માનસન્માન અપાયા. ઉપરાંત દરેક વડીલોના નામ - ફોટા જોયા અને સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. આ દરેક અગ્રણી વ્યક્તિની હાજરીથી આ પ્રસંગ ખૂબ ધામધૂમથી ઊજવાયો.
સી.બી.નું સભ્યપદ રદ કરવા બાબતે સરદાર પટેલ મેમોરીયલ સોસાયટીની કમીટી દ્વારા મંગાયેલ માફીના સમાચાર વાંચ્યા. 'ગુજરાત સમાચાર' તેમજ શ્રી સી.બી.ને સૌ કોઈ જાણે છે અને અંતમાં સફળતા મળી. સાચને આંચ હોતી નથી. શ્રી સી.બી.એ તન-મન-ધનથી આપણા ગુજરાતી અને હિન્દુ ભાઈઓની કેટલી સેવા અને કામ કર્યાં છે, કરે છે અને હજુ કરશે. સીબી પોતાના અમૂલ્ય ટાઈમનો ભોગ આપીને લાગણીપૂર્વક, ઉત્સાહથી અને પ્રામાણિકતાથી સામાજીક - ધાર્મીક સેવા કરે છે. તો આપણે શ્રી સી.બી.નો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડશે. ગાયના દૂધ સામે જુઅો. હું તો એટલું જ જણાવી શકું કે પરમકૃપાળુ પરમાત્મા 'ગુજરાત સમાચાર' અને શ્રી સી.બી.ને લાંબુ આયુષ્ય આપે અને આ શુભ સેવામાં વિશેષ પ્રગતિ કરે અને યાવતચંદ્ર દિવાકરૌ રહે.
- પ્રભુદાસ જે. પોપટ, હંસલો
મારો નાતો અતૂટ છે
ઘણા વખત પછી કલમને વેગ આપી આપનો સંપર્ક સાધી રહી છું. 'ગુજરાત સમાચાર' સાથેનો મારો નાતો અતૂટ છે. કારણ કે નાદુરસ્ત તબિયત હોવા છતાં અને આંખની તકલીફ હોવાથી નિયમિત પત્રો લખી શકતી ન હતી ત્યારે લેસ્ટરમાં 'vista' નામની સંસ્થા 'ગુજરાત સમાચાર'માંથી વાંચન સામગ્રી એકઠી કરી તેની અોડીયો સીડી તૈયાર કરી આંખોની તકલીફવાળા અને અંધજનોને મોકલાવે છે. જેથી તેમને સમાચાર સાંભળવા મળે છે. તેથી 'ગુજરાત સમાચાર' સાથેની નીકટતાનો આનંદ માણું છું.
તદુપરાંત મારા સ્વજનો અને મિત્રો પણ 'ગુજરાત સમાચાર'માંથી વાંચન કરી સમાચાર આપે છે. 'ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી સી.બી. પટેલ અને આપની ટીમનો દળદાર દિવાળી અંક રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
- જયાબહેન પાંઉ, લેસ્ટર
સબસે ઊંચી પ્રેમ સગાઈ
મારા માતુશ્રીના ૧૦૦મા જન્મદિન સમારંભ પ્રસંગે સીબી અન્ય પ્રોગ્રામમાં વ્યસ્ત હોવા છતાં તે પ્રોગ્રામને ટૂંકાવી સીબી અમારા આમંત્રણને માન આપી અમૂલ્ય સમયના ભોગે પણ પધાર્યા તે બદલ સીબીનો ફરીથી અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. આપની હાજરીએ સોનામાં સુગંધ ભરી દીધી હતી. આપની હાજરીને લીધે ઔપચારિકતા એ મૈત્રીની પરાકાષ્ઠા બની ગઈ.
આજે સંયુક્ત કુટુંબની ભાવના વિલીન થઈ રહી છે. આ દેશમાં આપણી વસાહતે પૈસો અઢળક પેદા કર્યો છે. પણ આપણે કૌટુંબીક પ્રેમ ગુમાવ્યો છે. આ દેશમાં આપણી નવી પેઢી વડીલો પ્રત્યેની ફરજ ભૂલી રહ્યા છે. આજે વડીલોને જે સન્માન મળવું જોઈએ તે મળતું નથી. વડીલો એકાકી જીવન જીવી રહ્યા છે. આપણી પેઢીના દરેકે અથાક પરિશ્રમ કરી સંતાનોને ઉચ્ચ કેળવણી આપી છે. શૂન્યમાંથી સર્જન કર્યું છે. એ જ વડીલો સંતાનો તરફથી જે માન મળવું જોઈએ તેનાથી વંચિત છે ત્યારે તમારા જેવા સમાજસેવકે વડીલોનો સન્માન સમારંભ યોજી તેમને જે માનથી નવાજ્યા તે ખરેખર અભિનંદનીય છે.
