માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો...

Wednesday 02nd October 2024 05:33 EDT
 
 

લંડનઃ રાસગરબાની રંગત માટે ભલે ગુજરાત જગવિખ્યાત હોય, પણ નવલાં નોરતાંની રંગેચંગે ઉજવણી કરવાના મામલે બ્રિટનવાસી ગુજરાતીઓનો જોટો જડવો મુશ્કેલ છે. આ જ તો કારણ છે કે બ્રિટનમાં વસતાં ગુજરાતીઓની સંખ્યા આશરે 11 લાખ છે, પણ રાસગરબાની રમઝટ 1500થી વધુ સ્થળે જામે છે. ઇંગ્લેન્ડ જ નહીં, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં પણ રાસગરબાના આયોજન થાય છે, અને તેમાં ગુજરાતીઓની સાથે સાથે ઉત્તર ભારતીયોથી લઇને દક્ષિણ ભારતીયો સહુ કોઇ ઉમંગ-ઉલ્લાસભેર ઉમટે છે.
બ્રિટન સહિત દરિયાપારના દેશોમાં ઉજવાતા નવરાત્રિ પર્વની એ વિશેષતા ગણવી રહી કે આદ્યશક્તિની આરાધનાની ઉજવણી માત્ર ગુજરાતીઓ પૂરતી સીમિત ન રહેતાં ભારતીય સમુદાયના તમામ વર્ગો તેમાં જોડાય છે ને પરદેશમાં મિની ભારત રચાય છે. આ દર્શાવે છે કે આપણે ભલે વતનથી 4000 માઇલ દૂર આવીને વસ્યાં હોઇએ, પણ આપણા દિલમાં તો આજેય ભારતીય ધર્મ - પરંપરા - સંસ્કૃતિ ધબકે છે. ગુજરાતની શેરીઓમાંથી નીકળેલો ગરબો આજે વિશ્વના નકશા પર મૂકાયો છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો ગણાવ્યો છે. ગરબો એ ગુજરાતી અસ્મિતા ને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, અને નવરાત્રિ પર્વ વિશ્વનો સૌથી લાંબો ચાલનારો નૃત્ય ઉત્સવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter