હું અહીં કેનેડાના મારખમમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસની 12 ઓક્ટોબર, 2024ની શનિવારની એડિશનો ઓનલાઈન વાંચી રહ્યો હતો અને તે જ સવારે અમે નોર્થ ઈસ્ટ સરે ક્રીમેટોરિયમ ઈંગ્લેન્ડથી અમારા કાકા મોહિન્દ્રા કુમાર સી. પટેલની ફ્યુનરલ વિધિનું જીવંત પ્રસારણ પણ નિહાળી રહ્યા હતા. તેઓ વય સંબંધિત સમસ્યાઓના કારણે મૃત્યુ પામ્યા હતા અને શાંતિપૂર્વક વિદાય લીધી હતી. તેઓ ઈંગ્લેન્ડના વિમ્બલ્ડન ખાતે રહેતા હતા.
તેમનો જન્મ કેન્યાના નાન્યુકી (મૂળ વતન કરમસદ, ગુજરાત, ભારત)માં થયો હતો. તેઓ ઘણી પ્રતિષ્ઠા ધરાવતા સેટલર્સ સ્ટોર્સના માલિક દિવંગત ચુનીભાઈ સી. પટેલના પુત્ર હતા અને તેમના નેબરહૂડમાં ઘણા શીખ લોકો રહેતા હતા અને બધા જ ભાઈચારાની લાગણી સાથે સુમેળથી રહેતા હતા તેમજ સારા કે ખરાબ સમયે એકબીજાના પડખે ઉભા રહેતા હતા. એક શીખ પરિવારે તેમને મોહિન્દ્રા કુમારનું નામ આપ્યું હતું અને ત્યારથી તેમનું કાનૂની નામ મોહિન્દ્રા કુમાર જ રહ્યું હતું. તેમનું બીજું નામ મહેન્દ્રભાઈ સી. પટેલ હતું અને ઘણા તેમને મહેન્દ્રકાકાના હુલામણા નામથી બોલાવતા હતા. તેઓ પંજાબી ભાષા કડકડાટ બોલી શકતા હતા.
મેં ત્યારે રવિન્દ્રનાથ ટાગોર લિખિત ‘ફેરવેલ માય ફ્રેન્ડ્સ’ વાંચી હતી અને તેના દરેક શબ્દ મારા હૃદયને સ્પર્શી ગયા હતા. તે મારા જીવનની યાત્રા વિશે ઘણો જ વિશિષ્ટ અર્થ ધરાવે છે. આ કવિતાના અંતમાં તેઓ કહે છે - તમે જેમને પ્રેમ કરતા હો, તેમના હૃદયમાં તમે રહેતા હો ત્યારે યાદ રાખજો કે તમે કદી મરતા નથી. રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય માટે 1913માં નોબેલ પારિતોષિક મેળવનારા પ્રથમ બિનયુરોપીય સર્જક હતા. ટાગોરને 1915માં નાઈટહૂડની નવાજેશ કરાઈ હતી પરંતુ, તેમણે બ્રિટિશ રાજ દ્વારા અમૃતસર-જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં 1919માં એવોર્ડ પરત કર્યો હતો.
અમારા પરિવાર અને મિત્રો વતી આ કવિતા થકી અમે મોહિન્દ્રા કુમારને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત, હવે આ વિશ્વમાં હયાત નહિ રહેલા અમારા પરિવારના સભ્યો, સગાંઓ, અમારા સહુ સ્નેહીજનો, પરિચિતો અને મિત્રોને પણ આ કવિતાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જય શ્રી કૃષ્ણ.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા