જનેતા અને જ્ન્મભૂમી કદી ભુલાય ખરી? બન્ને અપાર હેત વરસાવે છે અને તેની યાદ આવતાં જ દિલમાં એક અનેરો આનંદ, લાગણી અને પ્રેમ ધબકવા માંડે. હંમેશા મારા મનમાં સુષુપ્ત અવસ્થામાં એક ઇચ્છા ધરબાયેલી હતી, કેન્યા અને મારી જન્મભૂમિ એલ્ડોરેટની એક વખત મુલાકાત લેવાની. મારી આ ઇચ્છા છેક ૫૬ વર્ષ પછી પૂરી થઈ. આ માટેના મારા પથદર્શક બન્યા હતા એલ્ડોરેટમાં જેમની સાથે મેં બાળપણ વિતાવ્યું હતું તે રમેશભાઈ કામેશ્વર ભટ્ટ.
મારો જન્મ કેન્યાના એલ્ડોરેટ શહેરમાં થયો હતો. હું ૧૨ વર્ષનો હતો ત્યારે મારા બાપુજી સ્વ. વીઠ્ઠલદાસ જીવરાજ ગણાત્રાએ ભારતમાં સ્થાઈ થવાનો નિર્ણય લીધો હતો. ૧૯૬૦ના આરસામાં ઇસ્ટ આફ્રિકામાં ગોરા શાસકોને હાંકી કાઢવા માટે ઉહુરૂ (આઝાદી)ની લડત ચરમસીમાએ પહોંચી હતી. ડેડન કીમાર્થી માંઉ માંઉની હિંસક લડતના પ્રણેતા હતા અને ત્યારે યુગાન્ડાના મસાકા શહેરમાં ગોરી હકુમતે માંઉ માંઉના હજારો દેખાવકારોને બંદૂકના નાળચે ઠાર કરી નાખ્યા હતા. અજંપો પામી ગયેલા મારા પિતાશ્રીએ આફ્રિકા છોડી પાંચ ભાઈઅો, બે બહેનો અને અમારા બા સહિત આખો પરિવાર જેમ તેમ કરીને વતન જામ ખંભાળીયામાં સ્થાયી થયો હતો. બાપુજીએ બ્રિટિશ સિટિઝનશીપ લઈ લીધેલી એટલે કાળક્રમે અમો યુ.કે. આવીને વસી શક્યા.
કેન્યાનો ઇતિહાસ
માઉન્ટ કેન્યા ઉપરથી દેશનું નામ કેન્યા પડ્યું છે, રાજધાની નાઇરોબી દરિયાથી ઉંચે ૫૫૦૦ ફૂટ ઉંચે છે જ્યારે એલ્ડોરેટ ૯૧૦૦ ફૂટની ઊંચાઈ ઉપર છે. પૃથ્વીનો આખો ચકરાવો બતાવતા ગોળ નકશામાં વચ્ચેની સેન્ટ્રલ લાઇન ઇકવેટર તરીકે ઓળખાય છે અને તે લાઇન ઉપર એલ્ડોરેટ વસેલું છે.
કેન્યાનું પ્રવેશદ્વાર મોમ્બાસા બંદર છે. જે ઇ.સ. ૧૫૫૩માં પોર્ટુગીઝોએ વસાવ્યું હતું. તે પહેલા આરબો ત્યાં વસ્યા હતા. આરબો દરિયા કિનારાના શહેરોમાં વેપાર ધંધાર્થે ખૂબ આગળ વધતા છેક ઝાંઝીબાર સુધી પહોંચી ગયા અને સાથે સાથે કાળી પ્રજા જે સાવ ધર્મવિહોણી હતી તેને મુસ્લિમ બનાવતા ગયા. ૧૮૯૫ આસપાસ અંગ્રેજોએ પગદંડો જમાવ્યો અને લગભગ ૬૬ વર્ષ રાજ ચલાવ્યું. ખૂબ જ શાણા અને ચતુર ગોરા લોકોએ ક્રિશ્ચયન ધર્મ વિકસાવ્યો.
