મને યાદ છે કે હું નાની હતી ત્યારથી અમારા પરિવારના વડીલો અર્ધ અથવા પૂર્ણ કુંભ સહિતની યાત્રા કરવા જતા હતા. મારાં નાની છ સપ્તાહની તીર્થયાત્રાએથી પરત આવ્યાં ત્યારે તેમનું હારતોરાથી સ્વાગત કરાયું હતું, તેમના પર પુષ્પવર્ષા થઈ હતી. આથી યાત્રાનો ખ્યાલ મારાં માટે અજાણ્યો નથી. હું ખાસ ધાર્મિક નથી પરંતુ, માનું છું કે વ્યક્તિ જ્યારે મોટી થતી જાય ત્યારે જીવન, તેના લક્ષ્ય, આધ્યાત્મિકતા વગેરે વિશે વધુ ચિંતન કરવા લાગે છે. આથી, મેં જ્યારે ‘મહાકુંભ’ (દર 12 વર્ષે પૂર્ણ કુંભ યોજાય છે અને આવા 12 પૂર્ણ કુંભ પછી એટલે કે 144 વર્ષે યોજાતો પૂર્ણ કુંભ) વિશે સાંભળ્યું ત્યારે મારાં જીવનકાળનું આ કેવું સદ્નસીબ, એવો વિચાર આવ્યો અને તેમાં હાજરી આપવાની ઈચ્છા પણ થઈ.
આ તો હેલીનો ધૂમકેતુ નિહાળવા જેવું છે જે દર 76 વર્ષે દેખા દે છે. પરંતુ, આમાં તો મોક્ષપ્રાપ્તિનો વધારાનો લાભ મળવાની સંભાવના હતી. કુંભમાં યંત્રવત જવાં કરતાં પણ વધુ તો આ અનોખી યાત્રા કરવા અને સંવેદનાઓને સમજવાની મારી ઈચ્છા હતી. જો સમાજના તમામ ક્ષેત્રો, પશ્ચાદભૂ, તમામ જ્ઞાતિઓ-જાતિઓ, વિવિધ ભાષાઓ બોલતા, વિવિધ વિસ્તારોમાંથી, વિવિધ ધર્મોમાંથી 45 કરોડથી પણ વધુ લોકો એકત્ર થઈ પ્રાર્થના અને પૂજાના હેતુસર આવતા હોય તેવા સ્થળના પવિત્ર તરંગોને અનુભવવાં અને નિહાળવાની મારી ઈચ્છા હતી.
નસીબે સાથ આપ્યો અને મને 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન પ્રયાગરાજ મહાકુંભમાં જવાની તક મળી. આવવા જવા માટે પ્રયાગરાજ એરપોર્ટ થકી અમારી મુસાફરી સરળ બની. નજીકના લખનૌ અથવા વારાણસી જેવાં સ્થળોએથી આવતા લોકો માટે પ્રવાસનો સમય ઘણો લાંબો રહ્યો અને તેઓ ભારે ટ્રાફિકમાં ફસાયેલા પણ રહ્યા. અમે દશાશ્વમેઘ ઘાટની સામે જ રોકાણ કર્યું હોવાથી અમારે લાંબુ ચાલવાનું ન રહ્યું.
ભારે ભીડ હોવાં છતાં, અમને આસપાસના સ્થળોએ બાઈક પર લઈ જવાં ગાઈડની વ્યવસ્થા કરી હોવાથી અમે પ્રમાણમાં સહેલાઈથી અવરજવર કરી શક્યા હતા. હું મહિલા હોવાં છતાં, આટલી વિશાળ જનમેદનીમાં મને કોઈ પણ રીતે અસલામતી કે અસુવિધાનો અનુભવ ન થયો. કુંભક્ષેત્રમાં વ્યવસ્થા ખરેખર અકલ્પનીય હતી. અન્ય કોઈ દેશ આટલા મોટા પ્રમાણમાં આટલા વિશાળ ઈવેન્ટનું આયોજન અને સંચાલન કરી શકે તેવી કલ્પના પણ હું કરી શકતી નથી. સતત સફાઈકાર્ય ચાલુ રહેતું હતું. અમારો ગાઈડ અમને બાઈક પર અરૈલ ઘાટ લઈ ગયો જ્યાંથી અમે ત્રિવેણી સંગમ સુધી બોટ કરી હતી. સંગમમાં ડૂબકી... અહોહો! આ અનુભવ જ કલ્પનાતીત હતો.
જ્યારે તમે વિચારો કે તમારે શા માટે મહાકુંભ જઈ સ્નાન કરવું જોઈએ – આપણાં પાપની ક્ષમા યાચવા અને મોક્ષ પ્રાપ્ત કરવા. હું સંગમના ઠંડા અને સ્વચ્છ જળમાં પ્રવેશી ત્યારે મારાં સહું સ્વજનો, પેરન્ટ્સ, ગ્રાન્ડપેરન્ટ્સ, જેમને ગુમાવ્યાં છે તેવાં સ્નેહીજનોને યાદ કર્યાં. મારાં તમામ પરિવારજનો વતી મેં પ્રાર્થના કરી. તે ક્ષણે વહેતાં પાણીમાં, અંતરમાં આ બધા વિચારો ચાલતા હતા ત્યારે બહારના વિશ્વનો કોલાહલ થંભી ગયો. મને મારું લક્ષ્ય જ યાદ રહ્યું. આસ્થા, માન્યતામાંથી પ્રગટતી પ્રાર્થના અને વહેતી ગંગા નદીમાં ડૂબકીએ મારા આત્માને હળવો બનાવી દીધો. મારાં માટે આ અનુભવ એટલો આનંદપૂર્ણ, તીવ્ર હતો કે બીજા દિવસે પણ સંગમસ્થાને જઈ ડૂબકી લગાવવાની ઈચ્છા થઈ હતી. આ શાંતિ, પવિત્રતાની લાગણી શબ્દો વર્ણવી શકે તેમ નથી. જરા વિચારો, લાખો લોકો અહીં આસ્થા, માન્યતા, મોક્ષપ્રાપ્તિના એકમાત્ર ઈરાદાથી જોડાઈને અહીં એકત્ર થયા હતા. સંગમસ્થાને તરંગો અને ઊર્જા આનું પ્રતિબિંબ પાડે છે. સંગમસ્નાન માત્ર શારીરિક અનુભવ કરતાં પણ વધુ સંવેદના, ‘અનુભૂતિ’ છે.
