લંડનઃ હેરોના રેનેર્સ લેનસ્થિત ઝોરોસ્ટ્રીઅન સેન્ટરના હોલમાં શુક્રવાર 11 ઓક્ટોબરે પદ્મવિભૂષણ સર રતન નવલ તાતા (1937-2024)ની ઉઠમણા પ્રાર્થના યોજવામાં આવી હતી. પદ્મવિભૂષણ સર રતન નવલ તાતાની ઉઠમણા પ્રાર્થનાઓ કરાવનારા ત્રણ ઝોરોસ્ટ્રીઅન પૂજારીઓમાં મેટ્રોપોલિટન પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ઝૂબીન પી. રાઈટર, ZTFEના રેસિડેન્ટ પ્રિસ્ટ અરવાદ યઝાદ ટી ભાધા અને વરિષ્ઠ પ્રિસ્ટ અરવાદ ઝૂબીન આર ભેડવારનો સમાવેશ થયો હતો. ઝૂબીન આર ભેડવારના પિતા દિવંગત અરવાદ રુસી કે ભેડવાર દ્વારા 1990ના દાયકાના પૂર્વાર્ધમાં પેરિસ ખાતે દિવંગત જેઆરડી તાતાના ફ્યુનરલમાં પ્રાર્થના કરાઈ હતી.
પ્રાર્થનાસભાની અગ્રતા સંભાળી રહેલા લોર્ડ કરન એફ બિલિમોરીઆએ અંગત અને લાગણીસભર સંબોધન કર્યું હતું. લોર્ડ બિલિમોરીઆએ પદ્મવિભૂષણ સર રતન નવલ તાતા સાથે વર્ષ 2002થી તેમના સંબંધની વાત કરવા સાથે કેમ્બ્રીજ યુનિવર્સિટી ઈન્ડિયા એડવાઈઝરી બોર્ડમાં સભ્યપદ સહિત અસંખ્ય સમાન રસ વિશે જણાવ્યું હતું. શ્રી રતન નવલ તાતાને યુકેમાં ઉદ્યોગો, પરોપકાર અને રોજગાર ક્ષેત્રોમાં અનન્ય પ્રદાન કરવા બદલ દિવંગત ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા 2014માં નાઈટહૂડની નવાજેશ કરાઈ હતી. આ પછી, તાતાએ ટેટલી ટી, કોરસ સ્ટીલ, જેગુઆર લેન્ડ રોવર જેવી યુકેની કંપનીઓમાં મહત્ત્વપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ્સ કર્યા હતા તેમજ યુકેમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નું મુખ્ય સ્થળ પણ બનાવ્યું હતું. તેમણે એક ઉદાહરણ આપ્યું હતું કે 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીના સમય દરમિયાન, મુંબઈની ફ્લાઈટમાં સર રતને તત્કાલીન યુકે સરકાર દ્વારા સપોર્ટના અભાવ વિશે નિરાશા વ્યક્ત કરી હતી પરંતુ, યુકે સરકારની કોઈ મદદ વિના પણ કટોકટીના ગાળામાં પોતાનો માર્ગ શોધી લેવાનો મક્કમ નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. તેમના શબ્દો હતા,‘અમારે આ જાતે જ કરી લેવું પડશે અને હું જાણું છું કે અમે આ કરી શકીશું.’ લોર્ડ બિલિમોરીઆએ સર રતનને પોતાના આદર્શ ગણાવ્યા હતા અને જેમણે હંમેશાં તેમને પ્રેરણા આપી છે તેવા અદ્ભૂત વ્યક્તિત્વને તેઓ હંમેશાં ઊચ્ચ પ્રતિષ્ઠિત સ્થાને રાખશે. લોર્ડ બિલિમોરીઆએ અંતરમનથી રાષ્ટ્રભક્ત ભારતીય તેમજ સારા વિનમ્ર ઝોરોસ્ટ્રીઅન એવા સાચા અર્થમાં મહાન વ્યક્તિ પ્રત્યે આદરના પ્રતીકરૂપે ઉઠમણા પ્રાર્થના યોજવા બદલ ઝોરોસ્ટ્રીઅન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ને અભિનંદન પાઠવ્યા હતા.
ઈન્ડિયન હોટેલ્સ કંપનીના એરિયા ડાયરેક્ટર યુકે અને સેન્ટ જેમ્સ કોર્ટ હોટેલના જનરલ મેનેજર મેહેરનવાઝ અવારીએ સર રતનને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ તાતા ગ્રૂપ સાથે તેમની 24 વર્ષની કારકીર્દિ અને સર તાતા સાથે પારસ્પરિક સંપર્કો વિશે જણાવ્યું હતું. ઉઠમણાની પ્રાર્થનામાં તાતા ગ્રૂપના વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. ભારતીય હાઈ કમિશનમાં ઈકોનોમિક્સ અને ઈન્કમ ટેક્સના ફર્સ્ટ સેક્રેટરી લક્ષ્મી નારાયણે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લંડનના હેરો બરોના કાઉન્સિલરોએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. હેરોના ત્રણ પૂર્વ મેયર પણ ઉઠમણા પ્રાર્થનામાં ઉપસ્થિત રહ્યા હતા.
ZTFEના પૂર્વ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી દોરાબ ઈ મિસ્ત્રી OBEએ કાર્યવાહીનું સંચાલન કર્યું હતું જ્યારે ZTFEના પ્રેસિડેન્ટ માલ્કોમ એમ દેબૂએ તાતાઝ સાથે ZTFEના ગાઢ સંબંધની રૂપરેખા દર્શાવતું ટુંકુ સંબોધન કર્યું હતું. તાતા ગ્રૂપના સ્થાપક જમશેદજી એન તાતા તેમજ તેમના પુત્રો સર દોરાબ અને સર રતનને સરેના બ્રૂકવૂડમાં આવેલી ZTFE સેમેટ્રીમાં દફનાવાયા છે. ZTFEના પૂર્વ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી રુસી કે દલાલે પણ સર રતન નવલ તાતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ZTFEના ઈન્ફોર્મેશન ઓફિસર ડો. કરિશ્મા કોકાએ અનેક ઘર્મોના બનેલા વિશાળ ઓડિયન્સ સમક્ષ ઉઠમણા પ્રાર્થનાના મહત્ત્વ વિશે સમજાવ્યું હતું. પવિત્ર ઝોરોસ્ટ્રીઅન ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે કે મૃત્યુના ત્રીજા દિવસ પછી અવિનાશી આત્મા જીવન પછીની યાત્રાનો આરંભ કરવા શરીરથી પોતાને અલગ કરે છે અને ચોથા દિવસે આત્માને તેના સારાં કાર્યો અને સારાં શબ્દો તેમજ ખરાબ શબ્દો અને ખરાબ કાર્યોના સંદર્ભે ન્યાય તોળવામાં આવે છે.
પ્રાર્થનાસભામાં વિવિધ ધર્મોના અગ્રણીઓ સાચા અર્થમાં અભૂતપૂર્વ વ્યક્તિત્વ તરીકે હંમેશાં આદર અને સન્માન આપતા હતા તેવા સર રતન તાતાને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહ્યા હતા. ZTFEના પ્રેસિડેન્ટ માલ્કોમ એમ દેબૂએ વિશાળ સંખ્યામાં એકત્રિત લોકોનો આભાર માન્યો હતો જ્યારે ટુંકી નોટિસે ચોકસાઈપૂર્વક અને કાર્યક્ષમતા સાથે પ્રાર્થના સભાનું આયોજન કરવા બદલ સહુએ માલ્કોમ દેબૂની પ્રશંસા કરી હતી.
સર રતન તાતા સાચા અર્થમાં મહાન અને સાચા અર્થમાં લેજન્ડઃ નવીન શાહ CBE
ઝોરોસ્ટ્રીઅન સેન્ટર ખાતે સર રતન તાતાને આદરાંજલિ અર્પતા લંડન એસેમ્બલીના પૂર્વ ચેર અને હેરો કાઉન્સિલના પૂર્વ નેતા નવીનભાઈ શાહ CBEએ જણાવ્યું હતું કે સર રતન તાતા લેજન્ડ હોવા વિશે કોઈ જ શંકા નથી. સર રતનના યોગદાન વિશે જાણનારા સહુ કોઈના મતે તેઓ મહાન અને સાચા અર્થમાં લેજન્ડ હતા. સર રતન તાતાને એક ઈન્ટરવ્યૂમાં તેમના અને અંબાણી વચ્ચે તફાવત પૂછાયો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘હું ઉદ્યોગપતિ છું જ્યારે મૂકેશ અંબાણી બિઝનેસમેન છે.’ ઉદ્યોગો સ્થાપ્યા પછી ઉદ્યોગપતિ તેમની કાળજી રાખે છે, દેશના હિત પર પહેલા ધ્યાન આપે છે અને બિઝનેસમેન સૌ પહેલા તેમના નફા અને નુકસાન પર ધ્યાન આપે છે. આ બાબત તાતાની આજીવન નૈતિકતા અને તેઓ શું હતા તે સ્પષ્ટ કરે છે. દિવંગત સર રતન તાતા તેની વિશ્વભરમાં પથરાયેલી ઈન્ડસ્ટ્રીઝ સાથે દિગ્ગજ હતા અને તેમણે સર્જન કરેલી સંપત્તિમાંથી ‘રાષ્ટ્રનિર્માણ’ પ્રત્યે તેમનું યોગદાન ભારતીયોની પેઢીઓને લાભદાયી, તેમના કર્મચારીઓ અને ગરીબ લોકોને સપોર્ટ કરવાનું રહ્યું હતું.
સર રતન તાતાના પરિવારજનોએ એક સંદેશામાં જણાવ્યું છે કે,‘ તેમની વિનમ્રતા, ઉદારતા અને ધ્યેયનો વારસો ભાવી પેઢીઓને પ્રેરણા આપવાનું ચાલુ રાખશે.’ હું આમાં ઉમેરીશ કે અંબાણી, રિલાયન્સ, અદાણી, હિન્દુજા અને તેમના જેવા અનેક બિઝનેસીસ અને મોટા માંધાતાઓ સર રતન તાતાના નક્શેકદમને અનુસરી શકે છે કારણકે માનવતા, ન્યાય તેમજ સર્વ માનવો અને ખાસ કરીને ગરીબો અને વંચિતો માટે કાળજી અને ચિંતા માટે તેમનો વારસો જીવંત રહેવો જ જોઈએ. સર રતન તાતાનું સ્મરણ હંમેશાં આપણી સાથે રહેશે અને પ્રેરણા આપતું રહેશે. તેમના આત્માને શાશ્વત શાંતિની પ્રાર્થના કરીએ.