લંડનઃ માસ્ટરજીના હુલામણા નામે ઓળખાતા અને કોવેન્ટ્રીના સેલિબ્રેટેડ ફોટોગ્રાફર્સમાં સ્થાન ધરાવતા મગનભાઈ પટેલના ૧૨૮ પાનાના કોફી ટેબલ તસવીરસંગ્રહનું વિમોચન મંગળવાર, ૨૮ નવેમ્બરે કોવેન્ટ્રીના સેન્ટ મેરી‘ઝ ગિલ્ડહોલ ખાતે યોજવામાં આવ્યું હતું. કોવેન્ટ્રી એન્ડ વોરવિકશાયર બિઝનેસ ફેસ્ટિવલ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન ફોટો આર્કાઈવ્ઝ માઈનર્સ દ્વારા કરાયું હતું.
ગયા વર્ષે ફારગો વિલેજમાં ‘માસ્ટરજી એન્ડ કોવેન્ટ્રી’નું સફળ પ્રદર્શન યોજાયા પછી મુંબઈ અને ન્યૂ યોર્કમાં પણ તેમની તસવીરોનું પ્રદર્શન કરાયું હતું. ૯૫ વર્ષે પણ તરવરતા મગનભાઈ પટેલ છેક ૧૯૫૦ના દાયકાથી કોવેન્ટ્રીમાં સાઉથ એશિયન ઈમિગ્રન્ટ્સની ફોટોગ્રાફી કરતા આવ્યા છે અને તેમની ફોટોગ્રાફીની ભારે સરાહના પણ થઈ છે.
આ પુસ્તકનું લેખન, તસવીરોની પસંદગી માસ્ટરજી, તેમના પુત્રી તરલા પટેલ અને પુસ્તકના પ્રકાશક ફોટો આર્કાઈવ્ઝ માઈનર્સ દ્વારા કરવામાં આવ્યું છે. તેની પ્રસ્તાવના ડો. માર્ક સીલીએ લખી છે. તરલાએ જણાવ્યું હતું કે, ‘ લોકો જ્યારે પોતાના શરીરના રંગના કારણે નોકરીઓ, શિક્ષણ અને રહેઠાણો અંગે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં હતાં તે ભૂતકાળને માસ્ટરજીએ તસવીરોમાં અવાજ આપ્યો છે.’
કોવેન્ટ્રી સિટી ઓફ કલ્ચર ટ્રસ્ટના મેનેજર લૌરા મેકમિલને જણાવ્યું હતું કે, ‘માસ્ટરજીનો તસવીર સંગ્રહ કોવેન્ટ્રીના લોકોનાં જીવનની અદ્ભૂત કથા કહે છે અને આ તસવીરીકથા પુસ્તકમાં જળવાય તે જ યોગ્ય છે. તદેમનું કાર્ય શહેરના ઈતિહાસની સાચી ઓળખ આપે છે.’