લંડનઃ સાઉથ ઈસ્ટ લંડનની બેલ્માર્શ જેલમાં દાણચોરીથી અંદાજે ૬૦,૦૦૦ પાઉન્ડનું ડ્રગ ઘૂસાડવાના પ્રયાસની શંકાના આધારે જેલના ૪૯ વર્ષીય ઈમામ મોહમ્મદ રાવતની ધરપકડ કરાઈ હતી.
જેલના દરવાજે એન્ટી કરપ્શન યુનિટના અધિકારીઓ દ્વારા તપાસમાં તેમની પાસેથી સિન્થેટિક પદાર્થની ૬૦ જેટલી શીટ્સ મળી આવી હતી. તેની અસર ગાંજા કરતા વધુ કડક હોવાનું જણાયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે વોલન્ટિયર ચેપ્લિનને જેલની બહાર પાછા જવા દેવાયા ન હતા અને તેમની વિસ્તૃત પૂછપરછ કરાઈ હતી. બેલ્માર્શ જેલમાં ૯૦૦ કેદી છે અને તેમાં લગભગ ૨૫૦ મુસ્લિમ છે. આ કેદીઓમાં આતંકી ધર્મોપદેશક અંજેમ ચૌધરી અને ૨૦૧૩માં ફૂસિલિયર લી રિગ્બીના હત્યારા માઈકલ એડેબોલાજો સામેલ છે.