લંડનઃ ધ ભવન્સ દ્વારા એર ઈન્ડિયા અને ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના સહયોગથી સોમવાર ૧૫ મેએ એર ઈન્ડિયાના આંતરરાષ્ટ્રીય વિસ્તરણના પ્રણેતા માણેક અરદેશિર દલાલ OBE ને સ્મરણાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો. માણેક દલાલનું છઠ્ઠી માર્ચ ૨૦૧૭ના રોજ ૯૮ વર્ષની વયે નિધન થયું હતું. ઉપસ્થિત મહેમાનો તેમજ માણેક દલાલની પુત્રીઓ સુઝી અને કેરોલિન દલાલ દ્વારા ભાવભીની અંજલિઓ અપાઈ હતી.
ઉપસ્થિત સજ્જનોમાં હાઈ કમિશનર વાય.કે. સિંહા, ધ ભવન, ઝોરોસ્ટ્રિયન સેન્ટર, ZTFE અને એર ઈન્ડિયાના સભ્યોનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, લોર્ડ ધોળકિયા OBE OC, કાઉન્સિલર મર્સી ઉમ્મેહ અને લોર્ડ કરન બિલિમોરિયા CBE DL સહિતે અંજલિ અર્પી હતી. તાતા ટ્રસ્ટના ચેરમેન અને તાતા ટ્રસ્ટના ચેરમેન એમિરેટ્સ રતન તાતાએ યાદ તાજી કરાવતો સંદેશો પાઠવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે યુકેમાંથી એર ઈન્ડિયા લોન્ચ કરાવવા માટે માણેક દલાલને હંમેશાં રાખવામાં આવશે.
હાઈ કમિશનર વાય.કે. સિંહાએ સદગત માણેક દલાલને એવિયેશન ફિલ્ડમાં માત્ર ભારતને નહિ, યુકેને પણ પ્રદાન આપનારા દંતકથારુપ વ્યક્તિ ગણાવ્યા હતા. હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર અને ધ ભવનના પેટ્રન લોર્ડ નવનીત ધોળકિયાએ કહ્યું હતુંકે,‘મારા માટે તો માણેક દલાલ કોહીનૂર હતા.’ કોબ્રા બિયર્સના સ્થાપક ચેરમેન અને શિક્ષણશાસ્ત્રી લોર્ડ કરન બિલિમોરિયાએ કહ્યું હતું કે તેઓ લોકો માટે પ્રેરણાસ્રોત હતા. કેરોલિન અને સુઝી દલાલે તેમના પિતા પોતાના ભારતીય મૂળ, પારસી સમાજ અને પિતૃત્વ વિશે કેવું ગૌરવ ધરાવતા હતા તેની વાતો કરી હતી.
લંડનમાં ભારતીય વિદ્યા ભવનની ઓળખ ઉભી કર્યા પછી ૪૦ વર્ષ તેના અધ્યક્ષ રહેલા માણેક દલાલે ૨૯ વર્ષની વયે ૧૯૪૮માં લંડનમાં એર ઈન્ડિયાની ઓફિસ શરુ કરી હતી. તાતા જૂથમાં જોડાયા પછી તેમણે અનેક ઉચ્ચ હોદ્દા શોભાવ્યા હતા.