તાજેતરમાં દેશના એક મંદિરમાંથી ભગવાનની મૂર્તિઓની ચોરી અને બીજા બે મંદિરોમાં તોડફોડ થઈ. આ ઘટનાઓએ તમામ સમુદાયોના સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચાડી. યુકેમાં વંશીય લઘુમતિ માટે આ વર્ષ મુશ્કેલીભર્યું રહ્યું છે. એક વર્ષમાં તેની આસ્થા પર એક વખત નહીં પરંતુ, ત્રણ વખત હુમલા થયા. એક મંદિરમાંથી હરિકૃષ્ણ મહારાજની ત્રણ મૂર્તિઓ અને બીજા મંદિરમાં ચોરીના પ્રયાસથી નિત્ય ભગવાનની પૂજાઅર્ચના કરવા મંદિરે આવતા શ્રદ્ધાળુઓએ આઘાત અનુભવ્યો. વિડંબણાની વાત તો એ છે કે આ ઘટનાઓએ બ્રિટિશ સરકારની હાંસી ઉડાવી છે કારણ કે સરકારે જૂન મહિનામાં જ હુમલા થવાની શક્યતાવાળા મંદિરોની સુરક્ષા માટે ૧ મિલિયન પાઉન્ડની ફાળવણી કરી હતી. ૯ નવેમ્બરની મોડી રાત્રે એક ચોર દરવાજો તોડીને ભગવાનની મૂર્તિઓ અને રોકડ લઈને નાસી ગયો તે પછી શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સ્ડનમાં સ્કોટલેન્ડ યાર્ડના ઓફિસર્સને બોલાવવામાં આવ્યા હતા.
બ્રિટિશ ભારતીય સમુદાયનો નવા વર્ષનો ઉત્સાહ હજુ ઓસર્યો ન હતો ત્યાં શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર, કેન્ટનમાં ચોરી થઈ. તેથી હવે સમાજ માની રહ્યો છે કે આ ફક્ત ચોરીનો કિસ્સો નથી. આ હેટ એટેક છે. (કેન્ટન મંદિરની ઘટના વિશે વધુ સમાચાર માટે જુઓ પાન. ૨૭)
અયપ્પન મંદિર, લંડન
હકીકતે તો મંદિરો પર ‘હેટ ક્રાઈમ’ના હુમલા ૨૦૧૮ની શરૂઆતમાં થયા હતા. લંડન અયપ્પન મંદિરના પ્રવેશ દ્વાર પર લગાવાયેલી ભગવાન અયપ્પનની તસવીર પર જ્વલનશીલ પ્રવાહી નાખીને સળગાવી દેવાઈ હતી. આ ઘટનાના ચાર અઠવાડિયા પછી મંદિરના આગળના ભાગે લગાવાયેલા બેનર્સને પણ આગ ચાંપી દેવાઈ હતી. આ બનાવો બાદ લંડન એસેમ્બલીના સ્થાનિક સભ્ય નવીન શાહ AMએ સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય તેના વિશે સ્થાનિક કાઉન્સિલરો, કોમ્યુનિટી સેફ્ટી ઓફિસરો અને બરો કમાન્ડર સાથે ચર્ચા કરી હતી.
શાહે જણાવ્યું હતું કે મંદિર પર બે હુમલા થયા છે તે જોતાં લોકલ કાઉન્સિલ, પોલીસ ફોર્સ અને કોમ્યુનિટી લીડરો ધાર્મિક અને રંગભેદી તિરસ્કારને દૂર કરવા માટે સાથે મળીને પ્રયાસ કરે અને હેરોમાં હિંદુ સમાજને મદદરૂપ થાય. લોકલ કાઉન્સિલની ભલામણને પગલે મંદિર તરફથી સુરક્ષાના વધારાના પગલાં અમલી બનાવવા માટે હોમ ઓફિસને ફંડિંગ માટે બીડ સુપરત કર્યું છે. શાહે ઉમેર્યું હતું,‘ મંદિરને મારું સમર્થન યથાવત જ રહેશે અને આ બાબતમાં અને ભવિષ્યમાં ઉભી થનારી સમસ્યાઓમાં હું તેમને મદદ કરવાનું ચાલુ રાખીશ.
સ્વામીનારાયણ મંદિર વિલ્સડન
સ્વામીનારાયણ મંદિર વિલ્સડનમાં ચોરીની ઘટના નૂતન વર્ષની રાત્રે થઈ. અહેવાલો મુજબ રાત્રે લગભગ બે વાગ્યે મંદિરમાં તોડફોડનો અવાજ સાંભળીને પૂજારીઓ જાગી ગયા હતા. તેમણે કાળા કપડા પહેરેલો એક માણસ જોયો. તેની પાસે પીળો રકસેક હતો અને મંદિરની આસપાસ ફરતો હતો. તેને કોઈ જોઈ ન જાય તે માટે તે નીચો વળીને સંતાતો હતો. તેથી પોલીસ ઓફિસરોને પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ કોઈ શકમંદ મળ્યો ન હતો. ત્રણ મૂર્તિઓ અને દાનથી ભરેલી પેટીઓ પણ ચોરાઈ ગઈ હતી. તેને પરિણામે સમાજમાં ભારે હોહા મચી ગઈ હતી.
વિલ્સડન મંદિરની ટેમ્પલ કમિટીના સભ્ય ઉમંગ જેસાણીએ જણાવ્યું હતું કે ૧૯૭૫માં આ મંદિર ખૂલ્લું મૂકાયુ ત્યારથી આ મૂર્તિઓ મંદિરમાં હતી. આ મૂર્તિઓ ગુજરાતમાં ભૂજ ખાતે આવેલા અમારા માતૃ મંદિર દ્વારા અમને અપાઈ હતી. આ મૂર્તિઓની ધાર્મિક પરંપરા મુજબ પૂજાવિધિ થતી હતી અને હિંદુ સમાજમાં તેનો ખૂબ પ્રભાવ હતો. યુકેના વિવિધ સમાજનું અમને ખૂબ સમર્થન હતું. આ ઘટનાને લીધે સમાજને ભારે આઘાત લાગ્યો છે. આ ઘટનાઓ અંગે હિંદુ કાઉન્સિલ યુકે દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તમામ હિંદુ મંદિરોને સાવચેત રહેવા તેમજ તમામ સિક્યુરિટી સિસ્ટમ મૂકવામાં આવી છે કે કેમ અને તે ચાલુ હાલતમાં છે કે નહીં તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.