લંડનઃ મિનિસ્ટર ફોર સ્કૂલ્સ લોર્ડ નાશે ગુરુવાર, બીજી માર્ચે હેરોસ્થિત કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ (KAPSH)ની મુલાકાત લીધી હતી. સરકારી ભંડોળ સાથેની પ્રથમ હિન્દુ સ્કૂલની મુલાકાતમાં મિનિસ્ટર સાથે વડા પ્રધાનના ફેઈથ એડવાઈઝર જોનાથન હેલવેલ, નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ શૈલેષ વારા તેમજ લોર્ડ નાશના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરી લોરેલી બેરે પણ સામેલ હતાં.
શાળા તેમજ સાયન્સથી માંડી ઈંગ્લિશ અને ડ્રામાના વર્ગોની મુલાકાત લીધા પછી લોર્ડ નાશે કહ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓ જે રીતે અભ્યાસમાં મગ્ન હતા તેનાથી હું પ્રભાવિત થયો છું. આ શાળાનું વાતાવરણ ખરે જ સુંદર છે.’ પાંચ વર્ષના આલ્ફ્રેડ નોયેસ દ્વારા પ્રસિદ્ધ ટેક્સ્ટ ‘ધ હાઈવેમેન’નું વર્ગમાં સુંદર પઠન આ મુલાકાતની હાઈલાઈટ બની રહ્યું હતું. મહેમાનોએ તમામ ધર્મ-સંપ્રદાયના બાળકોને આવકારવાના શાળાના સમાવિષ્ટતા ધોરણની પ્રશંસા કરી હતી. જોનાથન હેલવેલે કહ્યું હતું કે,‘શાળાના બાળકો ખરેખર ઉત્સાહી અને પ્રભાવશાળી જણાયા છે. હું તમને અને તમારી શાળાને અભિનંદન પાઠવું છું.’
સાંસદ શેલેષ વારાએ જણાવ્યું હતું કે,‘ આ મહાન સ્કૂલ બાળકોને ભવિષ્યના વર્ષો માટે નક્કર પાયો તેમજ સારું શિક્ષણ પુરું પાડી રહી છે. હું વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ, એમ બન્નેથી પ્રભાવિત થયો છું.’
અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટની સ્થાપના ૨૦૦૮માં થયા પછી તેનો સતત વિકાસ થતો રહ્યો છે. અત્યારે લંડન અને મિડલેન્ડ્સમાં સાત અવન્તિ સ્કૂલ્સ છે, ૪ પ્રાઈમરી સ્કૂલ્સ અને ત્રણ ઓલ-થ્રુ સ્કૂલ્સ છે. અવંતિ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટથી વેમ્બલી સ્ટેડિયમ (વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વડા પ્રધાન ડેવિડ કેમરન માટે), રોયલ ફેસ્ટિવલ હોલ સહિત વિવિધ સ્થળોએ પરફોર્મ કરેલું છે.