મોમ્બાસા, કેરા (તા. ભુજ): માનવતાના મસીહા અને શિક્ષણ તથા આરોગ્યના ક્ષેત્રમાં અદકેરું-મોટું દાન - યોગદાન આપનારા કચ્છના જાણીતા દાતા અને કેન્યામાં મોમ્બાસા સિમેન્ટ લિમિટેડના માલિક હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાનું ગુરુવાર, 29 ઓગસ્ટે આફ્રિકાના મોમ્બાસા ખાતે અવસાન થતાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. પરિવાર વતી બોલતા કેન્યામાં ટ્યુડોર MCA સમીર ભાલુએ પંડ્યા મેમોરિયલ હોસ્પિટલમાં હસમુખભાઈના અવસાનની સત્તાવાર જાહેરાત કરી હતી, જ્યાં તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર પહેલા સાચવણી માટે રખાયો હતો. ૫૭ વર્ષીય આ શ્રેષ્ઠીવર્યની અંતિમક્રિયા તા. ૧ સપ્ટેમ્બર, રવિવારે મોમ્બાસા-આફ્રિકા ખાતે યોજાઈ હતી. ગુરુવારે સવારે દસેક વાગ્યાના સમયે આફ્રિકામાં મોમ્બાસાસ્થિત નિવાસસ્થાને હસુભાઈ ભુડિયાને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતી વેળાએ તેમણે હંમેશ માટે આંખો મીચી લીધી હતી.
માનવતાનાં કાર્યો માટે મસીહાની ભૂમિકા ભજવનારા મૂળ ભુજ તાલુકાના ફોટડી ગામે ૨૨મી માર્ચ ૧૯૬૭માં ધનબાઈ અને કાનજીભાઈના ઘેર જન્મેલા હસુભાઈએ મોમ્બાસાને કર્મભૂમિ બનાવી હતી. તેમના મોટાભાઈ અરવિંદ યુએસમાં યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે હસુભાઈએ અભ્યાસ છોડી કામકાજ શરૂ કરવા નિર્ણય કર્યો હતો આ સમયે તેમની વય 17 વર્ષની હતી. કેન્યામાં શિક્ષણ લીધા પછી તેમણે પાછળથી યુકેમાં કિંગ્સટન યુનિવર્સિટીમાં બિઝમેસ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને 2007માં મોમ્બાસા સિમેન્ટ કંપનીની સ્થાપના કરી હતી. અરવિંદભાઈ પણ પારિવારિક બિઝનેસમાં જોડાયા હતા.
સાત સમંદર પાર રહેવા છતાં માદરે વતન કચ્છને તેઓ ભૂલ્યા ન હતા. કચ્છમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રો માટે કરોડોનું દાન જીવનપર્યંત આપનારા તેઓ કચ્છી લેવા પટેલ સમાજના અગ્ર હરોળના દાતા બન્યા હતા. કચ્છી લેવા પટેલ કન્યા શિક્ષણ માટે ૨૫ વર્ષ સુધી મફત શિક્ષણની તેમની પહેલ શૈક્ષણિક ક્ષેત્રનાં દાન માટે શિરમોર બની ચૂકી હતી, તો ભુજમાં કાર્યરત લેવા પટેલ હોસ્પિટલ માટે પણ તેમનું દાન-યોગદાન અવ્વલ સ્થાને રહ્યું છે. અહીં એ નોંધનીય છે કે, ચાલુ વર્ષના પ્રારંભે તેમણે કચ્છની મુલાકાત દરમ્યાન એક રૂપિયાની ટોકન ફીએ કન્યા શિક્ષણની જાહેરાત કરી હતી. આ કચ્છી દાતાનાં દાનની દિલેરી અને સરવાણીનો લાભ વ્યાપક માત્રામાં આફ્રિકન દેશોને પણ મળ્યો છે. હસુભાઈ સંપ્રદાય અને સમાજ પૂરતા જ સીમિત નહોતા, તેમની કર્મભૂમિ એવા આફ્રિકામાં કરોડો-અબજોની સખાવત કરી હતી. શાળા, હોસ્પિટલો, રસ્તા, કેનાલ, ખેતરોના નિર્માણમાં તેમણે એક સરકાર જેટલું કામ કરીને ભારે ચાહના મેળવી હતી.
