લંડનઃ જાતીય હુમલાઓની હારમાળા સર્જનારા અને ત્રણ દાયકા સુધી પોતાની પુત્રી કેટી મોર્ગન-ડેવિસને લંડનમાં બંધક બનાવી રાખનારા માઓવાદી સંપ્રદાયના નેતા અરવિંદન બાલાકૃષ્ણનને ૨૯ જાન્યુઆરીએ સધર્ક ક્રાઉન કોર્ટે ૨૩ વર્ષની સજા ફરમાવી છે. તેણે ૩૦ વર્ષના ગાળામાં બે અનુયાયી પર બળાત્કાર કર્યા હતા. પોતાને કોમરેડ બાલા તરીકે ઓળખાવતા એન્ફિલ્ડના ૭૫ વર્ષીય અરવિંદને તેની પાસે દૈવી શક્તિઓ હોવાનું અનુયાયીઓના મગજમાં ઠસાવ્યું હતું. તેની ૩૩ વર્ષીય પુત્રી કેટી મોર્ગન-ડેવિસે અનામ રહેવાનો અધિકાર જતો કરી તે નવી આઝાદી અનુભવતી હોવાનું જણાવ્યું હતું. કોર્ટે કોમરેડ બાલાને બાળક તરફ ક્રૂરતા, ખોટી કેદ અને હુમલાઓ સહિતના ગુનાઓ બદલ સજા કરી હતી. તેને ઓછામાં ઓછી અડધી સજા ગાળ્યા પછી જ પેરોલ મળી શકશે, આ વખતે તે ૮૭ વર્ષનો હશે.
ભારતીય મૂળના સામ્યવાદી અરવિંદન બાલાકૃષ્ણને ૧૯૭૦ના દાયકામાં સાઉથ લંડનમાં ‘વર્કર્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ માર્ક્સિઝમ-લેનિનિઝમ- માઓ ઝેડોંગ થોટ’ કોમ્યુનની સ્થાપના કરી હતી. તેણે આ કોમ્યુન ૧૯૭૬થી ૨૦૧૩ સુધી ચલાવ્યું હતું. તેની પાસે લોકોના વિચારો જાણી લેવાની શક્તિ હોવાનું અને જો તેના આદેશોનું પાલન નહિ કરાય તો કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડશે, તેમ અનુયાયીઓના મગજમાં તેણે ઠસાવ્યું હતું.
ટ્રાયલ દરમિયાન પુત્રી કેટી મોર્ગન-ડેવિસે કહ્યું હતું કે, તેને મારવામાં આવતી હતી તેમજ શાળાએ જવા, બાળગીતો ગાવાં કે મિત્રો બનાવવા તેના પર પ્રતિબંધ હતો. અગાઉ રોઝી ડેવિસ તરીકે ઓળખાતી યુવતીએ કોમ્યુનના જીવન વિશે કહ્યું હતું કે, ‘હાલત ઘણી ખરાબ હતી અને હું મારી જાતને પિંજરામાં પાંખ કપાયેલાં પક્ષીની માફક અનુભવતી હતી. હું મરી જવાની ઈચ્છા રાખતી હતી.’ કોમરેડ બાલાને ‘નાર્સિસિસ્ટ અને સાયકોપાથ’ ગણાવતા તેણે કહ્યું હતું કે તે સ્ટાલિન, માઓ, પોલ પોટ અને સદ્દામ હુસૈન જેવા સરમુખત્યાર લોકોને પોતાના આદર્શ માનતો હતો અને તેમનાથી વધુ મોટા બનવાની તેની ઈચ્છા હતી. વિશ્વ પર કબજો જમાવતા પહેલા પોતાના સંપ્રદાયના લોકો પર અંકુશ જમાવવાની તેની યોજના હતી. અરવિંદન કોમ્યુનમાં મહિલા અનુયાયીઓને સખત અંકુશમાં રાખતો હતો. કોમ્યુનમાં રહેતા લોકો રીતસરના બંધક જ હતા. કોમરેડ બાલાની પરવાનગી વિના કોઈ બહાર જઈ શકતું નહિ.
અરવિંદનની પુત્રીનો જન્મ તેણે સ્થાપેલા કોમ્યુનમાં થયો હતો. કોમરેડ સીઆન તરીકે ઓળખાતી સીઆન ડેવિસ તેની માતા હતી. ૧૯૯૬માં ક્રિસમસની પૂર્વસંધ્યાએ કોમ્યુનની બારીમાંથી પડી ગયાના થોડાં મહિના પછી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. તેણે પુત્રીને કોમ્યુનમાં બંધક બનાવીને રાખી હતી. તેણે ૨૯૯૫માં નાસી જવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સ્ટેશન ગઈ હતી. જોકે, તેને સમજાવી પાછી લવાઈ હતી. જોકે, તેની હાલત વધુ ખરાબ થઈ હતી અને તેના પર હિંસા અને અત્યાચાર વધ્યાં હતાં. આખરે ૨૦૧૩માં એન્ટિ-સ્લેવરી ચેરિટી પામ કોવ સોસાયટીની મદદથી બહાર નાસી છૂટવામાં સફળ થઈ હતી. આ પછી તેણે લીડ્ઝ જઈ અભ્યાસ શરૂ કર્યો હતો. ચુકાદો સંભળાવતા જજ ડેબોરાહ ટેલરે બાલાકૃષ્ણનની પુત્રીને નાસી છૂટવામાં મદદ કરનારી ચેરિટી પામ કોવ સોસાયટીને ૫૦૦ પાઉન્ડ આપવા ભલામણ કરી હતી.