માતૃભાષા સમાન કોઈ ભાષા નથી, ભાષાથી જ આપણે આપણી ઓળખ ઊભી કરીએ છીએ. બીજી ભાષાઓ ગમે તેટલી આવડતી હોય પણ આપણે વિચારીએ તો માતૃભાષામાં જ છીએ. અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજી દિનપ્રતિદિન વધતાં જ ચાલ્યાં છે, તેથી જ્ઞાનની ગંગામાં પણ ભરતી આવતી જાય છે.
21મી સદી જ્ઞાનની સદી કહેવાઈ છે તે સત્ય છે. 2000ની સાલથી વિશ્વ માતૃભાષા દિનની ઊજવણી થાય છે. બધી જગ્યાએ જુદાં જુદાં કાર્યક્રમો યોજાય છે. આપણે આપણી માતૃભાષા ગુજરાતીના ગૌરવગાન અને સંવર્ધન માટે જાગૃત રહેવું જરૂરી બન્યું છે. વિશ્વમાં 7000 ભાષાઓ બોલાય છે. વિશ્વની સૌથી વધુ માતૃભાષા ધરાવતી 30 ભાષામાં ગુજરાતી ભાષાનું સ્થાન 23મુ છે.
છેલ્લા દશકામાં અંગ્રેજી માધ્યમના વ્યાપક પ્રવેશથી પ્રજાના માનસમાં ગૂંચવાડો ઊભો થયો છે, તેમાંથી મુક્તિ અપાવવાનો અને યોગ્ય સમજણ ઊભી કરવાની જરૂર છે. ગુજરાતી ભાષાની શિક્ષિકા હોવાના નાતે ચિંતા થાય એ સ્વાભાવિક છે. વિશ્વમાં ગુજરાતીઓ તો બધે ફેલાયેલા જ છે. તેઓ તો ત્યાં ગુજરાતી બોલે જ છે, ગામડાંઓમાં પણ પ્રત્યેક ઘરમાં ગુજરાતી બોલાય છે પણ મહાનગરોમાં રહેતાં યુવાન મા-બાપ પોતાનાં સંતાનોને મોંઘીદાટ ફી વાળી અંગ્રેજી માધ્યમવાળી સ્કૂલમાં જ મોકલવામાં ગૌરવ માને છે, જે યોગ્ય નથી.
અત્યારના મા-બાપને એ ચિંતા છે કે અમારું બાળક જો ગુજરાતી માધ્યમમાં ભણશે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તે પાછળ રહી જશે અને એટલે જ તો પરિસ્થિતિ એ છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલતી જાય છે અને ગુજરાતીની શાળાઓ બંધ થતી જાય છે. અંગ્રેજી માધ્યમનો પ્રચંડ પાવન વાઈ રહ્યો છે, એ પવનના વેગમાં માતૃભાષાને ચિંથરેહાલ આપણે બનાવી રહ્યા છીએ.
ગાંધીબાપુ તો કહી ગયા છે કે ‘માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો ભળે છે, તેના પછીના ક્રમે માતૃભાષા આવે છે.’ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, બીજી પણ સ્વૈચ્છિક સંસ્થાઓ માતૃભાષાના રક્ષણ અને સંવર્ધન માટે જુદા જુદા કાર્યક્રમો કરતી રહે છે.
આમ ભાષા એ તો સંવાદનું માધ્યમ છે. આપણે આપણા વિચારો, ઊર્મિઓ, ભાવાભિવ્યક્તિ આ ભાષાના માધ્યમથી જ કરીએ છીએ, તેથી જ આ કામ સરળતાથી કરી શકીએ છીએ. આમ માતૃભાષા સંસ્કૃતિનું પણ માધ્યમ છે. કલા, સાહિત્ય, સંગીત, માતૃભાષા દ્વારા જ વિકાસ પામે છે. બીજી ભાષાના માધ્યમથી પ્રત્યાયન ક્ષમતાની ગતિ ધીમી હોય છે. આમ ‘નાસ્તિ માતૃ સમા ભાષા’
મહર્ષિ અરવિંદને કહેવું પડ્યું કે ‘માતાની હૂંફની બાળકને જેટલી જરૂર છે, તેટલી જ માતૃભાષાની પણ છે જ.’ છતાં ક્યાંક એની ઉપેક્ષા થતી જોવા મળે છે. બાળક જેટલું માના ખોળામાં ખીલે, તેટલું આયાના ખોળામાં ન ખીલે. ગુજરાતી ભાષા તો હૈયે હોવાથી એ તરત જ કોઠે આવી જાય છે. આ આપણે અંગ્રેજી ભાષાના વિરોધી નથી પણ આપણા કવિ નિરંજન ભગત કહેતા કે, ‘માધ્યમ ગુજરાતી, ઉચ્ચ અંગ્રેજી.’ તો કવિવર્ય ઊમાશંકર જોષી લખે છે કે, ‘ગુજરાતીમાં લખતો એક હું ભારતીય લેખક છું.’ તો યુવાન કવિ ઉદયન ઠક્કર વ્યથા વ્યક્ત કરે છે કે ‘ખોવાઈ ગઈ છે, ગુમ થઈ છે કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી શાળાના સંચાલક અને માતા-પિતાની બેદરકારીથી ગુજરાતી લખતી વાંચતી એક આખી પેઢી!’
તો વિપિન પરીખ લખે છે કે, ‘મને મારી ભાષા ગમે છે કારણ કે હું મારી બાને બા કહી શકું છું.’
આમ વિશ્વના પ્રયોગોએ પૂરવાર કર્યું છે કે ઘર અને શાળાની ભાષા જુદી પડે છે એટલે બાળક મૂંઝાય છે. વિદ્યાર્થીના અનુભવો, કૌશલ્યો, જ્ઞાનની સમૃદ્ધિના વિકાસમાં માતૃભાષા જ અસરકારક ભાગ ભજવી શકે તેમ છે. ‘હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વિચારે ગજગજ ફૂલે છાતી.’ (વિનોદ જોષી) ‘આમ સદા સૌમ્યથી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી’ (કવિવર્ય ઊમાશંકર જોષી) આમ આપણી ભાષા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે તો ભાષા જીવી જશે. હું અહીં યુકે આવી છું તેથી મારા વિચારો મૂક્યા છે.