ધાર્મિક હિન્દુ પરિવારોમાં શ્રાદ્ધપક્ષના દિવસો ઘણા પવિત્ર મનાય છે. હિન્દુ કેલેન્ડર-પંચાંગમાં આપણા પિતૃઓ એટલે કે સ્વર્ગવાસ થઈ ગયો હોય તેવા આપણા પરિવારજનો અને વયોવૃદ્ધોને યાદ કરવા દિવસો ફાળવેલા હોય છે. આપણે આ સમયગાળામાં આપણા સહુ વડવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેમજ આ માટે પ્રાર્થના, પૂજા અને દાન આપવા સહિત સારા કાર્યો પણ કરીએ છીએ.
પવિત્ર શ્રાદ્ધપત્ર ભાદરવા મહિનાના પાછલા 16 દિવસ દરમિયાન હોય છે. વર્ષ 2024માં શ્રાદ્ધ અથવા પિતૃપક્ષનો આરંભ મંગળવાર 17 સપ્ટેમ્બરથી થયો હતો અને તેનું સમાપન બુધવાર 2 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાવાસ્યાના દિવસે થયું હતું.
શ્રાદ્ધકર્મ કરવા માટેના પવિત્ર દિવસોમાં આપણા પિતૃઓ માટે અન્ન, જળ અર્પણ કરવા ઉપરાંત, પ્રાર્થના કરવામાં આવે છે. આ વિધિઓથી વિદાય પામેલા પરિવારજનોના આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ તેમને દૈહિક વાસનાઓથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે.
આપણા પૂર્વજો-પિતૃઓનું સન્માન કરવા વિવિધ વિધિઓ-કર્મકાંડ કરવામાં આવે છેઃ
પિંડદાનઃ ચોખાના લોટમાં તલ અને જવનો લોટ મિશ્ર કરી તેના પિંડ બનાવી અર્પણ કરવામાં આવે છે.
તર્પણઃ કાળા તલ સાથે જળ મિશ્ર કરી તે આર્પણ કરાય છે.
ગરીબોને અન્નદાનઃ જરૂરિયાતમંદોને દાન અને બોજન આપવામાં આવે છે.
કેટલાક લોકો પિતૃઓ પ્રત્યે આદર દર્શાવવા તેમના બગીચાઓમાં પક્ષીઓ અને છોડવાઓને પિંડ અને જળ અર્પણ કરે છે. અમારા પરિવારમાં અમે કરી શકીએ તે પ્રમાણમાં સખાવત-દાન કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમે દરરોજ સવારે કુદરતને જળની સાથે કાળા તલ, ઘી અને દૂધ અર્પણ કરીને તર્પણ કરીએ છીએ. અમે અમારા પરિવારજનો અને ખાસ કરીને બહેનો, ભાણેજ અને ભાણેજીઓને ઘરમાં પ્રાર્થના કરવા બોલાવીએ છીએ અને સાથે મળીને ભોજન કરીએ છીએ. છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાવાસ્યાના દિવસે અમે પક્ષીઓને ભોજન અને જળ અર્પણ કરીએ છીએ. મને નવાઈ જ લાગે છે કે આ દિવસોમાં ખાસ કરીને કાગડાઓ જ ભોજન જમવા આવતા હોય છે. સૌથી ચતુર પક્ષી મનાતા કાગડાઓ આપણા પિતૃઓના આશીર્વાદ સાથે લાવતા હોવાનું મનાય છે.
શ્રાદ્ધપક્ષ પરિવારો માટે તેમના પિતૃઓ અથવા તો પૂર્વજોનું સ્મરણ કરવાનો હેતુ ધરાવે છે. ચિરવિદાય પછી તેમના આત્માઓ જ્યાં પણ પહોંચ્યા હોય તેમને યાદ કરવા અને તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરવાનો આ સુંદર સમયગાળો છે.
(લેખક ICAEWના આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડ 2021ના વિજેતા, ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, મૂર પાર્ક (૧૯૫૮) લિમિટેડના ચેરમેન તેમજ લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ છે)