લંડનઃ માતા અને પુત્રના અન્યોન્ય પ્રેમની આ વિરલ કથની છે, જેમાં લેન્કેશાયરના બ્લેકબર્નના માતૃભક્ત ઈમરાન નજીદે માતા ઝૈનાબ બેગમની જિંદગી બચાવવા ખોટું બોલીને પોતાની કિડની લેવા માટે તૈયાર કરી હતી. કિડનની બીમારીથી પરેશાન બાવન વર્ષીય ઝૈનાબ બેગમ પુત્રની કિડની લઈ તેનું જીવન જોખમમાં મૂકવા ઈચ્છતાં ન હતાં. માતાના ઈનકાર સામે ઈમરાને પોતાની કિડની ઈબે પર વેચવા મૂકી હોવાનું ખોટેખોટું જણાવ્યું હતું.
બાવન વર્ષના ઝૈનાબ બેગમની કિડની માત્ર ૨૫ ટકા કામ કરતી હતી અને તેમના માટે ઓપરેશન એકમાત્ર ઈલાજ રહ્યો હતો. પરંતુ તેઓ પુત્રની કિડની લેવાં તૈયાર ન હતાં. ડાયાલિસીસની વેદના માતાની સાથે સમગ્ર પરિવાર સહન કરી રહ્યો હતો. ૩૪ વર્ષીય બેન્ક મેનેજર ઈમરાને માતાને કહ્યું હતું કે તે આમ પણ કિડની દાન કરી રહ્યા છે. અને માતાના અજ્ઞાનનો લાભ લઈ ગૂગલ પર કિડનીની તસ્વીર દર્શાવી તે પોતાની હોવાનું કહ્યું હતું. કિડની આપવાના તેને ૧૦,૦૦૦ પાઉન્ડ મળવાના છે તેમ પણ કહ્યું હતું. નજીબની યુક્તિ કામ કરી ગઈ અને માતાએ તેને કહ્યું હતું કે,‘તું મને કિડની આપી શકે તેમ છું તો તદ્દન અજાણ્યાને શા માટે વેચે છે?’
ઝૈનાબ બેગમના પતિ અને છ સંતાનો તેમને પોતાની કિડની આપવા તૈયાર હતા. નજીબે માતાને કિડની આપવા અંગે પોતાની પત્નીને વિશ્વાસમાં લીધી હતી. કોઈ અનહોની થઈ જાય તો પણ તેની પત્ની અને બે નાની પુત્રીઓ બલિદાન આપવા તૈયાર હતી. નજીબની સાથે પરફેક્ટ મેચિંગ થયા પછી માન્ચેસ્ટરમાં બન્ને પર ઓપરેશન કરાયું હતું. માતા અને પુત્રનું સ્વાસ્થ્ય હવે સુધારા પર છે.