બર્મિંગહામઃ ક્વીન દ્વારા MBEનું સન્માન મેળવનારા સ્થાનિક બિઝનેસમેન આફતાબ ચુઘતાઈના બેબીવેર સ્ટોરે તેમના એક વર્કરને ૧૪,૧૪૨ પાઉન્ડ ચૂકવ્યા ન હોવાથી ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી (DEBIS)ની યાદીમાં તેમનું નામ સામેલ કરાયું હતું. DEBISદ્વારા વર્કરોને મીનીમમ વેજ કરતા ઓછું વેતન ચૂકવવા બદલ યુકેની ૨૩૩ કંપનીઓને કુલ ૧.૯ મિલિયન પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ૩૪ વર્ષથી આલમ રોક રોડ પર ચુઘતાઈ પરિવાર આ સ્ટોર ચલાવે છે. અગાઉ HMRCએ ચૂકાદો આપ્યો હતો કે કંપનીએ એક કર્મચારીને બે વર્ષ સુધી મીનીમમ વેજને બદલે એપ્રેન્ટિસ વેજ ચૂકવ્યું હતું. ચુઘતાઈએ જણાવ્યું હતું કે અમને એવી ગેરસમજ થઈ હતી કે જે વર્કરને અમે કામ પર રાખ્યો હતો તે એપ્રેન્ટિસ સ્કીમમાં હતો અને પાર્ટ-ટાઈમ કોલેજમાં અભ્યાસ કરતો હશે. તેમણે ઉમેર્યું હતું કે કંપનીમાં નિયત કરતા ઓછા વેતનની ચૂકવણીનો આ એક જ બનાવ બન્યો હતો અને તે પછી તેમણે આવી ભૂલ ન થાય તે માટેની પદ્ધતિ અમલમાં મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે ખૂટતી ૧૪,૦૦૦ પાઉન્ડની રકમ પણ ૧૮ મહિના અગાઉ ચૂકવી દેવાઈ હતી.
પરંતુ, લેબર MP ખાલિદ મોહમ્મદે જણાવ્યું હતું કે ચુઘતાઈ જેવા હાઈ પ્રોફાઈલ બિઝનેસમેને વધારે પડતા સાવચેત રહેવું જોઈએ કારણ કે તેઓ કોમ્યુનિટીમાં ઘણા લોકો માટે આદર્શ સમાન છે.
ચુઘતાઈને વેપાર અને સમુદાયના સંબંધોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ ક્વીન દ્વારા MBEથી સન્માનવામાં આવ્યા હતા. તેઓ બર્મિંગહામના એશિયન બિઝનેસ ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડમાં પણ મેમ્બર છે.