કચ્છી દાતા સ્વ. હસુભાઈના અંતિમ સંસ્કાર રવિવાર તા. ૧ સપ્ટેમ્બરના સવારે હિન્દુ અંતિમ સંસ્કાર સ્મશાન મોમ્બાસા ખાતે કરવામાં આવ્યા તે પહેલા એમના પાર્થિવ દેહને લોકોનો અંતિમ દર્શન માટે મુકાયો હતો. અંતિમવિધિમાં ભાગ લેવા માટે કચ્છમાંથી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, ઉપાધ્યક્ષ કેશરાભાઈ પિંડોરિયા,યુકેથી માવજીભાઈ વેકરિયા, દાતા શામજીભાઈ જેસામ, આફ્રિકા, યુગાન્ડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને અખાતી દેશો સહિતના આગેવાનો રવાના થયા હતા. સદ્ગતે તેમના સેવાકીય કાર્યોથી વગર કાજે રાજા જેવી પદવી મેળવી હતી, તેવું તેમને અંજલિ આપતાં વિવિધ આગેવાનોએ જણાવ્યું હતું. હસુભાઈના નિધનના સમાચારથી કચ્છી લેવા પટેલ સમાજ અને ચોવીસીનાં ગામોમાં આઘાત વ્યાપ્યો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજીએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું છે કે, હસુભાઈના અવસાનથી સંપ્રદાય અને સમાજે અનન્ય સેવાપુરુષ ગુમાવ્યા છે. કચ્છ લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન ગોપાલભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે, હસુભાઈનું નિધન ન માત્ર કચ્છ સમાજને બલ્કે આફ્રિકા માટે પણ મોટો ફટકો છે. કેન્યા, યુગાન્ડા, આફ્રિકા, દારેસલામ આજે રડતાં હશે.
મોમ્બાસાના ગવર્નર અબ્દુલસ્વામાદ નાસિરે ગુરુવારે ટ્વીટ કરીને હસમુખભાઈના નિધનનો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હસમુખભાઈ મોમ્બાસામાં સામાજિક કાર્યોમાં સક્રિય કામગીરી તેમજ વંચિતોની ઉદારપણે સેવા માટે હંમેશાં યાદ રખાશે.
સ્વ. હસુભાઈની પાલખીયાત્રા અને અંતિમસંસ્કાર
રવિવાર, 1 સપ્ટેમ્બરે સવારે 9 કલાકે શણગારેલા રથ પર સ્વ. હસુભાઈની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જે સ્થળોએથી પાલખીયાત્રા પસાર થઈ ત્યાં પ્રેમ અને અશ્રુ સાથે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. સાધુ, સંતો અને અગ્રણીઓ પાલખીયાત્રામાં સામેલ થયા હતા. પાલખીયાત્રા મોમ્બાસા લેવા પટેલ સમાજના સ્થળે પહોંચી ત્યારે અસંખ્ય હબસી મહિલાઓએ તેમના જીવનને ઉજાળનારની યાદમાં આંસુ વહાવી સુખ-દુઃખના સાથીને અંતિમ વિદાય આપી હતી અને વાતાવરણ ગમગીન થઈ ગયું હતું.
મોમ્બાસા લેવા પટેલ સમાજના હોલમાં કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો, યુગાન્ડાના પ્રેસિડેન્ટ મુસેવેનીના પરિવારના સભ્યો, રાષ્ટ્રના મંત્રીઓ, મોમ્બાસાના ગવર્નર સહિતના અગ્રણીઓ અને રાજદ્વારીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી.
સાંજના 4 વાગ્યે હિન્દુ સ્મશાનભૂમિ ખાતે હસુભાઈના પુત્રો દર્શક, કીર્તન અને ધ્રૂવ તથા ભત્રીજા સૂરજે પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો ત્યારે ‘હસુભાઈ અમર રહો’ના નારા સાથે ગગન ગાજી ઉઠ્યું હતું.
યુકે કોમ્યુનિટી ખાતે રવિવારે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. જ્યારે, સોમવાર, 2 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યાથી ભૂજ ખાતે, સાંજના 5 વાગ્યે મોમ્બાસા ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી.
હસુભાઈની દિલેરી અને દાનપ્રવાહની એક ઝાંખી.....
• 300 દીકરીનાં પાલક પિતા બન્યાઃ હસુભાઈએ 300 દીકરીના શિક્ષણની વ્યવસ્થા કરવાનો સંકલ્પ લીધો હતો તેના ભાગરૂપે ભુજોડીમાં રબારી સમાજની કન્યાઓ માટે રૂ. 70 લાખમાં રબારી કન્યા છાત્રાલયનું નિર્માણ કરાવ્યું હતું.
• કન્યાશિક્ષણ માટે રૂ.150 કરોડની જંગી સખાવતઃ કચ્છી લેવા પટેલ સમાજની દીકરીઓ કન્યા રતનધામ અને સૂરજ શિક્ષણધામના છાત્રાલયમાં રહીને ભણી શકે તે માટે એ તમામ દીકરીઓની ફી સ્વ. કેશવલાલ પ્રેમજી ભુડિયા પરિવાર ભરશે એવી જાહેરાત હસુભાઈએ કરી હતી. રૂા. ૧૫૦ કરોડની આ સખાવતની દેશ-દુનિયામાં નોંધ લેવાઈ હતી.
• કમ્પાલામાં કચ્છીઓ માટે અક્ષરધામ વસાહતઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં કચ્છી પરિવારોને ઘરનું ઘર મળે તે માટે 292 ફ્લેસની ‘અક્ષરધામ’ વસાહત ઉભી કરવા હસુભાઈએ માતબર દાન આપ્યું હતું.
• ભૂજ તાલુકાના ફોટડી ગામની કાયાપલટઃ હસુભાઈએ માદરે વતન ફોટડી ગામમાં તમામ સમાજો માટે સમાજવાડીઓ, મંદિરો, બાલમંદિરો, બગીચાઓ, વિશાળ ગૌશાળા, સ્મશાન સહિતની મરામત કરાવી આપવા ઉપરાંત, મહિલા સ્વામિનારાયણ મંદિર અને રબારી સ્મશાનનું નિર્માણ કરાવ્યું હતું.
• ગરીબોના હોસ્પિટલ્સના બિલોની ચૂકવણીઃ હસમુખભાઈ કોસ્ટ જનરલ ટીચિંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં સખાવતી કાર્યક્રમ ચલાવતા હતા. હોસ્પિટલ કે દવાના બિલ્સ ચૂકવી શકવા સક્ષમ ન હોય તેવા પેશન્ટ્સના બિલ્સ તેમની કંપની દ્વારા ચૂકવાતા હતા. તેમણે હોસ્પિટલમાં 52 પેશન્ટ્સની સારવાર માટે 2.2 મિલિયન શિલિંગ્સના બિલ્સ ચૂકવ્યા હતા.
• અંતિમસંસ્કાર વિધિમાં મદદનો હાથઃ કોમ્યુનિટીના લોકો સ્વજનોના અંતિમ સંસ્કાર માટે સારાં કોફિન પણ ખરીદી ન શકતા હોય તેમજ જરૂર પડ્યે દેશના જુદા જુદા સ્થળોએ કોફીનમાં મૃતદેહ મોકલી આપવાના હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશનની મદદ પણ તત્કાળ કરાતી હતી. 3000થી વધુ પરિવારોને તેમણે આ પ્રકારની મદદ કરી હતી.
• કિબારાની મિરેકલ પાર્ક ખાતે નિઃશુલ્ક ભોજનઃ મૂળ ડમ્પસાઈટને પર્યાવરણીય અને આનંદપ્રમોદના સ્થળ તરીકે રૂપાંતર કરવા પાછળ તેમણે 700 મિલિયન શિલિંગ્સનો ખર્ચ ઉઠાવ્યો હતો. આ સ્થળે રોજના 40,000 લોકોને નિઃશુલ્ક ભોજન કરાવાતું હતું.
• મોમ્બાસા, કિલિફી અને ક્વાલે કાઉન્ટીઝમાં ચેરિટી પ્રોજેક્ટ્સઃ આ ત્રણ કાઉન્ટીના હજારો લોકોને આ ચેરિટી પ્રોજેક્ટ્સનો લાભ મળતો હતો.
• મોમ્બાસામાં દાનનો સાંજદરબારઃ હસુભાઈ મોમ્બાસામાં કેટલાય વર્ષો સુધી દરરોજ સાંજે ગરીબોને લાખો રૂપિયાનું દાન આપવા દાનદરબાર ભરતા હતા.
• મોમ્બાસામાં સ્વામિનારાયણ એકેડેમીનું વિસ્તૃતિકરણઃ મોમ્બાસાના ન્યાલી વિસ્તારમાં 10 એકરમાં સ્વામિનારાયણ એકેડેમી સ્કૂલના નવા વિભાગની સ્થાપના માટે હસુભાઈએ 1.5 એકર જમીન દાનમાં આપી હતી.
• દિવ્યાંગ લોકોની મદદ કરવામાં પણ અગ્રેસરઃ કેન્યા નેશનલ કાઉન્સિલ ફોર પરસર્ન્સ વિથ ડિસેબિલિટી સાથે નોંધાયેલા દિવ્યાંગોને માસિક 3000 શિલિંગ્સ સ્ટાઈપેન્ડ ચૂકવવા ઉપરાંત, નોકરીવિહોણા દિવ્યાંગોને ભાડાંના ઘરમાંથી હકાલપટ્ટી કરાવાની હોય ત્યારે તેમનું ભાડું પણ તેમણે ચૂકવી આપ્યું હતું. એકલા મોમ્બાસામાં જ 600 દિવ્યાંગજનો (PWD)ને હસુભાઈના સખાવતી કાર્યનો લાભ મળ્યો હતો.
• સહજાનંદ સ્પેશિયલ સ્કૂલનું સંચાલનઃ એમટ્વાપા (Mtwapa) ખાતે આ સ્કૂલ દ્વારા શારીરિક અને માનસિક અક્ષમતા ધરાવતા 5000થી વધુ બાળકોને તાલીમ, શિક્ષણ અને પાયાની જરૂરિયાતોની વ્યવસ્થા કરી અપાઈ છે. હાલ આ સ્કૂલમાં 1000થી વધુ વિદ્યાર્થી છે. હસુભાઈની સખાવત અને વિશાળ હૃદયનો 10,000થી વધુ વિદ્યાર્થીઓએ લાભ પ્રાપ્ત કર્યો હતો.