આપણે હિન્દુ પ્રજા અભડછેટમાં ફસાયેલી એટલે આપણે માત્ર વેપાર ઉપર ધ્યાન આપ્યું અને હિન્દુ ધર્મને ફેલાવ્યો નહિ. મેં આફ્રિકાના પ્રવાસ દરમિયાન ચર્ચ અને મસ્જિદોમાં જોયું તો કાળી પ્રજા જ નજરે પડી પણ આપણા એક પણ મંદિરમાં આફ્રિકન જોયા નથી. આપણી અનેક કમજોરીમાં અંધશ્રદ્ધા અને આભડછેડ એ દાટ વાળ્યો છે.
એક અપવાદ નકુરૂના જલારામ કહેવાતા હિરજીબાપાનો જાણ્યો કે તેમણે સ્થાનિક આફ્રિકન લોકોને ભજન – તબલા, મંજીરા વગેરેની તાલીમ આપી ભક્તિ માર્ગે વાળ્યા હતા. પરંતુ તે વખતેથી આપણી પ્રજાએ બાપાને દુઃખી દુઃખી કરી નાખ્યા હતા. પણ હિરજીબાપા ડગ્યા ન હતાં. આજે નકુરૂમાં સ્વ. પ્રેમચંદ નાગપાર શાહે બંધાવેલ જલારામ આરાધના ધામ વીરપુરની જેમ જ ધમધમે છે. ત્યાંની મુલાકાત અને પ્રસાદ લેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું.
આપણી પહેલી પેઢી
આફ્રિકન લોકો ૪૨ જાતિઓમાં વિભાજીત છે. પહેલાના વખતમાં જંગલમાં છૂટા છવાયા વસ્ત્ર વિનાના રહેતા હતાં. વગડાના જાનવરોથી થોડુંક બહેતર જીવન અને માથા ભારે માણસ તેની જાતિનાં નેતા બની જતા હતાં અને એક બીજી જાતો અંદરો અંદર લડી મરતી હતી. રાજા રજવાડા જેવી શાસન વ્યવસ્થા કે રસ્તા કશું જ નહિ.
અંગ્રેજો આવ્યા અને પામી ગયા કે અહીંની જમીન ફળદ્રુપ છે. કોફી, કપાસ, શેરડી, ઘઉં, મકાઈનો મબલખ પાક ઉતરે તેમ છે. ટ્રાન્સપોર્ટેશન માટે રસ્તા બનાવવા અને રેલવે લાઇન બીછાવીએ તો જ તગડો નફો મળે તેમ છે. આ માટે મજૂરો જોઈએ જે ભારતમાંથી લાવવામાં આવ્યા. પહેલા લોટમાં ૩૦,૦૦૦ મજૂરો ગુજરાત અને પંજાબમાંથી આવ્યા. મોમ્બાસાથી કંપાલ સુધીની ૧,૦૫૦ કિલોમીટર રેલવે લાઇનનું કામ ૬ વર્ષમાં પૂરું થયું. ત્યાર બાદ રેલવના સંચાલન અને વ્યવસ્થાતંત્ર માટે માટે બીજો લોટ આવ્યો જેમાં ચરોતર તરફના ઘણા પટેલો આવ્યા હતા. તે સૌએ ખૂબજ મહેનત કરી અને આજે આપણે આફ્રિકા સહિત દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ જઈને સમૃદ્ધ બન્યા છીએ તેની પાછળ આપણા આ પૂર્વજોનો પરિશ્રમ અદૃશ્ય સ્વરૂપે ધબકે છે.
આજનું કેન્યા
આજે કેન્યાની વસતી ૪ કરોડની છે. સ્વ. જોમો કેન્યાના રાષ્ટ્રપિતા છે. આઝાદીની લડતમાં અંગ્રેજોએ તેમને મારી મારીને તોડી નાખવા જુલ્મો કર્યા અને ભયંકર જેલવાસના જુલ્મો છતાં તેઓ ડગ્યા ન હતા. ઉપરાંત માંઉ માંઉ જેવી હિંસક લડતે અંગ્રેજો દેશ છોડવા થયા. ભારત ૧૯૦ વર્ષ અંગ્રેજોનું ગુલામ રહ્યું અને હિંસક લડતને કારણે ઇસ્ટ આફ્રિકાને માત્ર ૬૬ વર્ષમાં જ આઝાદી મળી ગઈ. ભારતે કેન્યાના સ્વાતંત્ર સંગ્રામમાં ખૂબ મદદ કરી હતી. આજે કેન્યામાં પ્રજાકીય તંત્ર તો છે પરંતુ તે ભયંકર લાંચરૂશ્વત, અરાજકતા અને લોહિયાળ હિંસામાં અટવાયેલું છે. ટુરીઝમ બિઝનેસ પડી ભાગ્યો છે.
એક જમાનામાં પતરાના મકાનોમાં રહેતા આપણા ભાઈઓ આજે પૈસે ટકે ખૂબ સુખી છે અને રાજાના મહેલ જેવા મકાનોમાં અતિ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જીવી રહ્યા છે. તેમને હિંસાનો ભોગ બની જવાનો સતત ભય રહ્યા કરે છે. ખરેખર તો સોનાના પિંજરામાં રહેલા પોપટ જેવી હાલત છે!
ત્યાં તા. ૮ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ પાર્લામેન્ટની ચૂંટણી છે. ઉહુરૂ કેન્યાટાની જ્યુબીલી પાર્ટી અને રાયલા ઓડિંગાની લોર્ડ પાર્ટી વચ્ચે જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં પહેલી વખત અમેરિકાની માફક રાષ્ટ્ર પ્રમુખના પદ પર ઇલેકશન લડાશે.
એલ્ડોરેટના ડેનિયલ અરપ મોઇ
કેન્યામાં પાંચ મોટા શહેરો છે. મોમ્બાસા, નાઇરોબી, કીસુમુ, નકુરૂ અને એલ્ડોરેટ. જોમો કેન્યાટાના સ્વર્ગવાસ પછી એલ્ડોરેટમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય ડેનિયલ અરપ મોઇએ ૨૭ વર્ષ સુધી રાજ કર્યું, એલ્ડોરેટને ગામડાંમાંથી શહેર બનાવી દીધું. ૫૬ વર્ષ પછી મેં મારી જન્મભૂમિ ઉપર પગ મુક્યો ત્યારે તેને પારખવા માટે એક આખો દિવસ લાગ્યો. મનમાં જૂનું અંકિત થયેલું ચિત્ર, અને નવું પરિવર્તન પામેલા ગામમાં લેખાજોખા કરવામાં એક અદભુત રોમાંચ અનુભવ્યો.
જૂના સંભારણા
હું ૭ વર્ષનો હતો ત્યારે મારા નાના ભાઈ દિનુ સાથે અમે પૂજ્ય શાંતાબેન છોટાભાઈ પટેલ પાસે ગુજરાતી શીખવા જતા હતાં. તેમનો પ્રેમાળ સ્વભાવ અને વાણીની સરળતાં થકી અમો અનેક છોકરાઓને સગી મા જેવો પ્રેમ પામતા હતાં. આજે તેઓ લગભગ ૯૫ વર્ષની વયે હયાત છે. મારી બાનુ નામ પણ શાંતાબેન છે. તેઓ પણ આજે અમારી પાસે શાંતાબા પટેલને યાદ કરે છે. અહીં યુ.કે.માં પૂ. શાંતાબાના બન્ને દિકરાઓ વિજયભાઈ અને ભીખુભાઈએ ફાર્મસી વ્યવસાયમાં નવી બુલંદી સર કરી છે. Way Made Health Care અને AMDIPHARMનું મૂલ્યાંકન કરવું અઘરું છે. દંગ રહી જવાય તેવી પ્રગતિ કરી હોવા છતાં બન્ને ભાઈઓમાં અભિમાનનો છાંટો જોવા મળે નહિ. વતન પરસ્તી દાખવીને તેમણે એલ્ડોરેટમાં લાયન પ્રાઇમરી સ્કૂલ ખોલીને માતૃઋણ અદા કર્યું છે. યુ.કે.માં વેપાર ક્ષેત્રે નાગરેચા પરિવારે હરણફાળ ભરી છે. આ પરિવારના જમાઈ શ્રી સુરેશ ચંદારાણાએ પણ નાગરેચાના વેપાર સાથે જોડાઈને કાબિલે તારીફ પ્રગતિ કરી છે.
હેરોમાં તમુ તમુ રેસ્ટોરન્ટવાળા શાહ પરિવાર છે. એલ્ડોરેટમાં તેઓ નિરાધાર બાળકોને સાચવતી સંસ્થામાં મદદરૂપ થઈને ક્રિસમસ જેવા તહેવારોમાં બાળક જમાડે છે. લેસ્ટરમાં રહેતા મારા નાનાભાઈ દિનેશ ગણાત્રા અને તેમનો પુત્ર હિતેન ગણાત્રા શુદ્ધ સેવાના નિઃસ્વાર્થ વિચારને હકિકતમાં મુકે છે, અમારા વતન જામ ખંભાળીયામાં અમો બન્ને ભાઈઓએ શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહની સ્થાપના કરી છે. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ અને નિઃસહાય વડીલોને આજે ૧૫ વર્ષથી ટિફિન સેવા કાર્યરત છે. આ સિવાય બીજી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ પણ દિનેશભાઈના માર્ગદર્શન નીચે ચાલે છે.
હિતેન ગણાત્રા મીલ્ટન કીન્સમાં કન્ઝર્વેટીવ પાર્ટીના એકમાત્ર ગુજરાતી કાઉન્સિલર છે. લોર્ડ ડોલરભાઈ પોપટે રોમમાં પૂજ્ય મોરારીબાપુની કથા યોજી હતી તેની વ્યવસ્થા માટે હિતેને તેની કોઠાસૂઝથી સચોટ વ્યવસ્થાનું સંકલન કર્યું હતું. દાનનો યોગ્ય ઉપયોગ જાતે જ કરવો, બીજા ઉપર મદાર રાખવો નહિ તે વિચારને વરેલો હિતેન છેલ્લા ૨ વર્ષથી ખાસ સમય કાઢીને જામખંભાળીયા જાય છે અને જરૂરિયાતમંદોને અનાજ, દવા સહિત અનેક વસ્તુઓનું વિતરણ કરે છે.
અહીં યુકેમાં ચાલતી એલ્ડોરેટ એસોસિએશન નામની સંસ્થા તરફથી ૨૦૦૩માં વિદેશવાસી એલ્ડોરેટના રહીશોની ડીરેક્ટરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં ૮૦૦ જેટલા નામોની વિગત પ્રકાશિત થઈ છે. અત્યાર સુધીમાં તેમના તરફથી યોજવામાં આવેલા ગેધરીંગના કાર્યક્રમોને જબરી સફળતાઓ મળી છે. તેમની વેબસાઇટ અને ફેસપુક પેઇજ પણ છે.
એલ્ડોરેટમાં શ્રી કામેશ્વર ભટ્ટની કંદોઈની પ્રખ્યાત દુકાન હતી. ગામમાં કોઈ પણ માણસ મુશ્કેલીમાં હોય તો તેને માટે ગમે તેવો ભોગ આપીને તેને સાચવી લેતા હતા. આજે આ વારસો અહીં યુ.કે.માં તેમના દિકરાઓમાં જોવા મળે છે. એલ્ડોરેટના શિવધામ (સ્મશાન)માં ગામના પ્રખ્યાત ભજનીક રામદાસ બાપાની સમાધી છે. આજે તેમના દીકરાઓ ભગવાનદાસ અને ભાઈઓ યુ.કે.ના પ્રખ્યાત ભજનીકો છે. સ્વાહિલિ ભાષામાં પણ ભજનો ગાય છે.
૦૦૦૦૦૦૦
વાચક મિત્રો,
શ્રી જગદીશભાઇ ગણાત્રાની જેમ જો આપ પણ આપની જન્મભૂમિ, તેના વિકાસ, આજની હાલત અને યુકેમાં વસતા આપના ગામ – વતનના નોંધપાત્ર અગ્રણીઅોના વિકાસ અને સેવાઅો અંગે લેખ રજૂ કરવા માંગતા હો તો આમે સૌ આપનું સ્વાગત કરીએ છીએ. ૫૦૦ શબ્દોની મર્યાદામાં જરૂરી તસવીરો સાથે આપનો લેખ, આપની યાદો કમલ રાવને પત્ર કે ઇમેઇલ [email protected] પર મોકલવા વિનંતી.