મથ્થેણ વંદામિ: પર્યુષણ પર્વે ક્ષમાપના

Tuesday 15th September 2015 05:16 EDT
 
 

ગુરુવાર ૧૭ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ચોથ) ના જૈન સંપ્રદાયની સંવત્સરી છે. સંવત્સરીએ ક્ષમાપનાનો મંગલ અવસર છે. જાણ્યે અજાણ્યે આપણા થકી જે કંઈ અશાતના, મનદુઃખ કે કોઈપણ પ્રકારની હિંસા થઈ હોય એની ક્ષમાપના કરવાની આ પરંપરા અને પ્રક્રિયા છે. આપણા જાણીતા કવિ શ્રી પંકજ વોરાની એક વિશિષ્ટ રચના ‘મથ્થેણ વંદામિ’ પ્રસ્તુત કરી આપણે સૌ આપણી ક્ષતિ માટે હૃદયપૂર્વક પ્રતિક્રમણ કરીએ ને કહીએ ‘મિચ્છામી દુક્કડમ્’. આ પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી અમારા સમગ્ર જૈન પરિવારજનો, વાચકમિત્રો, જાહેરખબર દાતાઅો અને શુભેચ્છક મિત્રોને હ્રદયપૂર્વકના 'મિચ્છામી દુક્કડમ્'.

મથ્થેણ વંદામિ

અશાતા કે આવેશથી પરિતાપ કે પૂર્વગ્રહથી

કઠોરતા કે કલેશથી ખિન્નતા કે ખુન્નસથી

ગમગીનતા કે ગુમાનથી વક્રતા કે વિતંડાવાદથી

નગરાઈ કે નિમ્નપણાથી બેરુખી કે બુઝદિલીથી

આલસ્ય કે અવિવેકથી કડવાશ કે કૃતઘ્નતાથી

બાલિશતા કે બેવકૂફીથી આળાંપણા કે અમૂંઝણથી

અભદ્રતા કે અક્ષમતાથી સંશય કે સતામણીથી

પંગુતા કે પ્રમાદથી કઠણાઈ કે કુંઠિતતાથી

વિચારશૂન્યતા કે વંચનાથી ઉશ્કેરાટ કે ઉપેક્ષાથી

દુર્વર્તન કે દુભવણીથી અસૂઝ કે અતિચારથી

નારાજી કે નઠોરતાથી કટુતા કે કુવેણથી

વિષમતા કે વિકલતાથી ગફલત કે ગેરસમજથી

અપેક્ષાભંગ કે અતિક્રમથી ક્ષુબ્ધતા કે ક્ષોભથી

શૂન્યતા કે સંતાપથી ઉવેખના કે ઉદ્ધતાઈથી

જીભાજોડી કે જોહુકમીથી આછકલાઈ કે અભદ્રતાથી

રઘવાટ કે રૂંધામણથી કૃપણતા કે ક્લિષ્ટતાથી

અંતરાય કે અસમતાથી પ્રલાપ કે પોકળતાથી

કઢંગાપણા કે કિન્નાથી અસૂયા કે અવગણનાથી

ઉગ્રતા કે ઉદ્વેગથી અપકર્મ કે અપુણ્યથી

વિદ્રોહ કે વિહવળતાથી ડંખ કે ડાટથી

અશુચિતા કે અનાડીવેડાથી તકરાર કે તુચ્છતાથી

વ્રણ કે વરવાઈથી પ્રલાપ કે પ્રત્યાઘાતથી

અવિવેક કે આશંકાથી દંભ કે દુર્લક્ષથી

અકડાઈ કે ઓછપથી રંજ કે રીસામણાથી

ક્ષતિ કે ક્ષુદ્રતાથી ઈર્ષા કે ઈતરાજીથી

દુઃખ કે દ્વેષથી હાલાકી કે હેરાનગતિથી

વાગ્બાણ કે વિવશતાથી નિંદા કે નીચાજોણાથી

થતી રહેલી ઉચ્ચાર આચાર ને વિચારની

૧૦૮ દોષાવલિ માટે ૧૦૦૮ ક્ષમાવલિ

ઉર ભરીને

પંકજ વોરા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter