ગત રવિવારે (૨૨ ફેબ્રુઅારી) લેસ્ટરના હિલયાર્ડ રોડ પર અાવેલ શ્રી નીતિબેન મહેશભાઇ ઘીવાલા સેન્ટર (શ્રી રામ મંદિર)માં શ્રી લોહાણા મહાજન અાયોજિત એક ગૌરવશીલ કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર સાંપડ્યો. તબીબીક્ષેત્રે અદભૂત સિધ્ધિ હાંસલ કરનાર લોહાણા સમાજના સપૂત અને બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશનના ચેર અોફ કાર્ડિયોલોજી અને યુનિવર્સિટી અોફ લેસ્ટરના પ્રોફેસર સર નીલેશ જયંતિભાઇ સામાણીને મેડીસીન અને મેડિકલ રીસર્ચની પ્રસંશનીય સેવા બદલ બ્રિટનનાં મહારાણીએ નાઇટહૂડનો ઇલ્કાબ અાપી સન્માનિત કર્યા છે. દેશ, સમાજ અને કૂળનું નામ રોશન કરનાર સર નીલેશભાઇ સામાણીને લેસ્ટરના શ્રી લોહાણા મહાજન, શ્રી રામ મંદિર અને મહિલા મંડળ દ્વારા માનપત્ર અાપી "સ્ટેન્ડીંગ અોવેશન" સાથે વધાવવામાં અાવ્યા. લગભઘ ૨૫૦ અામંત્રિતોની ઉપસ્થિતમાં શરૂ થયેલ અા કાર્યક્રમનો અારંભ સર નીલેશભાઇના માતુશ્રી કાન્તાબેન સામાણી અને લોહાણા મહાજનના પ્રમુખ શ્રી કાન્તિભાઇ મજીઠિયાના ધર્મપત્ની શ્રીમતી સરલાબેન મજીઠિયાના વરદહસ્તે દીપ પ્રગટાવી થયો. ત્યારબાદપ્રમુખશ્રી કાન્તિભાઇ મજીઠિયાએ સૌનું અભિવાદન કરી સમાજના સેન્ટર વિષે માહિતી રજૂ કરી. ૧૯૯૨થી નીતિબેન ઘીવાલા સેન્ટર ખુલ્લું મૂકાયુ ત્યારથી સતત પ્રગતિશીલ રહ્યું છે અને હવે એમાં સ્થાપિત શ્રીરામ મંદિરનું નવનિર્માણ થઇ રહ્યું હોવાની રજૂઅાત કરી. કાન્તિભાઇએ પ્રાસંગિક પ્રવચન કરી મહારાણી દ્વારા "સર"નો ઇલ્કાબ મેળવનાર નીલેશભાઇની સિધ્ધિને બિરદાવી હતી.
ત્યારબાદ જાણીતા ગાયક-સંગીતકાર શ્રી ચંદુભાઇ મટાણી અને સાથીકલાકારોએ સુરીલું સુગમ સંગીત રજૂ કર્યું હતું. લેસ્ટરના બેલગ્રેવ રોડ પર ન્યુઝ એજન્ટની દુકાનમાં તનતોડ મહેનત કરનાર સર નીલેશભાઇના માતુશ્રી કાન્તાબેન અને દિવંગત પિતાજી શ્રી જયંતિભાઇને ઉદ્દેશીને રામનારાયણ પાઠકનું ગીત "પહેલા પ્રણામ મારા માતાજીને અને બીજા પ્રણામ મારા પિતાજીને કહેજો" ગીત રજૂ કર્યું. ત્યારબાદ જાણીતા ગઝલકાર અાદમ ટંકારવીને યાદ કરી એમની હ્દયસ્પર્શી ગઝલ "હક્કા બક્કા થઇ ગયા પરદેશમાં" રજૂ કરી હતી. સાથે સાથે એમની પૌત્રી શેફાલી દૂતિયાએ શ્રીનાથજીના દર્શનની ઝાંખી કરાવે એવા સુંદર પદ રજૂ કર્યાં. ચંદુભાઇના દીકરા હેમંતભાઇએ તબલા પર સંગત કરી હતી અને અનુપ જલોટાના સહકલાકાર ધિરેન રાયચૂરાએ ગિટાર પર સુંદર તરજો વગાડી હતી.
પ્રમુખશ્રી કાન્તિભાઇએ લેસ્ટર રોયલ ઇન્ફર્મરીના ઇમરજન્સી એન્ડ એક્સીડન્ટ વિભાગના ભૂતપૂર્વ હેડ, ડિમોન્ટફોર્ડ યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર અને બ્રિટીશ મેડિકલ એસોસિએશનના સભ્ય ડો. ગૌતમભાઇ બોડીવાલા (CBE)નો પરિચય અાપી સર નિલેશભાઇ સામાણીની સિધ્ધિના સાક્ષી રહેલા ડો.ગૌતમભાઇને પ્રાસંગિક પ્રવચન માટે અામંત્રિત કર્યા. ગૌતમભાઇએ પોતાનું વક્તવ્ય રજૂ કરતાં પહેલાં સર નીલેશભાઇના માતુશ્રી કાન્તાબેનને ઉદ્દેશીને કહ્યું કે, “હું સ્ટેજ પર અાવી રહ્યો હતો ત્યારે મારા મનમાં સ્વ.શ્રી જયંતિભાઇ સામાણીની યાદ તાજી થઇ, જો એ અાજે હાજર હોત તો હું એમને ભેટીને જરૂર શાબાશી અાપત. નિલેશ મને પહેલેથી મોટાભાઇ તરીકે ગણે છે પરંતુ અાજે સર નિલેશ અને લેડી વર્ષાને હાર્દિક અભિનંદન પાઠવતાં અત્યંત ખુશી અનુભવું છું. ગૌતમભાઇએ કહ્યું કે, “૧૯૮૧માં લેસ્ટર યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન સેરેમની હતી એ વખતે હું લેસ્ટર રોયલ ઇન્ફરમરીના એક્સીડન્ટ એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના ક્લિનિકલ મેડીકલ ટીચર્સના પ્રતિનિધિ તરીકે યુનિવર્સિટીના નિયામક મંડળ (સેનેટ) સાથે સ્ટેજ પર ઉપસ્થિત હતો. એ વખતે એક તરવરિયો યુવાન ફર્સટ મેડિકલ ડિગ્રી હાંસલ કરી રહ્યો હતો જેમાં એેને ૧૦માંથી ૯ ગુણાંક મેળવ્યાનું પ્રાઇઝ અપાઇ રહ્યું હતું. એ વેળાએ મારી બાજુમાં બેઠેલા મારા એક વિદ્વાન તબીબે મને કાનમાં કહ્યું કે, “અા જોઇ તને બહું ગર્વ થતો હશે?". મેં જવાબ અાપતાં કહ્યું,” અાપણે બધાએ અાના માટે બહુ ગર્વ લેવા જેવું છે, એક દિવસ અા સિતારો જરૂર ચમકશે". નીલેશ હું તારો અાભારી છું કે તેં મારો એ બોલ અાજે સાચો પૂરવાર કર્યો.”
વધુમાં તેમણે કહ્યું કે, "કેન્યાના નાન્યૂકીમાં ૧૯ જુલાઇ ૧૯૫૬માં શ્રીમતી કાન્તાબેન અને સ્વ.શ્રી જયંતિભાઇ સામાણીને ઘેર નિલેશભાઇનો જન્મ થયો હતો. તેમણે કીટાલેમાં પ્રાઇમરી એજ્યુકેશન લીધું અને નૈરોબીમાં હાયર એજ્યુકેશન. એમની ત્રણ બહેનો સંધ્યા, ચેતના અને સોનલ. ૧૯૭૧માં એમનો પરવાર લેસ્ટર અાવી સ્થાયી થયો. અહીં નિલેશભાઇએ ચાર્લસ કીન કોલેજમાં O લેવલ અને A લેવલ કર્યા. કૌટુંબિક પરિસ્થિતિનો વિચાર કરી તેમણે લેસ્ટર યુનિવર્સિટીમાં જ એડમીશન લીધું. નિલેશભાઇએ ૧૯૭૮માં મેડિકલ સાયન્સમાં BSc અને ૧૯૮૧માં MB ChB કર્યું ત્યારથી એમની યશસ્વી સિધ્ધિના સોપાનની શરૂઅાત થઇ. નિલેશભાઇ હાયર સ્પેશીયાલીસ્ટ ઇન મેડીસીન અને સ્પેશીયાલીસ્ટ ઇન કાર્ડિયોલોજીમાં સ્નાતક થયા. તેમણે ૧૯૯૪માં ડીસ્ટીંક્શન સાથે ડોકટર અોફ મેડીસીન કર્યું અને એ જ વર્ષે તેમની લંડનની રોયલ કોલેજ અોફ ફીજીશીયન્સમાં ફેલો તરીકે નિયુક્તિ થઇ. દરમિયાન નિલેશભાઇ કન્સલ્ટંટ બન્યા અને મેડીસીન અને કાર્ડિયોલોજીના સિનિયર લેકચરર તરીકે હોદ્દો મળવ્યો. દરમિયાન તેમણે બ્રિટનભરની હોસ્પિટલોમાંથી ઘણી અોફરો મળી પણ તેમણે લેસ્ટરમાં જ પાછા અાવવાનો નિર્ણય લીધો. ડો. ગૌતમભાઇએ અંતમાં જણાવ્યું કે, નિલેશભાઇની અા સફળતા કે સિધ્ધિ એ અાકસ્મિક નથી, એમની સ્પષ્ટ વિચારશક્તિ, એકાગ્રતા, પ્રતિબધ્ધતા અને પ્રતિષ્ઠાને કારણે તેમણે ૨૦૦૦માં અમેરીકન કોલેજ અોફ કાર્ડિયોલોજી એન્ડ હાર્ટ એસોસિએશન અને ૨૦૦૨માં યુ.કે. એકેડેમી અોફ મેડીકલ સાયન્સીસ તરફથી ફેલોશીપ મેળવી છે.”
પ્રમુખશ્રી કાન્તિભાઇ મજીઠિયાએ લેસ્ટર ઇસ્ટના એમ.પી. શ્રી કીથ વાઝનો પરિચય અાપતાં કહ્યું કે, “એશિયા સમાજના પ્રશ્નોને પાર્લામેન્ટમાં વાચા અાપનાર અાપણા સૌના પ્રિય કીથ વાઝ જેમણે ભારતથી અાવતી કેરીઅો પર લાદાયેલા પ્રતિબંધ અંગે ઝૂંબેશ ચલાવી કેરીઅોની અાયાત ફરીથી શરૂ કરાવી છે. લેસ્ટરના ગુજરાતીઅોનું હિત સદાય હૈયે રાખનાર શ્રી વાઝ વ્યસ્ત હોવા છતાં અાજે અા ગૌરવ સમારોહમાં ઉપસ્થિત થયા છે. કીથ વાઝે જણાવ્યું કે, “લેેસ્ટરમાં અાજે અાપણા સમાજના સભ્યની સિધ્ધિનું સેલીબ્રેશન કરવા અાપણે ઉપસ્થિત થયા છીએ એનો મને ગર્વ છે. ઘીવાલા સેન્ટરની સિકલ બદલાઇ ગઇ છે એનો અદ્યતન, ભવ્ય હોલ ખૂબ સરસ દેખાય છે એ બદલ અા સંસ્થાના સભ્યોને અભિનંદન. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર ડો. બોડીવાલાએ એમના વક્તવ્ય દ્વારા નિલેશભાઇની સિધ્ધિની સુંદર રજૂઅાત કરી. ચંદુભાઇ મટાણીની ત્રણ પેઢીએ સ્ટેજ પરથી કર્ણપ્રિય સંગીત સાથે હિન્દી-ગુજરાતી ગીતો રજૂ કર્યાં. ચંદુ મટાણી મારા મનપસંદ મેઇલ સિંગર છે. મને ખબર પડી કે મહારાણી ડો. નિલેશને નાઇટહૂડથી સન્માનિત કરે છે ત્યારે મેં ફોન કરી નિલેશને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે નિખાલસ નિલેશે મને કહ્યું કે, “અા મારું સન્માન નથી પરંતુ અાપણા સમાજનું અને મારી સાથે કામ કરનાર સહકાર્યકરનું સન્માન છે. કીથે કહ્યું કે, 'દરેક મા-બાપનું સ્વપ્ન હોય છે કે એમના સંતાન શ્રેષ્ઠ સિધ્ધિ હાંસલ કરે. બેલગ્રેવ રોડ પર નિલેશના પિતા જયંતિભાઇની દુકાનમાંથી હું દરરોજ છાપું ખરીદવા જતો. મેં જયંતિભાઇ અને કાન્તાબેનને સખત મહેનત કરતા જોયાં છે. અાજે એમની મહેનત ફળીભૂત થઇ છે, એમના દીકરાએ યશસ્વી સિધ્ધિ પ્રાપ્ત કરી તબીબીક્ષેત્રે વર્લડ લીડર પૂરવાર થયો છે. સભામાં ઉપસ્થિત સી.બી. પટેલનો ઉલ્લેખ કરતાં શ્રી વાઝે કહ્યું કે, મને અાશા છે કે અત્રેના લોકપ્રિય સાપ્તાહિકોના તંત્રી સી.બી. અાવતા અંકમાં નિલેશના સન્માનનો ફોટો પ્રસિધ્ધ કરશે જ. સર નિલેશને માર્ચમાં મહારાણી નાઇટહૂડથી નવાજશે ત્યારે હું સર નિલેશ અને લેડી વર્ષા સામાણીને પાર્લામેન્ટમાં લંચ લેવા માટે અામંત્રણ અાપું છું.”
ત્યારબાદ પ્રમુખશ્રી કાન્તિભાઇના હસ્તે લોહાણા મહાજન, શ્રી રામ મંદિર અને મહિલા મંડળ તરફથી સર નિલેશભાઇ સામાણીને સન્માનપત્ર અાપી અભિવાદન કરાયું ત્યારે ઉપસ્થિત સૌએ ઉભા સતત બે-ત્રણ મિનિટ તાળીઅોના ગડગડાટથી સર નિલેશભાઇને વધાવ્યા હતા. લેડી વર્ષાબેનનું જસુબેન ચંદારાણાના હસ્તે પુષ્પગુચ્છ અાપી સન્માન કરાયું હતું. સર નિલેશભાઇએ ટૂંકા મંતવ્યમાં એમની સફળતાનો યશ એમના માતા કાન્તાબેન, પત્ની વર્ષાબેનને અાપ્યો હતો.