કાર્યક્રમનું ખૂબજ સરસ રીતે સંચાલન કરાયું હતું અને વડિલો સહિત સૌની વ્યવસ્થા સાચવી લાગણીસભર સ્નેહમિલનનું આયોજન કર્યું તે બદલ અભિનંદન. ખરેખર અમને સૌને આત્મીય સ્વજન જેવું લાગ્યું. જેના થકી વડિલો તથા નવી પેઢીને જીવવાનું બળ, લક્ષ્ય અને કઇંક કરી છૂટવાની પ્રેરણા આપ સૌએ આપી તે બદલ ફરીથી સૌનો આભાર. 'ગુજરાત સમાચાર' તરફથી ૨૦૧૧માં સન્માનીત થયેલા એક વડિલે તો ત્યાં સુધી કહ્યું કે 'સન્માન મળ્યા બાદ સંતાનો અને પૌત્ર-દોહિત્રો વગેરે તરફથી પહેલા જે પ્રેમ, માન અને આવકાર મળતો હતો તેમાં ખૂબજ વધારો થયો હતો.
આ કાર્યક્રમને ખૂબજ ઉમળકાભેર આવકાર્ય મળ્યો છે અને મહેરબાની કરીને આપ સૌ આવા કાર્યક્રમોનું નિયમીત આયોજન કરતા રહેજો. આપનું આ મહાન કાર્ય ખરેખર સરાહનાને પાત્ર છે. અમે સૌએ આ કાર્યક્રમને ખૂબજ માણ્યો અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌએ જે પ્રયત્નો કર્યા તે બદલ અભિનંદન અને આવો સુંદર સહકાર તેમજ પ્રમાણપત્ર આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
- ગોપાલ દવે, બેનસ્ટેડ, રાકેશ પટેલ,
મંદાકીનીબેન ભટ્ટ, ઉપેન્દ્ર દવે (ઇમેઇલ દ્વારા)
શહીદોને શ્રદ્ધાંજલિ અને આપણે શીખવા જેવું
બ્રિટન એની પરંપરાગત, વારસાગત પ્રણાલિકાને જાળવી રાખવા માટે મશહૂર છે. પ્રત્યેક વર્ષના અગિયારમા મહિને નવેમ્બરમાં અગિયારના ટકોરે વ્હાઈટ હોલ પાસે શહીદોની ખાંભી પર, પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં માભોમ માટે ખપી ગયેલા લાખો વીર સૈનિકોને, લાલ રંગે રંગાયેલ પોપીઝની ફૂલમાળા પધરાવી અંજલિ અપાય છે. રાણી ઈલિઝાબેથ સહિત, એમના શાહી પરિવાર સાથે અનેક સરકારી કર્મચારીઓ, ગણવેશધારી નિવૃત્ત થયેલા સૈનિકો, કોમનવેલ્થના પ્રતિનિધિઓ, સેંકડો દેશપ્રેમી પ્રજાજનો વહેલી સવારથી હજારોની સંખ્યામાં ગમે તેવી આબોહવા હોય તો પણ આ સ્થળે કલાકો સુધી ઉપસ્થિત રહી બે મિનિટ મૌન ધરી નીરવ શાંતિ જાળવી, સલામી આપી અંજલિ અર્પે છે. આ આખોયે પ્રસંગ નજરે જોનારને ભાવવિભોર બનાવી દે તેવો હૃદયસ્પર્શી હોય છે. વળી આ વર્ષે તો પહેલા વિશ્વયુદ્ધને સો વર્ષ પૂરાં થતાં હોઈ 'ટાવર ઓફ લંડન'ના પ્રાંગણમાં નવ લાખથી વધુની સંખ્યામાં સીરામીક પોપીઝ ઊભા કરાયા હતા. એ દ્રશ્ય તો જાણે લાલ પોપીઝનો મહેરામણ છલકાયો હોય એવું અદભૂત ચીરસ્મરણીય દ્રશ્ય જોવા મળ્યું.
આ પ્રસંગના વિરોધાભાસમાં બીજો પ્રસંગ જોયો અને અનુભવ્યો. થોડા સમય પહેલાં એક ફ્યુનરલ સર્વિસમાં શ્રદ્ધાંજલિ આપવા અમારે જવાનું થયું. હજુ મૃતદેહને લાવવાને થોડી વાર હતી. અમે સૌ બહેનો એક શેડ નીચે ચર્ચને અડીને ઊભા રહેલા. ત્યાં તો આપણી બહેનોએ ફીશ માર્કેટ ઊભી કરી દીધી! જોરશોરથી શોરબકોર ફેલાઈ રહ્યો. સમય અને સંજોગો અનુસાર આપણે સૌ સાવધાન રહેતા ક્યારે શીખીશું?
- કાંતાબહેન પ્રભાકાંત પટેલ, ઓકવુડ
ખાળે ડૂચા અને દરવાજા મોકળા
તા. ૮ નવેમ્બરના અંકમાં ‘તમારી વાત’ પર શ્રી અરવિંદભાઈ દવેની ફરિયાદ વાંચી.
મુંબઈ એરપોર્ટ પર લીક્યોર્સ વપરાશની પરમિટ ગુજરાત ટુરિસ્ટ બોર્ડના કીયોસ્ક પરથી મેળવી શકાય. પરંતુ આ ઓફિસ ૨૪ કલાક ખુલ્લી હોતી નથી. પરમિટ વિનામૂલ્યે મળતી હોવા છતાં ઓફિસરો ચા-પાણીના પૈસાની આશા રાખે છે. ફોર્મ ભરાવવા થોડો વિલંબ પણ થાય. કહેવાતા નશામુક્ત ગુજરાતમાં લાખો લીટરના વિલાયતી દારૂની હેરાફેરી-વપરાશની જાણ રાજ્યના ખૂણે-ખૂણાના પોલીસ ખાતાને હોવા છતાં ભ્રષ્ટાચારીઓના ખીસ્સામાં રોજના લાખ્ખો રૂપિયા પડતા હોય છે. આ બધું તો રોજીંદુ ચાલે અને નશાબંધી ખાતા અને ગુજરાત સરકારને પણ એની જાણ ન હોય એ કેમ બને? મોટાભાગના પર્યટકો ખાસ કરીને વિદેશીઓ ગેર-કાનૂની નથી, અને શરીરની આરોગ્યતા જાળવી રાખવા લીક્યોરનો નમ્રતાથી ઉપયોગ કરતા હોય છે! ગાંધીચિંધ્યા માર્ગે ચાલતા ગુજરાતમાં નશાબંધીની આવશ્યક્તા ભલે ચાલુ રહે પરંતુ વિદેશી પર્યટકોને સહેલાઈથી ઓનલાઈન એપ્લિકેશનથી પાસપોર્ટની વિગત સાથે પરમિટ મેળવી શકાય એવી પ્રયત્નો હવે જરૂરી છે.
- લલ્લુભાઈ પટેલ, ગ્લોસ્ટર
કોઈના ધર્મ ઉપર ટીકા ન કરો
મા-બાપથી મોટો કોઈ ભગવાન નથી. કારણ કે ભગવાનને પણ અવતાર લેવા માટે મા-બાપની જરૂર પડે છે. દિવ્ય શક્તિથી જે સંતો હતા તેમના મંદિરો થયા અને સેવાભાવનાને કારણે તેમની ધજાઅો આભમાં ફરકે છે. આવા કોઈપણ મહાત્મા માટે તીખી જુબાન વાપરી શંકાવાળી વાતો કરવાથી દુનિયામાં ઘણી વખત ખૂન-ખરાબા થાય છે. જેમ સોનામાંથી જુદા જુદા ઘાટના દાગીના બને છે તેવી જ રીતે ભગવાન એક છે અને સ્વરૂપ અનેક છે. તેથી કોઈ ધર્મની ટીકા ન કરવી જોઈએ.
હિન્દુસ્તાનમાં જ્યારે બ્રિટિશ રાજ હતું ત્યારે હિન્દુસ્તાનથી હિન્દુઅો અને મુસ્લિમોને કેન્યા અને યુગાન્ડા રેલવે લાઈન બનાવવા બ્રિટિશરો લાવેલા. તેમાં એક મુસ્લિમ વ્યક્તિ હતા. કહેવાય છે કે તેમનામાં દૈવીશક્તિ હતી. એક વખતે સુતેલા હિન્દુ મુસ્લિમોને સિંહ ઉપાડી જતાં તેઅો જોઈ ખૂબ રડ્યા હતા અને તે જ જગ્યાએ તેમણે સમાધિ લઈ લીધી હતી. આજે વર્ષોથી મોમ્બાસાથી નૈરોબી કે યુગાન્ડા જતી ટ્રેનો, બસ, ટેક્સી, ગાડાઓ અને ટ્રક અચુક તે જગ્યાએથી પસાર થાય તો હંમેશા હોર્ન વગાડી સમાધિને માન આપે છે. હજારો લોકો તે પીર દાદાની સમાધિ પાસે જઈ શીશને જમીનમાં નમાવી પગે લાગે છે, નાળિયેર ધરે છે ને ઘણા ચાદર ચડાવે છે. નાળિયેરનો પ્રસાદ બહાર ભૂખ્યા કેન્યાના ગરીબો ખાય છે ને ચાદરમાંથી કપડાં સીવી ગરીબ કેન્યનો અંગો ઢાંકે છે. જેનામાં સાચી માનવતા છે અને સાધુતા છે તે જ સાચો સાધુ કહેવાય છે.
- સુધા રસીક ભટ્ટ, બેન્સન
કાળું નાણું નાથી શકાશે?
આઝાદીની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી વખતે તે વખતના નાણાંમંત્રી શ્રી ચિદમ્બરમે તિજોરીનો બોજ હલકો કરવા માટે 'વોલન્ટરી ડિસ્ક્લોઝર ઓફ ઈન્કમ સ્કીમ'ની જાહેરાત કરી હતી. તે માટે અમુક ટાઈમ લિમિટ રાખી હતી. એટલામાં કાળું નાણું સફેદ કરવા ઈચ્છતા લોકો ૩૦ ટકાનો વેરો સરકારને ભરી દઈ ચોખ્ખાચણાક જાહેર થઈ શકે છે. કાળું ધન જાહેર કરવા ઈચ્છશે તેની વિગત ગુપ્ત રખાશે. સરકારી સ્કીમો બહાર પાડતી રહે છે. અગાઉ પણ કાળું નાણું બહાર લાવવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ ઉત્સાહજનક પરિણામો આવ્યા નથી. કાળાં નાણાંના શાહુકારોના ગળે ઉતરે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે.
સરકારમાં લાંચિયા અધિકારીઓ, ઓફિસરોનો વર્ગ, બેઈમાન વેપારીઓ, બિઝનેસમેનો ધારાસભ્યો, મંત્રીઓ વગેરેને મોકળું મેદાન ન મળે તે માટે નક્કર કામગીરી શરૂ કરવી જોઈએ.
આપણા કાયદા વિશે એમ કહેવાય છે કે ‘ચીભડાંના ચોરને ફાંસીની સજા’ એટલે કે કાયદાની છટકબારીનો લાભ લઈ પ્રજાના પૈસે તાગડધિન્ના કરે છે. કાળું નાણું જે છટકબારીઓના કાણાંમાંથી જેમના ખિસ્સામાં જતું હોય તે કાણાં બંધ કરવાની તાતી જરૂર છે.
‘દૌલત કી હવસ જીન કો દીવાના બનાતી હૈ,
વો આબરૂ ખુદ અપની કીચડ મેં ડૂબોતે હૈ.’
- એમ.એમ. ધારી, લેસ્ટર