અમે કુંભ મેળા અને અયોધ્યાની યાત્રાએ નીકળ્યા તે પહેલા અમને અનેક પ્રકારની ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમણે અમને ત્યાં નહિ જવા ચેતવણી આપી હતી, ત્યાં અસંખ્ય લોકો હશે અને ત્યાં યાત્રા મુશ્કેલ બની રહેશે, કોઈપણ ભાગદોડમાં ઈજા થવાનું જોખમ રહેશે, પાણી ઘણું જ ગંદુ હશે અને ચેપ લાગવાનું જોખમ હોવાં સાથે સ્નાન નહિ (ડૂબકી નહિ લગાવવા) કરવા સહિતની ચેતવણીઓ અમને મળી હતી. ઘણા થોડા લોકોએ અમને જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને જે લોકો જઈ આવ્યા હતા તેમણે અમને ઘણી સારી સલાહો આપી હતી.
સૌ પહેલા તો ફ્લાઈટ્સ બૂક કરવી અને રહેવાની જગ્યા ફિક્સ કરી લઈએ તે પડકારરૂપ હોવાથી તેની ચોકસાઈ આવશ્યક હતી. સારા નસીબે અમારા ટ્રાવેલ એજન્ટ પ્રયાગરાજમાં જ હતા અને તેઓ એકોમોડેશનની તપાસ કરી યોગ્ય સ્થળની ભલામણ કરી શક્યા હતા. અમે મુનિજીના પરમાર્થ આશ્રમમાં બૂકિંગ કરાવી શક્યા હતા જે ગંગાતટથી માંડ 200-300 મીટરના અંતરે હતો અને ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમસ્થળ- ત્રિવેણી સંગમ પર બોટમાં જઈ શકાય તેમ હતું. ખાસ કરીને આ મહા કુંભ મેળા દરમિયાન, પવિત્ર સ્નાન કરવા માટે આ સૌથી પવિત્ર સ્થળ હતું. કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે પરંતુ, મહા કુંભ દર 144 વર્ષે આવતો હોવાથી વિશેષ પવિત્ર પર્વ કહેવાય! આ એવો સમય છે જ્યારે છ ગ્રહ – શુક્ર, ગુરુ, શનિ, યુરેનસ નેપચ્યૂન અને ચંદ્ર એક રેખામાં આવે છે. અમે 23 અને 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ હતા. હું આ અનુભવનું વર્ણન માત્ર પવિત્ર તરીકે જ કરી શકું છું અને અમને બધાને સ્નાન કરીને અને અમારા પિતૃઓ, પરિવારજનો અને મિત્રો માટે પ્રાર્થના કર્યા પછી અતિશય શાંતિનો ઊચ્ચ સ્તરીય અનુભવ થયો હતો. આપણે જ્યારે અન્યો માટે પ્રાર્થના કરીએ ત્યારે હંમેશાં અનોખી લાગણી અનુભવાય છે.
પ્રયાગરાજના સમગ્ર ગંગા નદી વિસ્તારમાં લાખો લોકો જોવાં મળ્યાં. ખોવાઈ કે ભૂલા પડી જવાનું જોખમ પણ હતું. સાચું કહીએ તો અમે સંપૂર્ણ શ્રદ્ધા સાથે ગયા હતા અને બધી ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી. હું દૃઢપણે માનું છું કે જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધા સાથે જાઓ ત્યારે થોડા ઘણા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છતાં, ઈશ્વર તમે એમની પાસે પહોંચી શકો તે માટે હંમેશાં માર્ગ ખુલ્લો કરે જ છે.
