મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

Thursday 22nd February 2024 06:51 EST
 
 

અમદાવાદઃ સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.
પૂણે ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રા આપ્યા બાદ મંગલિક શ્રવણ કરાવી વિહાર કરીને સુજ્ય ગાર્ડન સંઘ ખાતે પધાર્યા હતા. ભાવિકોને માંગલિક-પચ્ચક્ખાણાદિ કરાવીને તેમણે સરળતા સાથે દેહત્યાગ કર્યો હતો. સમગ્ર જિનશાસનમાં સર્વાધિક દીક્ષાપર્યાય અને સર્વાધિક વય ધરાવતા આચાર્ય દોલતસાગરસૂરીશ્વરજી પટેલ કુળનું ગૌરવ હતા.
મહેસાણા જેતપુરના પટેલ પરિવારમાં જન્મ બાદ 14 વર્ષની વયે સૌપ્રથમ વખત નવકાર મંત્ર પ્રાપ્ત કર્યો હતો, જ્યારે 18 વર્ષની વયે જિનશાસનની દીક્ષાનો સ્વીકાર કર્યો હતો. તેઓ આચાર્ય દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય બન્યા હતા. આગમોદ્વારક આચાર્ય આનંદસાગર-સૂરીશ્વરજીનાં સાંનિધ્યમાં 9 વર્ષ વીતાવ્યાં હતાં.
આગમોદ્વારકના હસ્તે રજોહરણ પ્રાપ્ત કર્યા હતા. તેમણે આગમ સાહિત્યનું લાખો શ્લોક પ્રમાણ વાંચન-સ્વાધ્યાય તથા કંઠસ્થ અને હૃદયસ્થ કર્યું હતું.
આ ઉપરાંત 11 આગમ મંદિર અને પ્રાચીન તીર્થોના નિશ્રા-દાતા બન્યા હતા. 14 વર્ષનો ગચ્છાધિપતિ પદ પર્યાય, 36 વર્ષનો આચાર્ય પદ પર્યાય, 85 વર્ષનો દીક્ષા પર્યાય પાળી જિનશાસને તેઓને સંઘસ્થવીર તરીકે વધાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter