માઇગ્રન્ટ્સના મુદ્દે આપણા શાસકો-નેતાઓએ આંખ અને દિમાગ ખુલ્લાં રાખીને વિચારવાની જરૂર

- દેવી પારેખ, એજવેર Wednesday 24th July 2024 06:29 EDT
 
 

‘ગુજરાત સમાચાર’ના 13 જુલાઈના અંકમાં ‘તમારી વાત’માં ભૂપેન્દ્રભાઈ ગાંધીનો પત્ર વાંચ્યો. ચૂંટણીથી માંડીને - ચૂંટણીમાં હાર મળી તેના કારણો ખરેખર સચોટ છે. અમારી આજુબાજુમાં પા પા માઈલના જ વિસ્તારમાં ત્રણ ધાર્મિક સ્થળો છે અને ત્યાં ચૂંટણીની તારીખ પહેલા અઠવાડિયાના અંતમાં ખૂબ જ મિટિંગો ભરાતી હતી શનિ - રવિ - સવારના. એમાં લેબરને જ વોટ દેવાનો એનો જ પ્રચાર હતો.
આ સિવાય ગેરકાયદે માઈગ્રન્ટ્સને અહીં યુકે જ કેમ આવવું છે? આ મુદ્દે જેમ ભૂપેન્દ્રભાઈએ લખ્યું તેમ સઘળો દોષ આપણા રાષ્ટ્રપ્રેમરહિત, અજ્ઞાની રાજકારણીઓનો જ છે. આ દેશ હવે ઈંગ્લિશ રહ્યો છે? અમે અહીં આવ્યા ત્યારે રામરાજ્ય હતું, હવે જાણે રાવણોનું રાજ્ય લાગે છે. અમે અહીં - આ દેશમાં 1964માં આવ્યા છીએ. આજે 60 વર્ષ થયા. આવ્યા હતા ત્યારે ભાગ્યે જ કોઈ બીજા દેશના લોકો - ખાસ કરીને એશિયા કે મેડિટેરિયન અને નોર્થ આફ્રિકાથી આવનારા ભાગ્યે જ દેખાતા હતા. અહીં મારે કડવાશભર્યું લખવું નથી પણ, અત્યારે વાચકો અને આ દેશમાં રહેનારાઓ જાણે છે કે આ દેશની શું હાલત છે? અંગ્રેજો જ બિચારા ફોરેનર્સ જેવા થઈ ગયા છે અને જો તેઓ ઓફિસ કે કોઈ પણ ક્ષેત્રમાં પોતાનો અવાજ ઉઠાવે છે કે કંઈ કહે છે તો સળગતો સવાલ કલરખાર (રંગભેદ) અથવા તો રેસિઝમ પર આવીને ઊભો રહે છે. ભારતમાં લોકશાહી છે. બીજા અમુક દેશોમાં લોકશાહી જેવું ખરેખર છે જ નહીં. લોકો કંઇ બોલી શકતા જ નથી, અને અહીં આ દેશમાં બધા જ હક્કની માંગણીઓ અને બધું જ મફતમાં જોઈએ છે કારણ કે - ભૂપેન્દ્રભાઈએ લખ્યું તેમ - જીવનની બધી જ જરૂરિયાત, તેઓના દેશમાં કલ્પના ન કરી શકે તેવી ઉત્તમ સગવડો અહીં મળે છે. આથી કામ શા માટે કરે? અંગ્રેજીમાં એક કહેવત છે કે You are digging your on graves. તમે જ તમારી કબર ખોદી રહ્યા છો.
અત્યારના આપણા પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મર આ દેશમાં આશ્રય માગતા 100,000 લોકોને આશ્રય આપવા માંગે છે. અત્યારે આમ પણ NHS, સ્કૂલ, રહેઠાણ વગેરેની સમસ્યાઓ છે જ, અને અમુક દેશોમાંથી આવતા લોકો તો જાણે અહીં વસ્તીવધારો કરવા જ આવ્યા હોય તેમ વર્તે છે. આવા લોકોનો પણ ઘણો જ વાંક છે. અહીંની બેનિફિટ સિસ્ટમનો લાભ ક્યાં? કેમ? ક્યારે
મળે? વગેરેની જાણકારીથી થોડાક જ અઠવાડિયાઓમાં બરાબર વાકેફ થઇ જતા હોય છે.
આપણે સહુ પ્રમાણિકપણે અહીં આવ્યા છીએ. અહીં દિવસ-રાત કામ કર્યું. આપણા સંતાનો જ અહીં જનમ્યા અને ભણ્યા. સારી રીતે પ્રમાણિકપણે કામ કરે છે. હવે પહેલાંની જેમ સવારના 9થી સાંજના 5ની નોકરી નથી. સવારથી મોડી સાંજે સુધી કામ કરી રહ્યા છે. તેઓ જ્યારે રિટાયર થશે ત્યારે શું મળશે? મને ખરેખર આપણા સંતાનોની ચિંતા થાય છે. આપણે સહુ અહીં કાયદેસર આવ્યા છીએ અને આ દેશને અનેક પ્રકારે ઉપયોગી થયા છીએ. આપણને અત્યારે જે પેન્શન, NHS વગેરે મળે છે તે શું આપણા સંતાનોને મળશે? નહીં જ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા શાસકોની - રાજકારણીઓની આંખો ખૂલે. કરવેરા ભરનારાઓની દયા પર બધી જ સારામાં સારી સુખ–સગવડો ભોગવતા માઈગ્રન્ટ્સને અહીં રાજ્યાશ્રય આપવાનું બંધ કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter