માણેક પરિવારના અતિ સન્માનીય મોભી શ્રી પ્રભુદાસભાઈ રુગનાથ માણેકે ૯૫ વર્ષની વયે સમગ્ર પરિવારની હાજરીમાં ૨૫ જાન્યુઆરી, સોમવારે આ ફાની દુનિયામાંથી ચિરવિદાય લીધી હતી. ઘણા લોકો માટે તેઓ ‘બાબભાઈ’ તરીકે જાણીતા હતા.
‘ભાભી’ તરીકે પણ ઓળખાતાં ભાનુબહેન સાથે ૭૧ વર્ષનું આનંદી લગ્નજીવન વીતાવનારા પ્રભુદાસભાઈનું જીવન સુંદર અને ફળદાયી રહ્યું હતું. તેમણે પોતાના ચાર પ્રપૌત્ર- ગ્રેટ ગ્રાન્ડચિલ્ડ્રનને પણ રમાડ્યા હતા. કેટલાક સદ્ભાગી આત્માઓને જ આવો દુર્લભ લહાવો અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
બાબભાઈનો જન્મ કમ્પાલાના જાણીતા રુગનાથ જેરાજ પરિવારમાં થયો હતો અને ૧૯૭૨માં યુગાન્ડાથી વિદાય પછી તેમણે હેરો ઓન ધ હિલ ખાતે સક્રિયતા સાથે નિવૃત્ત જીવન વીતાવ્યું હતું. માણેક પરિવાર વડીલો પ્રત્યે આદર, પરિવાર માટે પ્રેમ અને વિવિધ હિન્દુ તહેવારો અને સંસ્કૃતિની ઉજવણી થકી આપણા સમાજમાં આદર્શ પરિવાર બની રહ્યો છે.
આ પરિવારને અનોખો પરિવાર બનાવવામાં બાબભાઈ સક્રિય માર્ગદર્શક પરિબળ બની રહ્યા હતા અને તેમણે નવી માણેક પેઢીને માર્ગદર્શન આપવામાં નિયમિત સમય વીતાવ્યો હતો.
પ્રભુદાસભાઈ પોતાના ‘હાથવગા- handyman’ કૌશલ્ય માટે જાણીતા હતા અને ઘરના નાના મોટા કામકાજ ઉકેલવાની તેમની હથોટી હતી. તેઓ ગુજરાત સમાચાર, એશિયન વોઈસ અને અભિયાનના સમર્પિત વાચક પણ હતા. તેમણે સૌથી છેલ્લે મહેન્દ્રભાઈ મહેતાના જીવનચરિત્ર ‘ધ કોલ ઓફ ધ પીકોક’ પુસ્તકનું વાંચન કર્યું હતું જેમાં, તેમણે યુગાન્ડામાં પોતાના સમય અને લોહાણા કોમ્યુનિટીના સ્મરણો વાગોળ્યા હતા.
પિતાની યાદ સતાવશે જેઓ પરિવારના ‘છત્તર’ બની રહ્યા, માણેક પરિવારની યુવા પેઢીઓને વહાલ વરસાવતા દાદાજી અને પરદાદાજીની ભારે ખોટ સાલશે અને સમાજમાં અમારા જેવા ઘણા માટે પિતાસમાન હુંફ આપનારા વડીલની ખોટ વર્તાશે.
આવા જીવનનું સ્મરણ પણ એક ઉજવણી સમાન બની રહેશે.
ઓમ શાંતિઃ
વધુ માહિતી અર્થે સંપર્કઃ
હસુ માણેક 07973 280 529 Email: [email protected]
દિપક માણેક 07720 444 765 Email: [email protected]
જયેશ માણેક 07973 280 526 Email: [email protected]