લંડનઃ મહાત્મા ગાંધીના પ્રસિદ્ધ સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષની ઉજવણી લંડનના નેહરુ સેન્ટરમાં સોમવાર, ૧૦ એપ્રિલે કરવામાં આવી હતી. આ સમયે પીઢ NRI જર્નાલિસ્ટ ડો. વિજય રાણા દ્વારા નિર્મિત અને લિખિત દસ્તાવેજી ફિલ્મ ‘સાબરમતી આશ્રમઃ ધ હોમ ઓફ ગાંધી’ઝ એક્સપરિમેન્ટ્સ વિથ ટ્રુથ’ દર્શાવવામાં આવી હતી. મિસ ઉત્તરા એસ. જોશી અને શ્રીમતી કુસુમ પી. જોશીએ ગાંધીજીના પ્રિય ભજનો ‘વૈષ્ણવ જન’ અને ‘રઘુપતિ રાઘવ’ ગાઈને વાતાવરણને અનેરી સુમધુરતા બક્ષી હતી.
ગાંધીજીએ ૧૯૧૭માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ૩૬ એકર ખરાબાની જમીન પર આ પ્રસિદ્ધ આશ્રમ કેવી રીતે સ્થાપ્યો તેની વાત ફિલ્મમાં વણી લેવાઈ છે. આ જમીન પર સાપોનું વર્ચસ્વ હતું અને ગાંધીજીએ સૌપહેલી વાત એ કરી કે કોઈ સાપની હત્યા કરવી નહિ. આગામી ૧૩ વર્ષ સુધી આ સ્થળ ગાંધીજીની કર્મભૂમિ બની રહ્યું હતું.
ફિલ્મમાં આશ્રમવાસી ગાંધીજીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રેંટિયા અને હાથવણાટની ખાદી મારફત આર્થિક સ્વાતંત્ર્ય, અસ્પૃશ્યતા જેવા સામાજિક દુષણો સામે લડત, વિદેશી માલસામાનનો બહિષ્કાર, અસહકાર, શાંતિપૂર્ણ નાગરિક આજ્ઞાભંગ કે સવિનય કાનૂનભંગ અને દમનકારી મીઠાના કાયદાના ભંગ સહિત તેમના અનેક ક્રાંતિકારી વિચારોએ આ આશ્રમમાં જન્મ લીધો હતો. ગાંધીજીના વિચારોએ ઈતિહાસનો માર્ગ બદલી નાખ્યો હતો અને વિશ્વભરમાં આઝાદી, ન્યાય અને માનવીય ગૌરવને ઝંખતા લોકો માટે આશાનાં કિરણોનું દર્શન કરાવ્યું હતું. ડો. રાણા કહે છે,‘કલ્પના કરો ૧૦૦ વર્ષ અગાઉ ગાંધીજી વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય સામે નિઃશસ્ત્ર લડવા અર્ધનાગા અને ભૂખ્યાં ગરીબોને સંગઠિત કરી રહ્યા હતા.’
આ ફિલ્મમાં દર્શાવાયું છે કે બ્રિટિશતરફી અખબારોએ દાંડીની મીઠા કૂચને કેવી રીતે હસી કાઢી હતી. ઈંગ્લેન્ડની પ્રજા એ વિચારતી હતી કે વેરાન સમુદ્રતટે એક ચપટી મીઠું ઉપાડવાથી શક્તિશાળી બ્રિટિશ ભારતીય સરકારને શું નુકસાન કરી શકાશે? કોઈને કલ્પના પણ ન હતી કે ગાંધીજીની એક હાકલે લાખો ભારતીયો બ્રિટિશ રાજની અવહેલના કરી શેરીઓમાં દોડી આવી મીઠાના કાયદાને તોડી નાખશે. ગાંધીજીએ દાંડીકૂચ કે સોલ્ટ માર્ચમાં ૭૮ આશ્રમવાસીની પસંદગી કરી હતી તેમાંના એક અનુયાયી સુમંગલ પ્રકાશ દ્વારા કૂચનો આંખે દેખ્યો અહેવાલ પણ ફિલ્મમાં રજૂ કરાયો છે. ગાંધીજીએ છઠ્ઠી માર્ચ, ૧૯૩૦ના દિવસે સોલ્ટ માર્ચ માટે સાબરમતી આશ્રમ છોડ્યો ત્યારે તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે ભારત પૂર્ણ સ્વરાજ હાંસલ કરે તે પછી જ તેઓ સાબરમતી આશ્રમમાં પાછા ફરશે અને તેઓ કદી આશ્રમમાં પાછા ફર્યા ન હતા.
આ ફિલ્મ દર્શાવાયા પછી લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે મિનિસ્ટર કો-ઓર્ડિનેશન એ.એસ. રાજને જણાવ્યું હતું કે આ ફિલ્મમાં ગાંધીજીએ ઉપદેશ આપેલા અહિંસા, શાંતિ, પ્રેમ અને સંવાદિતા સહિતના મૂલ્યોનું યોગ્ય પ્રતિબિંબ જોવાં મળે છે.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સીબી પટેલે તેઓ ૧૨ વર્ષના વિદ્યાર્થી હતા ત્યારે ૧૯૪૯માં સાબરમતી આશ્રમની પોતાની પ્રથમ મુલાકાત યાદ કરી હતી. તેમણે ઓડિયન્સને કહ્યું હતું કે એક સમયે આશ્રમ તરફ બેદરકારી સેવાતી હતી તે આજે અમદાવાદના નગરજીવન અને પ્રવાસન માટે કેન્દ્રરુપ બની ગયો છે.
ફિલ્મનિર્માતા ડો. વિજય રાણાએ જણાવ્યું હતું કે,‘ગાંધીજીના સાબરમતી આશ્રમની શતાબ્દિ ઉજવાઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયાના આ યુગમાં ધ્યાન અન્યત્ર ખેંચાતું રહે છે તે સંજોગોમાં ગાંધીજીની કથા કહેવાનો આ વિનમ્ર પ્રયાસ છે. હું હૃદયથી ગાંધીવાદી છું. અહિંસાનો તેમનો વિચાર મને સદા પ્રેરતો રહ્યો છે. તેમણે અન્યો સાથે મળી ભારતમાતાને આઝાદી અપાવવામાં જે ભૂમિકા ભજવી તે કલ્પનાતીત છે. તેમણે લડવા માટેની શક્તિ ક્યાંથી મેળવી અને તેમના વિચારોનું ઘડતર કેવી રીતે થયું તે સમજવા તેમના વિશે પ્રાપ્ય પુસ્તકો, લેખો હું વાંચતો જ રહું છું.’ તેમણે ભારતના અંતરિયાળ ગામોમાં ગાંધીજી વિશે શિક્ષણનો અભાવ જોયા પછી આ ફિલ્મનિર્માણની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્વચ્છતા વિશે ગાંધીજીના વિચારો અંગે કહ્યું હતું કે ભારતમાં સ્વચ્છતા દરેક નાગરિકનું કર્તવ્ય છે. ગાંધીજીએ સાચુ જ કહ્યું હતું,‘આપણે દરેક પોતાની ફરજ નિભાવીએ, જો હું મારા પ્રત્યે સેવાની ફરજ નિભાવીશ તો હું અન્યોની સેવા પણ કરી શકીશ.’