'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ' તરફથી આપે મારાં માતુશ્રી મણીબાનું કર્મયોગી સન્માન કર્યું. ખરેખર આ સન્માનના લાયક તો સીબી પોતે છો. આ પવિત્ર સન્માન સ્વીકારતા મારા આનંદને વ્યક્ત કરવા શબ્દો નથી. પૂજ્ય બા અને મારા સમસ્ત પરિવાર તરફથી આપને લાખ લાખ અભિનંદન.
સબસે ઊંચી પ્રેમ સગાઈ. અંતર્ગંત આપ જેવા નિસ્વાર્થ. સહૃદયી સમાજસેવકને જોતાં હું ગુજરાતી વિશ્વ ગુજરાતી.. સાચું લાગે છે.
- કાંતિભાઈ પટેલ, સડબરી
દિવાળી અંક માટે ધન્યવાદ
‘ગુજરાત સમાચાર – એશિયન વોઈસ’નો દિવાળી અંક ઘણો જ રસપ્રદ અને માહિતીસભર રહ્યો. મુખપૃષ્ઠ પણ ઘણું જ આકર્ષક છે. ફક્ત £૩૪ પાઉન્ડમાં આખા વર્ષના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ + વર્ષના ૮થી ૧૦ બીજા અંકો અને આ ઓછું હોય તેમ દિવાળીની અમને સૌને બોણીરૂપે આકર્ષક દિવાળી અંક અને કેલેન્ડર...!! સી.બી. ભોળાનાથની તમારા પર અસીમકૃપા છે એટલે જ આ મોંઘવારી તમને નડતી નથી... અને નહિ જ નડે... ઘણો જ આભાર.
સી.બી.નો દિપાવલી સંદેશો ઘણો જ પ્રેરણાદાયક રહ્યો પણ છેલ્લેથી ત્રીજા ફકરામાં આપે લખ્યું છે કે બ્રિટનમાં રામરાજ્ય જેવું છે. રામરાજ્ય અહીં ૭૦ દાયકા સુધી હતું. આ મારો અને મારા જેવા ઘણાનો મત છે...ખેર, છતાં પણ હજુ આપણે અહીં ખરેખર માનવતાવાદી દેશમાં છીએ. આપણે નસીબદાર છીએ કે આપણને ઘણા જ સારી રીતે સ્વીકાર્યા છે અને ખાસ તો આપણે ભારતીયો દૂધમાં સાકરની જેમ ભળી ગયા છીએ. ભારત મારી જન્મભૂમિ અને બ્રિટન મારી કર્મભૂમી. આ દેશનો હું નાગરીક છું તેનો મને ગર્વ છે.
દિવાળી અંકનું વાચન હજું પૂરું થયું નથી. થોડું બાકી છે. (૧) ગુજરાતની વાવ સમૃદ્ધિ (૨) દોઢસો વર્ષ પહેલાંનું ઇંગલેન્ડ વિજ્ઞાનવિશ્વમાં સૌથી મોખરે ભારતીય સંસ્કૃતિ (૪) કચ્છડો ખેલે ખલકમેં... (૫) અય વતન તેરે લિયે... આ બધા જ લેખો ઘણા જ રસપ્રદ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાણકી વાવ – અડાલજ વાવ – મોઢેરાનું સૂર્યમંદિર વગેરે સ્થળે જવાનો મોકો મળ્યો હતો. અદભૂત ઇતિહાસ અને અવર્ણનીય શિલ્પ સ્થાપત્ય જોવા જાણવા મળ્યું. ૧,૦૦૦ વર્ષથી પણ જૂના વર્ષ પહેલાના આ સ્થાપત્યો બને તો દરેકે જીવનમાં એક વાર જોવાલાયક છે. જન્મભૂમિ ભારતમાં જઈએ ત્યારે જે ઉત્સાહમાં આપણે હોઈએ છીએ પણ ત્યા જઈએ એટલે એ સંબંધો-સમાજ -ગામ ઘર વગેરે આપણું હવે લાગતું નથી. ૫૧ વર્ષથી દેશમાં બહાર નીકળી ગયા બાદ લાગણી છે પણ લાગણીની ભીનાશ જાણે નથી.
આ સિવાય પૂ. રામબાપા માટે પણ જાણ્યુ. ખરેખર તેમણે આ દેશમાં ભક્તિનો અને હનુમાન ચાલીસાનો રંગ અનેક લોકોને લગાવ્યો છે.
લલીત લાડ! એ વાંચ્યા વગર અને જીવંતપથ વાચ્યા વગર ‘ગુજરાત સમાચાર’ અધૂરું લાગે છે.. લલિતભાઈ આમ લખતા જ રહેશો. છેલ્લે ભારતી પંકજ વોરાની અને પંકજ વોરાની કવિતા ઘણી જ હૃદયસ્પર્શી છે. રામુભાઈ મટવાડકરની ગઝલ પણ હૃદયની વ્યથા રજૂ કરે છે.
- દેવી પારેખ, લંડન