અમે ભારતના 12 જ્યોતિર્લિંગોના પ્રદર્શનની મુલાકાત લીધી. હજારો વર્ષ પુરાણા વટવૃક્ષ ‘અક્ષયવટ’ અને જૂના કિલ્લામાં સારી સંભાળ લેવાયેલાં સરસ્વતી નદીના સ્રોતની મુલાકાત પણ લેવા જેવી છે. સ્વાભાવિક રીતે જ ‘અક્ષયવટ’ અને ‘લેટે હનુમાન’ની મુલાકાત લીધા વિના કુંભસ્નાન અધુરું ગણાય છે. અમારા કમનસીબે મંદિર બંધ રખાયું હતું.
અમે અખાડાઓમાં ગયાં અને કેટલાક સાધુ-સંતોને પણ મળ્યાં. હું અખાડાની બહાર સાધુને થોડી રકમ આપવા ઈચ્છતી હતી પરંતુ, તેમણે નાણાનો ઈનકાર કરતા કહ્યું ‘દક્ષિણાની ચિંતા ના કરો, આવો, બેસો, વાતો કરો અને ધ્યાન ધરો.’ બીજા સાધુએ અમને આવી વધુ યાત્રાઓ કરવા અને ધર્મનો માર્ગ અનુસરવા અનુરોધ કર્યો હતો. મોટા ભાગના સાધુઓ મહાકુંભ છોડી ગયા હોવાથી ઘણા અખાડા ખાલી હતા.
કુંભક્ષેત્ર ઘણા સેક્ટરોમાં વહેંચાયેલું છે. મહાકુંભના યાત્રીઓને રહેવા અને સૂવા માટે સંખ્યાબંધ કેમ્પસાઈટ્સ છે, તેમને જમાડવા માટે લંગરો અને ભંડારાઓ પણ છે. મેં જરૂરિયાતમંદોને કૃત્રિમ અવયવો અને પ્રોસ્થેટિક્સ પૂરાં પાડતો કેમ્પ પણ જોયો. એક કેમ્પમાં આંખોની મફત તપાસ અને સારવારની વ્યવસ્થા હતી, અનેક સ્થળોએ ગરમ ધાબળા, મફત ચા, નિયમિત સ્થળોએ સ્વચ્છ પીવાનું પાણી, યોગ્ય દરે રેશન વગેરે વહેંચવાની પણ સુંદર વ્યવસ્થા હતી. સામાન્યપણે અને પરંપરાગત સમાજના ગરીબ, વયોવૃદ્ધો અને નિવૃત્ત લોકો કુંભયાત્રાએ જતાં હોવાની મારી સમજ હતી પરંતુ, સોશિયલ મીડિયામાં પ્રસારના કારણે યુવાવર્ગ અને સમાજનો ઉચ્ચ વર્ગ પણ મહાકુંભમાં જોવા મળ્યો હતો. આ અનોખા મહાકુંભની યાત્રા કરવા અને સાચા ભારતની ઝાંખી પ્રાપ્ત કરવાની તક મળી તેની મને ખુશી છે. આ યાત્રા આંખો ખોલનારી હતી અને સનાતન ધર્મ વિશે વધુ જાણવાની મારી જિજ્ઞાસા સતેજ થઈ છે. મારા પરિવાર સાથે પ્રયાગરાજમાં આગામી પૂર્ણકુંભની યાત્રા કરવાની મને ગમશે.
ટુંકમાં કહું તો આ સરળ હતું? -ના, પ્રવાસમાં સમય જાય છે. ત્યાં ગંદકી થાય છે તો સ્વચ્છતા જાળવવા પ્રયાસો પણ થાય છે. ઘોંઘાટ છે, પાગલપન લાગે છે, વાતાવરણ અવર્ણનીય છે. હું ફરી ત્યાં જવા ઈચ્છીશ. શાંતિના સમયે જઈ ફરી સ્નાન કરવાની ઈચ્છા છે, બનારસમાં 2-3 દિવસ રહેવું છે. હું મારી લાગણીઓ વર્ણવી શકતી નથી. કોઈ વ્યક્તિ ત્યાં ગઈ હોય અને તેને અફસોસ થયો હોય તેવું મારાં સાંભળવામાં આવ્યું જ નથી. કોઈએ કહ્યું કે તમે ત્યાં પર્યટક તરીકે જશો તો તમાને કદાચ ખુશી નહિ મળે પરંતુ, તમે શ્રદ્ધાળુ તરીકે જશો તો આ તક મળવા બદલ તમને આનંદ થશે અને તમારા આત્મામાં સુખદ્ લાગણીઓ છવાશે. મને આવો જ અનુભવ થયો છે.