લંડનઃ વેસ્ટ મીડલેન્ડ્સના સેન્ડવેલના નિવાસી અને સ્કૂલમાં અભ્યાસ કરતા ચાર વર્ષના શાન દુલાયે પોતાની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપવા ક્વીન એલિઝાબેથ દ્વિતીયને આમંત્રણ પાઠવ્યું હતું. ક્વીને ઉત્તર પાઠવી પોતે હાજરી આપી નહિ શકે તેમ જણાવવાં સાથે જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.
સ્કૂલમાં એલિઝાબેથ દ્વિતીય વિશે જાણ્યા પછી ખૂબ પ્રભાવિત થયેલા શાને માતા બલજીન્દર (૩૯)ને તેમની મુલાકાત ગોઠવવા કહ્યું હતું. તેણે ક્વીન બકિંગહામ પેલેસમાં ખૂબ વ્યસ્ત હશે તેમ જણાવતા તેણે ક્વીન ઘરે આવે તો કેવું તેમ સૂચવ્યું હતું. તે આગામી ૨૫ જૂને પોતાની બર્થ ડે માટે પાર્ટી યોજવા માગતો હતો. તેણે વિચાર્યું કે તેને લીધે ક્વીન સેન્ડવેલમાં તેના ઘરની મુલાકાતે આવશે.
શાને જણાવ્યું હતું કે એલિઝાબેથ દ્વિતીય વિશ્વના શ્રેષ્ઠ મહારાણી છે જે સુપર હીરો જેવાં છે. ક્વીનને હાજરી આપવા વિનંતી સાથે ૧૩મી માર્ચના પત્રમાં તેણે લખ્યું હતું કે ઘોડા, પ્લેન અને ગરીબ બાળકો વિશે તેમની સાથે વાત કરવી છે. જોકે, ૩જી મેએ રોયલ સીલ સાથેનો પત્ર તેને મળ્યા પછી તેણે ક્વીનના આગમનની આશા છોડી દીધી હતી.
શાને જણાવ્યું હતું,‘ હું નિરાશ થયો હતો પરંતુ, ક્વીને મારો પત્ર વાંચ્યો તેનો મને આનંદ છે. ખરેખર મને ક્વીન ખૂબ ગમે છે. મને તેમના ઘોડા અને ડોગ્સ ગમે છે. હું સમરમાં તેમના પેલેસ જઈશ. મને આશા છે કે હું તેમને મળી શકીશ.’ શાનની માતા પ્રોબેશન ઓફિસર છે અને પિતા ઓંહર (૩૯) કોચ ડ્રાઈવિંગ ઈન્સ્ટ્રક્ટર છે. તેને એક વર્ષનો ભાઈ રોશન છે.