લંડનઃ એક જ ઘરમાં ૭૭ વર્ષીય માતા માર્થા પરેરાની હત્યા કર્યાની કબૂલાત તેની ૫૫ વર્ષની પુત્રી શર્લી ડી’ સિલ્વાએ ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ સોમવાર ૧૭ જુલાઈએ કરી હતી. ક્રોયડનની શર્લીએ જણાવ્યું હતું કે તેણે માતાને ઈન્સ્યુલીનનો ઓવરડોઝ આપ્યો હતો અને ઓશિકું દબાવી તેનો શ્વાસ રુંધી નાખ્યો હતો. તેને ૧૮ જુલાઈએ મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળઅચોક્કસ મુદત સુધી હોસ્પિટલ ઓર્ડરની સજા સંભળાવાઈ હતી.
ડી’ સિલ્વાએ ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ની બપોરે ૯૯૯ને ફોન કરી પોતાની માતાની હત્યા કરી હોવાની જાણકારી આપી હતી. ઓપરેટરે શું થયું એમ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે,‘ખાસ કશું નહિ. મેં બસ તેમનાં જીવનનો અંત લાવવા નિર્ણય લીધો હતો. વિશ્વમાં ચારે તરફ યુદ્ધની સ્થિતિ છે. અમે લાંબા સમયથી પીડા સહન કરતાં હતાં. તે અંગે કોઈ કશું કરતું ન હતું. કોઈએ તો આગળ આવી કશું કરવું જોઈએ.’
પોલીસ અધિકારીઓ આવ્યા ત્યારે શર્લી એકદમ શાંત હતી અને તેણે માતાની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ૨૫ ઓક્ટોબરે તેની ધરપકડ કરી હતી અને ૨૭ ઓક્ટોબરે તેના પર આરોપો લગાવ્યા હતા. તેણે અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે એક માણસે તેને માતાની હત્યા કરવા કહ્યું હતું અને હવે તેના પતિ અને પુત્રને મારી નાખવા પણ કહે છે.