પ્રયાગરાજ એરપોર્ટ પહોંચ્યા પછી, રેખા અને મેં મોટરબાઈક્સ પર સવારી કરી પરમાર્થ આશ્રમ સુધી પહોંચવા ભારે ટ્રાફિક અને ભીડમાં એક કલાક પસાર કરવો પડ્યો હતો. અમે આના પહેલા આવી સવારી કરી ન હતી. આ કસોટી હતી પરંતુ, સાથોસાથ અમે વાતાવરણને અનુકૂળ થઈ શક્યા હતા. હજારો લોકો અને તેમના પરિવારો પવિત્ર સ્નાન કરવા નદીતટે પહોંચલા માઈલો અને માઈલો સુધી ચાલતા હતા. તેઓ થાક્યા વિના આગળ વધતા રહેવાય તે માટે ચાલતા ચાલતા ‘જય શ્રીરામ’ અને ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરતા રહ્યા હતા. તેમની આ ઊંડી શ્રદ્ધા અને કટિબદ્ધતા નિહાળીને કોઈને પણ લાગણી અનુભવાય તેમાં શંકા નથી. ઘણા યાત્રાળુઓ કાશી (બનારસ), અયોધ્યા અને પ્રયાગરાજની ત્રિકોણીય યાત્રા કરી રહ્યા હતા.
અમે સાંજના સમયે વિશિષ્ટ અને ઊર્જાધોધ વહાવતી ગંગા આરતી માટે પૂજ્ય મુનિજી- સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે જોડાયા હતા. આ અનુભવ પવિત્ર અને આનંદપૂર્ણ બની રહ્યો હતો.
ઘણા લોકો એવી ટીપ્પણી કરશે કે નદીના ઠંડા જળમાં માત્ર ડૂબકી લગાવવી તેમાં કશું પવિત્ર નથી. મારે તો એટલું જ કહેવાનું છે કે આપણે કરી શકીએ તેવા સૌથી પવિત્ર આધ્યાત્મિક ઉત્થાનોમાં આ એક છે. તમે હળવાશ અનુભવો, આશીર્વાદ પામો, શાંતિ પામો અને ઈશ્વરની સાથે નિકટતા અનુભવો તેવી લાગણી થાય છે. માત્ર અમે એકલા જ ન હતા. લાખો યાત્રાળુ, શ્રદ્ધાળુ લોકોએ આમ કર્યું, અનુભવ્યું હતું. મુખ્યમંત્રીઓ, પ્રાઈમ મિનિસ્ટરો, ઉદ્યોગપતિઓ અને પ્રસિદ્ધ અભિનેતાઓ પણ આમ કરવામાં સામેલ થયા હતા. આમાં કશીક તો વિશિષ્ટતા હોવી જ જોઈએ.
અયોધ્યા મંદિર અને રામ લલાના દર્શન પણ વિશિષ્ટ અને મહાન અનુભવ રહ્યો. મંદિરની આસપાસનું તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકતાનો ઓપ ધરાવે છે. અમને સૌથી વધુ ચિંતા લાંબી લાઈનો મહોવા વિશે હતી અને અમે અમારા વિકલ્પો પણ ચકાસ્યા હતા. અમે ચાલી શકતા નથી તેવા બહાના હેઠળ વ્હીલચેર્સ ભાડે લઈ શકાશે તેમ જમાવાયું હતું. જોકે, અમારાં શરીર સ્વસ્થ હોવાથી આ વિકલ્પ અમને યોગ્ય લાગ્યો નહિ. રીક્ષા ડ્રાઈવરની મદદ સાથે અમે આસ્થાનો કૂદકો લગાવ્યો અને કશી વ્યવસ્થા ચોક્કસ થઈ જશે તેવી લાગણી સાથે અમે ત્યાં પહોંચી ગયા. અમારા સાનંદાશ્ચર્ય થકી અમે અમારા બ્રિટિશ પાસપોર્ટ દર્શાવીને જ મંદિર ચાલતા પહોંચી ગયા. વિદેશીઓ તરીકે અમને સરળ માર્ગ આપી દેવાયો અને માત્ર દોઢ કલાકમાં દર્શન કરી સલામતીપૂર્વક બહાર પણ આવી ગયા!
પ્રયાગરાજ અને અયોધ્યામાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા શ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી હતી અને અમારે જ્યારે પણ મદદની જરૂર પડી ત્યાં તેઓએ સારી મદદનો હાથ લંબાવ્યો હતો.
અમારા પર ઈશ્વરની કૃપા વરસી હતી!!!
(લેખક ICAEWના આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ 2021ના વિજેતા, ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, એટલી સેન્ટર ફોર યૂથ્સ અને મૂર પાર્ક (૧૯૫૮) લિમિટેડના ચેરમેન તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ છે)