માન તંત્રીશ્રી સીબીભાઇ, વીતેલા સપ્તાહે ભારતના લોકલાડીલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અમેરિકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનને આપેલો ત્રણ કલાકનો ઇન્ટરવ્યુ નિહાળ્યો. મુલાકાત જ એવી હતી કે દુનિયાભરના સોશિયલ મીડિયામાં ફરતી ના થાય તો જ નવાઇ. ગુજરાત સમાચારના 22 માર્ચના અંકમાં આ અંગેનો વિગતવાર અહેવાલ વાંચ્યો અને ભૂતકાળ તાજો થઇ ગયો. આ ઇન્ટરવ્યુમાં મોદીસાહેબે એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે તે વેળા હું હાજર હતો. આ સંદર્ભે જ હું આ પત્ર લખી રહ્યો છું.
ખરેખર મોદીસાહેબની યાદદાસ્તને દાદ દેવી પડે. ગુજરાત સમાચાર – લંડન સાથે તેમનો સંબંધ શું વાત કરીએ? ગજબની યાદશક્તિ છે આ માણસની. તેમણે ફ્રિડમેન સાથેની વાતચીતમાં 2003ના વર્ષમાં લંડનની મુલાકાત વેળા થયેલા સવાલજવાબનો હવાલો આપીને પત્રકારનું મહત્ત્વ અને ધર્મ સમજાવ્યા હતા. મારા માટે પણ આ સવાલજવાબનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે ઘટનાક્રમનો હું પણ સાક્ષી હતો.
જરા વિગતે વાત કરું તો ગુજરાત સમાચાર - એશિયન વોઇસના કાર્યાલય કર્મયોગ હાઉસમાં નવા બનેલા શક્તિ હોલનું ઉદ્ઘાટન કરવા નરેન્દ્રભાઇ મોદી આવવાના હતા. હું વર્ષોથી ગુજરાત સમાચારનો વાચક અને ચાહક હોવાથી મને પણ આ પ્રસંગનું આમંત્રણ હતું. તે વેળા હું એક ઈન્ડિયન બેંકનો મેનેજર હતો.
આ પ્રસંગે હાજરી આપવા હું પહોંચી રહ્યો હતો ત્યારે મેં જોયું કે કર્મયોગ હાઉસની નજીક આવેલી કોરોનેટ સ્ટ્રીટના કોર્નર પર જ્યાં ચોક જેવી જગ્યા છે ત્યાં બે પોલીસ વાન ઉભી ઉભી હતી અને તેમાં પોલીસ અધિકારીઓ બેઠા હતા. મને નવાઇ લાગી કે આટલી બધી પોલીસ કેમ? પણ નજીક પહોંચીને જોયું તો 15-17 લોકોનું એક ટોળું ભેગું થયું હતું અને નરેન્દ્રભાઇ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યું હતું.
ત્યાં જ સી.બી. તમે આવ્યા અને સૂત્રોચ્ચાર કરી રહેલા ટોળામાંથી 55-60 વર્ષના એક ભરૂચી મુસ્લિમ ભાઇને શાંત પાડતા કહ્યું કે હું તમને રોકવા કે ટોકવા નથી આવ્યો પણ તમારી તબિયતની કાળજી રાખજો. તમને ડાયાબિટીસ છે તે હું જાણું છું તેથી જો તમારે વોશરૂમનો ઉપયોગ કરવો હોય તો ઓફિસમાં અંદર પણ આવી શકો છો. આ પછી તમે દેખાવકારો માટે ચા-કોફી પણ મોકલાવ્યા હતા. પોતાના આંગણે યોજાયેલા પ્રસંગે લોકો દેખાવ કરવા એકત્ર થયા હોય અને એક યજમાન તેમની આવી કાળજી લે તે વાત મને બહુ ટચ કરી ગઇ હતી. મને થઇ ગયું હતું કે આ (સી.બી. પટેલ) નોખી માટીનો માણસ છે.
આ પ્રસંગે ઉપસ્થિત પત્રકાર સાથેની વાતચીતમાં નરેન્દ્રભાઇએ પત્રકારત્વનો ધર્મ સમજાવતા માખી અને મધમાખીનું ઉદાહરણ ટાંક્યું હતું. આ સમયે ત્યાં લોર્ડ નવનીતભાઇ ધોળકિયા, રણધીરસિંહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. ખરેખર તેમની મહાનતાને પણ દાદ દેવી રહી કે 2003નો પ્રસંગ પણ તેમને લગભગ જૈસે થે ટાંક્યો હતો.
ગુજરાત સમાચાર અને તેના સુકાની તરીકે આપને શુભકામનાઓ સહ...