માંધાતા ગુજરાતી શાળાએ ગત તા. ૧૨ જુલાઇના રોજ આલ્પર્ટન હાઇસ્કૂલમાં ૪૦મા જન્મ દિનની શાનદાર ઉજવણી કરી હતી. આ પ્રસંગે વૈદિક પરંપરા મુજબ કુસુમબેન, લત્તાબહેન અને લક્ષ્મીબહેને દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
ગુજરાતી શાળાના બાળકોએ ગીતો, ગરબા, નૃત્ય અને નાટક રજૂ કર્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઅોએ પણ ત્રણ કૃતિ રજૂ કરી હતી. વિવિધ કૃતિ રજૂ કરવા માટે બાબુભાઇ, રેખાબેન અને અન્ય વર્ગ શિક્ષકોએ મહત્વનો ફાળો આપ્યો હતો. પ્રભાબેને શાળાના ૪૦ વર્ષનો ઇતિહાસ સુંદર શબ્દોમાં રજૂ કર્યો હતો. ડો. જગદીશભાઇ દવે, નીરૂબેન દેસાઇ અને અન્યોએ વક્તવ્ય રજૂ કરી ૪૦ વર્ષના સંભારણા તાજા કરી બાળકો અને શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. સમાજના પ્રમુખ તારાબહેને ભૂતપુર્વ વિદ્યાર્થીઅો અને શિક્ષકોને સન્માન પત્ર એનાયત કર્યા હતા.
૧૯૭૫માં ગુજરાતી વર્ગોની શરૂઆત ચંદ્રકલાબેન અને કુસુમબેને કરી હતી. કાર્યક્રમનું આયોજન પ્રભાબેન જીવણે અને સંચાલન ભૂતપૂર્વ વિદ્યાર્થનીઅો મીરા, મીતા અને મિનળે કર્યું હતું. શાળાના અધ્યક્ષ રમણિકભાઇ, કન્વીનર પ્રભાબેન અને સમાજના પ્રમુખ તારાબહેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકોએ ફુગ્ગા સાથે સ્ટેજ પર આવી બર્થ ડે ગીત ગાઇને તેમજ શિક્ષકોએ કેક કાપીને ૪૦મા જન્મ દિનની ઉજવણી કરી હતી. જનમન ગણ રાષ્ટ્રગીત સાથે પૂર્ણાહુતિ કરી હતી.